- જે ઘરમાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે
- આ મહિલાઓએ પતિનો સાથ મળ્યા બાદ સમાજને તેની હિંમત, આત્મબળ,દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્ર્વાસનો કરાવ્યો પરિચય
આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે, ત્યારે સમગ્ર વિશ્વ વિવિધ ક્ષેત્રમા અગ્રસર એવી મહિલાઓનું સન્માન કરી ઠેર ઠેર કાર્યક્રમો યોજી આ દિવસની ઉજવણી કરે છે. જેની પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે.જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર ક્ધયા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી છે.
“પરિશ્રમ એ જ પારસમણી” ઉક્તિને સાર્થક કરનારી આ કહાની છે દેશની એ દીકરીની જેણે માત્ર 16 વર્ષની ઉંમરે એ ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતીને પોતાનું જ નહીં ભારત દેશનું નામ રોશન કર્યું. ઊંઇઈમાં આવી તો બચ્ચન પણ પ્રભાવિત થઈ ગયા હતા.
બહુ જ જાણીતી પંક્તિઓ છે કે,’મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ.’ આપણે બધાએ આ પંક્તિ અઢળક વખત સાંભળી હશે, પરંતુ આ પંક્તિઓને ખરેખર જીવી રહ્યા છે અને જીવીને સાચી કરી બતાવી છે વિશ્વના નંબર વન તીરંદાજ શીતલદેવીએ. જેમ તમે હેડલાઈનમાં વાંચ્યુ તેમ શીતલદેવીને હાથ નથી, પરંતુ તેમ છતાંય તેઓ નંબર વન તીરંદાજ છે. કેવી રીતે? તો એ જાણવા માટે શીતલદેવીની આખી સફર જાણવી જરૂરી છે.
શીતલદેવીની લાઈફ જબરજસ્ત ધીરજ અને દ્રઢ સંકલ્પનો પર્યાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે ઊંઇઈમાં આવતા પહેલા તેમને દેશના ખૂબ જ ઓછા લોકો જાણતા હતા. આ આપણું દુર્ભાગ્ય છે કે જે ખેલાડી વિશ્વસ્તરે ભારતને ગૌરવાન્વિત કરે છે, દેશનું નામ રોશન કરે છે, તેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે. શીતલ દેવી એશિયાઈ પેરા ઓલોમ્પિકમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે, અને સાથે જ તેઓ વિશ્વના નંબર 1 તીરંદાજ છે.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના અંતરિયાળ ગામ લોઈધરમાંથી આવતા શીતલદેવીની ઉંમર માત્ર 16 વર્ષની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શીતલદેવીએ તીરંદાજીની શરૂઆત માત્ર 15 વર્ષની ઉંમરે કરી છે. એટલે કે એક વર્ષની ટ્રેનિંગમાં જ તેઓ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવી રહ્યા છે. શીતલદેવી ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે તેમને જન્મથી જ બે હાથ નથી. આમ તો આપણે બીમાર પણ પડીએ તો કોઈના પર આધારિત થઈ જઈએ છીએ, પરંતુ શીતલદેવીએ આવી સ્થિતિમાં જ તીરંદાજીની ગેમ જેમાં તીર ચલાવવા માટે તાકાતની જરૂર પડે છે, તેવી ગેમમાં મેડલ્સ જીત્યા છે.
શીતલદેવી બાળપણમાં રમતા રમતા પોતાના ઘરની આસપાસ રહેલા ઝાડ પર ચડતા હતા, જેને કારણે તેમના ધડની ક્ષમતા વધી છે. પરંતુ માત્ર આટલું કાફી નહોતું. તીરંદાજી કરવા માટે હજી ઘણી બાબતો મહત્વની છે. 2021માં ભારતીય સૈન્ય દ્વારા આયોજિત સ્થાનિક ગેમ્સમાં જ્યારે તેમણે તીરંદાજી કરી, ત્યારે તેમને પગથી તીરંદાજી કરતા જોઈને હાજર બધા જ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ તેમને કૃત્રિમ હાથ લગાવવાની પણ કોશિશ કરવામાં આવી. પરંતુ ટેક્નિકલી આ શક્ય ન બન્યું. પરંતુ શીતલે હિંમત ન હારી અને કટરામાં શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આગળની ટ્રેનિંગ શરૂ કરી.શીતલના કોચ અભિલાષા ચૌધરી અને કુલદીપ વેદવાને અન્ય એક પેરા એથ્લિટ સ્ટ્રટ્ઝમેનની ટેક્નિક પરથી પ્રેરણા લીધી અને શીતલના ખભા એક રિલીઝર લગાવવામાં આવ્યું. જે તીરંદાજી માટે પણછને ખેંચવામાં શીતલને મદદ કરે છે.
છ મહિના બાદ સોનીપતમાં યોજાયેલા પેરા ઓપન નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને પોતાની સફલતાની શરૂઆત કરી. બાદમાં તો શીતલદેવીએ મેડલનો જાણે વરસાદ કરી દીધો. એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સફળતા અંગે ટ્વિટ કરીને વખાણ કર્યા હતા.શીતલદેવીના જુસ્સાએ તેમને સફળ તો બનાવ્યા જ છે, ગામની સ્કૂલનું નામ પણ શીતલદેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિપરિત પરિસ્થિતિમાં માત્ર પોતાના જુસ્સાથી જગ જીતી જનાર શીતલદેવીને આ દેશે આપેલું નાનકડું સન્માન છે.
આજે જયારે વિશ્વસ્તરે ભારતને ગૌરવવન્તુ સ્થાન અપાવનારી દેશની દીકરીને દુનિયાની સમક્ષ ઓળખાણ આપવા માટે ઊંઇઈ નું માધ્યમ જરૂરી ઠર્યુ છે, ત્યારે આપણી આસપાસ રહેલી એવી અસંખ્ય મહિલાઓ કે જે પોતાની હામ, હિમ્મત અને દ્રઢ મનોબળથી જીવી એવી કેટલીય વ્યક્તિના જીવનમાં ઉદાહરણરૂપ બનવા પાત્ર છે જેને અબતકના માધ્યમ દ્વારા સમાજમાં ગૌરવાન્તિત કરવા જરૂરી છે, તો આવો જાણીએ પરિશ્રમ થી પારસમણી સુધીનો એમનો સંઘર્ષમય સફર શું છે?
ગમે તેટલી મુશ્કેલી હોય મન મક્કમ હશે તો બધુ હાંસલ કરી શકાશે: દર્શી વસાવડા
જન્મ થયો ત્યારે ખબર પડી કે હૃદ્ય જમણી બાજુ છે. હું ત્રણ મહિનાની હતી ત્યારે તેમને રેટિનીટીસ પિગ્મેમ્ટોઝ નામની બિમારી થઇ જેનાથી તેમને આંખમાં દેખાતું બંધ થઇ ગયું. તેમને અજવાડામાં જ થોડું દેખાય હજીએ બીમારીથી લડતા-લડતા બીજી એક પાછી સાત વર્ષના હતા ત્યારે ડેકસટ્રોકર્ડિયા સાઇટસ નામની બિમારી થઇ જેનાથી તેમના ફેફ્સા નબળા પડી ગયા. આ બધી બીમારી હોવા છતાં તેમનું મન મક્કમ રાખી તેમને એક સંકલ્પ હતો દેખાતું ભલે ઓછું હોય મારે જીવનમાં આગળ વધવું છે. તે વિચારથી મન મક્કમ રાખી તેને વીવીપી કોલેજમાંથી એન્જિનિયરીંગ કરી નોકરી કરી ફેફ્સા નબળા હોવાને લીધે કોરોનાનો ભય વધારે હતો પણ તે બધામાંથી લડી તેમને કલકત્તામાં એકલી રહીને નોકરી હતી અને આજે તેમના લગ્ન થઇ ગયા છે અને તે અત્યારે તેમના પરિવારની સાથે મુંબઇ રહે છે.
કે, અપૂર્વ દૈદિપ્યમાન ચેતના ના તાર રણઝણે,
ને જાઉં તને શોધવા ને રસ્તામાં મને તું મળે,
ને હા,જો અંતરના દ્વાર ઉઘાડું ને..!
તો સામે મને મારી જાત – શક્તિસ્વરૂપા જ જોવા મળે…
– આ પંક્તિને સાર્થક કરતી શક્તિસ્વરૂપ નારીઓમાં આજે આપણે નિશાબેન ગોહેલ કે જે બાળપણથી જ દિવ્યાંગ હોવા છતાંય તેના પતિ પ્રફુલભાઇની હિમ્મત બનીને રીક્ષા ચલાવીને પરિવારને આર્થિક મદદ કરે છે. જયારે બીજું ઉદાહરણ છે 71 વર્ષીય આશાબેન દેસાઈનું છે કે જે પતિના અવસાન બાદ મળતા પેન્શન થકી જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે. ત્રીજું ઉદાહરણ ભાવનાબેન મંડલી છે કે જેણે પોતાની દીકરીના અંગોનું દાન કરી અન્યમાં નવા પ્રાણ પૂર્યા છે અને ઘણા વર્ષોથી આંગદાન માટેની ઝુંબેશમાં અગ્રસર રહીને મહાન કાર્ય કરે છે.અંતે ચોથું ઉદાહરણ દિપીકાબેન પ્રજાપતિનું છે કે જેણે 45 અનાથ દીકરીઓના જીવનને નવી દિશા કેળવવા તરફ પ્રયાણનો આરંભ કર્યો છે. તેઓ સંસ્થામાં મનોગંભીર બાળાઓને સમાજમાં જીવતર જીવતા શીખવે છે.ત્યારે આજે અબતકના માધ્યમ દ્વારા સમાજને આ મહિલાઓની આત્મનિર્ભરતા અને હિમ્મતનું ઉદાહરણ આપવા આજે વિશ્વમહિલા દિવસ એ ઉત્તમ દિવસ તરીકે લેવામાં આવ્યો છે. તો આવો એમના ઉત્તમ કાર્યોને આજ આપણે સૌ મળીને બિરદાવીએ.
હિમ્મત અને આત્મનિર્ભરતા
રિક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થતા નિશાબેન ગોહેલ
નિશાબેને જણાવ્યું કે,હું માત્ર આઠ વર્ષની હતી ત્યારે મને આંચકી ઉપડતા મારાં બંને પગમાં તકલીફ ઉભી થઈ હતી. ત્યારથી જ મારાં બંને પગે કામ આપવાનું ઓછું કરી દીધું હતું. આજથી દસેક વર્ષ પહેલા મારાં લગ્ન થયા હતા. મારાં પતિ મને ઘણો સપોર્ટ કરે છે. તેમણે મને રીક્ષા ચલાવતા શીખવી. હું ઘરના કાર્યની સાથે મારાં પરિવારને આર્થિક મદદ પણ કરું છું. પહેલા હું મારાં પતિની રીક્ષા ચલાવતી બાદ મને રોટરી ક્લબ દ્વારા ઈ-રીક્ષા મળી. હું ત્રણ વર્ષથી રીક્ષા ચલાવું છું. રોજના પાંચસો રૂપિયાનું વેતન કમાણી કરીને મારાં પરિવારમાં આર્થિક મદદ કરું છું.અંતે નિશાબેન મહિલા દિવસે સમાજને અપીલ કરતા જણાવે છે કે દરેક મહિલા પોતાના પતિને આર્થિક રીતે મદદરૂપ બને અને પરિવારને ઉપયોગી બને.
જુસ્સો અને આત્મબળ
ઉંમર કાર્યનિષ્ઠામાં ક્યારેય અવરોધરૂપ બનતી જ નથી:આશાબેન દેસાઈ
એમણે જણાવ્યુ કે આજથી ઘણા સમય પહેલા મારાં પતિના અવસાન બાદ મારી પાસે કરવા માટે કોઈ કાર્ય નહોતું.મારે સંતાનમાં 2 દીકરીઓ છે જે બન્ને સાસરિયામાં આર્થિક રીતે સુખીજીવન જીવે છે.મારાં પતિના અવસાન બાદ તેમના ભાઈ પણ અવસાન પામ્યા.હાલ અમે દેરાણી જેઠાણી બે જ ઘરમાં રહીએ છીએ અને અમારા બન્ને ને જે પેન્શન પ્રાપ્ત થાય છે તેનો પણ ઉપયોગ અમે સમાજસેવાના કાર્યો કરવામાં કરીએ છીએ. એમણે જણાવ્યું કે વર્ષો પહેલા ટેલિફોન ઓફિસમાં હર્મિલાબેન નામના વ્યક્તિ સમાજ સેવાના ઘણા કાર્યો કરતા હતા. જેથી મને પણ આવા કાર્યો કરવાની હામ મળી પરંતુ હું પ્રોફેશનલ સિવણકામ શીખી નહોતી. છતાંય હું મારી આવડત પ્રમાણે સૌપ્રથમ નવજાત બાળકોના ઝબલા સીવતા શીખ્યું અને શરૂઆતમાં મેં 40/50 ઝબલા સીવીને આપ્યા. ત્યારબાદ મેં મારી દીકરીઓના કપડાં સીવવાનું શરૂ કર્યું આમ મને કપડાં સીવતાં આવડ્યું. કોરોનાકાળમાં 5 હજાર જેટલાં માસ્ક જાતે બનાવીને મેં લોકોને નિ:શુલ્ક આપ્યા હતા.આ ઉપરાંત થેલા, રૂમાલ,પર્સ અને નવરાત્રીમાં કમરબેલ્ટ જેવી વસ્તીઓ સીવી તેનું વેચાણ કરી આત્મનિર્ભર રહેવાનું માધ્યમ પણ શોધી કાઢ્યું છે.અંતે એમણે સમાજની મહિલાઓને અપીલ કરતા જણાવ્યું કે, દરેક મહિલાએ આત્મ નિર્ભર રહેવું ખુબ જ જરૂરી છે.ઉંમર કાર્યનિષ્ઠામાં ક્યારેય અવરોધરૂપ બનતી જ નથી. જરૂરત છે તો માત્ર કંઈક કરવા માટે દ્રઢ નિશ્ચય કેળવવાની.
સ્થિરતા અને દ્રઢસંકલ્પ
ભાવનાબેન મંડલીએ સમાજને અંગદાનનું સમજાવ્યું મહત્વ
અંગદાન એ મહત્વનું દાન છે ત્યારે ભાવનાબેન 2018 થી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમણે જણાવ્યું કે 2016 માં મારી દિકરીનું બ્રેઇન ડેડ ડોક્ટરે જાહેર કર્યું ત્યારે દીકરીની 2 કિડની,લિવર અને હૃદય નું દાન કરવું એ અમારી માટે ખુબ જ કરુણ રહ્યું હતું પરંતુ આજે અમે જયારે બીજા પરિવારને અંગદાન માટે સમજણ પાઠવવા જઈએ છીએ ત્યારે એ લોકો કેવી લાગણી અનુભવતા હોય છે, તેનો મને ખ્યાલ છે. પરંતુ જયારે કોઈ પરિવાર અંગદાન માટે માની જાય છે ત્યારે તેમના મનમાં માત્ર એક જ ભાવ હોય છે,કે અમારું સ્વજન પાછુ જીવિત થશે અને એ બહાને અન્યને નવજીવન પણ પ્રાપ્ત થશે. એ હેતુથી પરિવારના સભ્યો અંગદાન કરે છે. આવી સમજણ સમાજના દરેકે કેળવવી જોઈએ જેથી આપણા સમાજમાં અંગદાન જાગૃતિ કેળવાય.
એમણે મહિલા દિવસ નિમિત્તે ખાસ તો અપીલ કરતા જણાવ્યું કે, ભગવાને માત્ર મહિલાઓને જ એ શક્તિ આપી છે કે તે સમાજને કંઈક આપતાં શીખવે ત્યારે આજે ફરી આપને શક્તિસ્વરૂપ થઈને સમાજમાં અંગદાન જાગૃતિ કેવવાના પ્રયત્ન કરવા જોઈએ.
કાર્યનિષ્ઠા અને આત્મવિશ્વાસ
125 દિકરીઓની માતા બની દીપિકાબેન પ્રજાપતિ શીખવે છે આત્મનિર્ભરતાના પાઠ
દિપીકાબેને જણાવ્યું કે મારા પતિની પ્રેરણાથી આજે હું આ એકરંગ મેન્ટલી ચેલેન્જ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કરું છું.સંસ્થામાં 125 દીકરીઓ જોડાયેલી છે જેમાં 45 એવી દીકરીઓ છે જે અનાથ છે આ બધી દીકરીઓને ભણતરમાં આગળ વધારવામાં આવે છે અને તેની સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે ભજન,નૃત્ય,સંસ્કૃત શ્લોકનું પઠન પણ કરાવીએ છીએ અને તેની સાથે આત્મનિર્ભરતાના પાઠ પણ ભણાવીએ છીએ આમાંથી સાત દીકરીઓ એવી છે કે જેને સંસ્થાઓ દ્વારા આત્મનિર્ભર બનાવી પાછી ઘરે મોકલવામાં આવી છે અને દીકરીઓની સમાજમાં પુન: સ્થાપના કરવામાં આવી છે. આજે એ દીકરીઓ તેના પરિવારમાં બોજ થવાના બદલે પરિવારને મદદરૂપ બને એવી કેળવણી એકરંગ એકરંગ સંસ્થા દ્વારા કેળવવામાં આવી છે.