- ત્રિકમનગર, મજૂર હાઉસીંગ સોસાયટીનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો: 32 ટીમો સર્વે માટે ઉતારાય
ગાંધીનગરના કલોલમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. એક જ દિવસમાં એક જ વિસ્તારમાંથી કોલેરાના 36 કેસો મળી આવતા 2 કિ.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના કલોલમાં છેલ્લા ઘણા દિવસથી પાણીજન્ય રોગ એવા કોલેરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગઇકાલે ત્રિકમનગર અને મજૂર હાઉસીંગ સોસાયટી વિસ્તારમાં એક જ દિવસમાં ઝાડા-ઉલ્ટીના 36 કેસ મળી આવ્યા હતા. જે તમામ શંકાસ્પદ કોલેરાના કેસ હોવાનું મનાય રહ્યું છે.
ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ મેહુલ કે. દવેએ એપીડેમીક ડીસીઝ એક્ટ-1897ની કલમ-2 અન્વયે ત્રિકમનગર અને મજૂર હાઉસીંગ સોસાયટી આજુબાજુના બે કિ.મી. વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. બે મેડિકલ ઓફિસર સાથે 64 પેરામેડિકલ સ્ટાફ સાથે 32 ટીમોને સર્વમાં ઉતારી દેવામાં આવી છે. પાણીના સેમ્પલ લઇ ચકાસણી કરવામાં આવી રહી છે.