- સ્લેબની ગુણવતાની તપાસ, કસુરવારો સામે પગલા ભરવા માંગ
મોરબી-રાજકોટ રોડ ઉપર શનાળા ગામ નજીક નવી બની રહેલ મેડિકલ કોલેજની કામગીરી દરમિયાન છત તૂટી પાડવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે રાત્રીના આશરે 9 વાગ્યે કામગીરી દરમિયાન છત તૂટી પડી જતા તેમાં કુલ પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેમને મોરબી સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જયારે એક શ્રમિક પડી ગયેલ છતના કાટમાળમાં ફસાયેલ જેને મોડીરાત્રીના રેસ્ક્યુ હાથ ધરી હેમખેમ બહાર કાઢયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી આલા અધિકારીઓની બેદરકારી તથા જે કામ થઇ રહ્યું છે તેમાં એન્જીનીયરો તરફથી કામગીરી ઉપર પૂરતું ધ્યાન ન આપવાને કારણે સમગ્ર દુર્ઘટના બની હોવાનું શ્રમિકો દ્વારા જણાવાયું છે.
ત્યારે સમગ્ર દુર્ઘટનામાં હાલ સરકાર દ્વારા ક્યાં પ્રકારના પગલા લેવાશે કે પછી બનેલ દુર્ઘટનામાં ભીનું સંકેલાઇ જશે? તે આવનારા સમયે જોવાનું રહ્યું.મોરબી રાજકોટ રોડ ઉપર નિર્માણાધીન મેડિકલ કોલેજની કામગીરી દરમિયાન મહાકાય છતનો સ્લેબ ધરાશાયી થયો હતો. છત બનવાની કામગીરીમાં કુલ 14 જેટલા શ્રમિકો સ્થળ ઉપર કામમાં જોડાયેલા હતા. ત્યારે રાત્રીના આશરે 9 વાગ્યાના સુમારે આખી મહાકાય છતનો સ્લેબ બેસી ગયો હતો. જેમાં શ્રમિક કમલેશ વાખલ, મનીષ મગનભાઈ, અરુણ પાસવાન અને લેબર કોન્ટ્રાક્ટર સંજય મારકણા નામના ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા જેને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જયારે સુનિલ શાહુ નામના એક શ્રમિક મહાકાય છતના કાટમાળમાં દબાય ગયેલ હાલતમાં ફસાયો હતો જેને કલાકોની બચાવ કામગીરીની મહેનત બાદ મોડીરાત્રીએ હેમખેમ બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજની મહાકાય છતનો સ્લેબ તૂટી પડતા હાજર અધિકારીઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા અને દુર્ઘટના થયાને કલાકો બાદ મોરબી જીલ્લા તંત્ર દ્વારા સ્થળ ઉપર બચાવ કામગીરી કરવા પહોંચ્યા હતા. બીજીબાજુ કરોડો રૂપિયાના સરકારી કામગીરીમાં દુર્ઘટના વખતે એક પણ ઉચ્ચ અધિકારી કે કોન્ટ્રાકટર જોવા મળ્યા ન હોવાનો કોંગ્રેસપક્ષના મનોજભાઈ પનારાએ આક્ષેપ કરી અકસ્માત સમયે સેવાભાવી લોકોએ ગેસ કટર સહિતની વ્યવસ્થા ગોઠવી શ્રર્મિકોના જીવ બચાવવા પ્રયાસો કર્યા હોવાનું જણાવી સરકારી તંત્રની પોલ ખોલી હતી. ત્યારે સ્લેબ દુર્ઘટના સ્થળે ટંકારા-પડધરી ધારાસભ્ય પહોંચી ગયા હતા જેને મીડિયા સાથેની વાતચીતમાં નિર્માણાધીન મેડિકલ કોલેજની કામગીરીમાં બેદરકારી દાખવનાર તમામ વિરુદ્ધ સરકારમાં આ અંગે અહેવાલ આપવામાં આવશે અને તમામ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.