- ચણા, ઘઉં,કપાસ અને મગફળી ભરેલા 1100 થી વધુ વાહન આવતા:વ્યવસ્થા જાળવવા ખુદ ચેરમેન જયેશભાઈ બોઘરા મેદાનમાં ઉતર્યા
ગઈકાલે મહાશિવરાત્રીની રજા બાદ આજે ખુલેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા પૈકીના એક એવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની ચિક્કાર આવક થવા પામી હતી.યાર્ડની બહાર વિવિધ જણસી ભરેલા વાહનોની સાત કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. 1100થી વધુ વાહનો માલ લઈને આવ્યા હતા જેની ઉતરાયની વ્યવસ્થા કરવા ખુદ યાડના ચેરમેન જયેશ બોઘરા સહિતના ડિરેકટરોએ મેદાનમાં ઉતરવુ પડ્યુ હતું.
સૌરાષ્ટ્રના અન્ય માર્કેટિંગ યાર્ડની સરખામણીએ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાના કારણે રાજ્યભરના ખેડૂતો અહીં માલ વેચવા માટે આવે છે. ગઈકાલે મહાશિવરાત્રીની નિમિત્તે યાર્ડ બંધ રહ્યું હતું. દરમિયાન આજે સવારથી યાર્ડમાં તમામ જણસીની મબલખ આવક થવા પામી હતી.યાર્ડની બહાર વાહનોની સાત કિમી લાંબી લાઈનો લાગી ગઈ હતી.ક્રમશઃ એક પછી એક વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ અવ્યવસ્થાના સર્જાય તે માટે યાર્ડના ચેરમેન સહિતના તમામ ડિરેક્ટરો કામગીરીમાં લાગી ગયા હતા.
આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 70થી 80,000 મણ ચણાની આવક થવા પામી હતી. જ્યારે ૪૦ થી ૪૫ હજાર મણ ધાણા આવ્યા હતા.50થી 52 હજાર મણ ઘઉંની આવક થઈ હતી.ચણા ધાણા અને ઘઉંથી યાર્ડનું પરિસર રીતસર છલકાઈ ગયું હતું.જોકે કપાસ અને મગફળીની આવક થોડી ઓછી રહેવા પામી હતી આજે 12,000 મણ કપાસ અને 15,000 મણ મગફળીની આવક થવા સ્વામી હતી.ખેડૂતોના માલની જલ્દી હરાજી થઈ જાય તે માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.