- ભારત પ્રથમ દાવમાં 477 રનમાં ઓલ આઉટ, 259 રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી
ધર્મશાળા ખાતે રમાય રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પૈકી અંતિમ ટેસ્ટમાં મહેમાન ટીમ ઇંગ્લેન્ડનો કારમો પરાજય ત્રીજા દિવસે જ નિશ્ચિત થઈ ગયો છે. પાંચમો ટેસ્ટ ચોથા દિવસનો સુરજ નહીં જોવે તેવું હાલ લાગી રહ્યું છે. ભારતે પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડ 41 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ભારતનો વિજય નિશ્ચિત બની ગયો છે.
પાંચમાં ટેસ્ટમાં ઇંગ્લેન્ડના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં અંગ્રેજો માત્ર 218 રન જ બનાવી શક્યા હતા. જેના જવાબમાં સુકાની રોહિત શર્મા અને શુભમન ગીલની શાનદાર સદી, ઉપરાંત યશશ્વિ જયસ્વાલ,દેવદત્ત પડીકલ અને સરફરાજ ખાનનની અડધી સદીની મદદથી ભારતે 477 રનનો તોતિંગ જુમલો ખડક્યો હતો અને 259 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી હતી. પહાડ જેવડા દેવા સાથે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડ ટીમે ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં જ માત્ર 41 રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી.
હાલ જોની બેયસટ્રો અને જો રૂટ ટીમનો રકાશ ખાળવા પ્રયાસો કરી રહ્યા છે. ભારતવતી રવિશ્ચંદ્ર અશ્વિને ત્રણ વિકેટ ખેડવી હતી.પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કર્યા બાદ હાલ ઈંગ્લીશ ટીમ સતત ચોથી મેચ હારવાની કગાર પર ઉભી છે. જે રીતે પીચ સ્પીનરોને મદદરૂપ થઈ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે ત્રીજા દિવસે જ ટેસ્ટનું પરિણામ આવી જશે. ઇંગ્લેન્ડ પર એક ઈનિંગની પરાજયનું જોખમ જ ઝળુંબી રહ્યું છે.