- સર્વોચ્ચ અદાલતની સાત જજની બંધારણીય બેન્ચનો શકવર્તી ચુકાદો : પોતાના અગાઉના ચુકાદાને પ્લટાવી નાખ્યો
ચૂંટાયેલા જનપ્રતિનિધિ લાંચ લઈને ગૃહમાં મતદાન કરે, તો એ લોકશાહી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. લોકશાહીમાં પારદર્શકતા હોવી જરૂરી છે, તો જ લોકશાહી મૂલ્યો ટકી શકે. દેશમાં ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદસભ્યો પણ લાંચ લેતા હોવાના અનેક મામલા સામે આવ્યા છે. પરંતુ લાંચ લઈને ગૃહમાં મતદાન કરવું કે ભાષણ આપવું એ તો અતિગંભીર બાબત કહેવાય. સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ઝારખંડમાં 2012માં રાજ્યસભા ચૂંટણીમાં એક ખાસ ઉમેદવારને વોટ આપવા માટે સીતા સોરેન પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરીને 2012માં મુખ્ય ચૂંટણી કમિશનરની પાસે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં સીતા સોરેન પર કાયદાની કલમ હેઠળ ગુનાઇત ષડયંત્ર અને લાંચના ગુના અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક લોકસેવક દ્વારા ગુનાઇત ગેરવર્તણૂકના આરોપ લાગ્યા હતા.
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે 1998ના એ ચુકાદાને પલટી દીધો, જેમાં સાંસદો-ધારાસભ્યોને સંસદ કે રાજ્ય વિધાનસભામાં વોટ કરવા કે ભાષણ આપવા માટે લાંચ લેવા પર ગુનાઇત મામલામાં છૂટ આપવામાં હતી. સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે ઝારખંડ મુક્તિ મોરચો (જેએમએમ)ના ધારાસભ્ય સીતા સોરેન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના મામલામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ હવે સંસદમાં સંસદસભ્ય અને વિધાનસભામાં ધારાસભ્ય પર લાંચ લેવાના આરોપ લાગવા પર બંધારણની કલમ 105 અને 194 હેઠળ કાર્યવાહીથી બચી શકે નહીં. ટૂંકમાં, લાંચ લેનાર ધારાસભ્યો-સંસદસભ્યોને હવે વિશેષાધિકારનું કવચ મળશે નહીં. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સાત જજોની બેન્ચમાં જસ્ટિસ એ.એસ.બોપન્ના, એમએમ સુંદરેશ, પીએસ નરસિમ્હા, જેબી પારડીવાલા, સંજય કુમાર અને મનોજ મિશ્રા પણ સામેલ હતા. આ બેન્ચે ગત ઓક્ટોબરમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ પહેલા 1998માં એક ચુકાદો આપવામાં આવ્યો હતો કે સંસદ કે વિધાનસભાના સભ્ય ગૃહમાં વોટ કે ભાષણ આપવા માટે બંધારણની કલમ 105(2) અને 194(2) હેઠળ છૂટનો દાવો કરી શકે છે, આ ચુકાદો પણ 4થી માર્ચને સોમવારે સાત જજોની બેન્ચે પલટી દીધો છે.