- સંતવાણી, ડાયરો કાલે પ્રસિઘ્ધ કલાકારો દેવરાજ ગઢવી (નાનો ડેરો) હરેશદાન સુરૂ, વાઘજી રબારી, ઘનશ્યામ મકવાણા, મીનાબા જાડેજા જયારે બુધવારે રાત્રે માયાભાઇ આહિર, રશ્મિતા રબારી અને વાઘજી રબારી સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે
- ભલાભાઇ ચૌહાણ, કેતનભાઇ રાઠોડ, બાબુભાઇ ઝાલા, ચંપાબેન જાદવ, ગોવિંદભાઇ સોઢાના યજમાન પદે ધર્મોત્સવમાં સંતો, મહંતો, રાજકીય, સામાજીક સંસ્થાના અગ્રણી મહાનુભાવો રહેશે ઉપસ્થિત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની ધરતી પર દેશળ ભગતધામમાં લાખો ભકતો જેની રાહ જોઇ રહ્યા છે તે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની દિવ્ય-ભવ્ય ઘડી આવી પહોંચી છે. તા.પ માર્ચ 2024 મંગળવારથી તા. 7 માર્ચને ગુરુવાર સુધી ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેના આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યા છે. સ્થાનીક અને બહારગામના સેંકડો સ્વયસેવકો સ્થળ પર કાર્યરત છે. ધ્રાંગધ્રાના સુરેન્દ્રનગર રોડ પર જી.આઇ.ડી.સી. સામે નવનિર્મિત મંદિરમાં સંતો તેમજ મહાદેવ, ભગવાન રામ વગેરે દેવ-દેવીઓની મૂર્તિ પધારવવામાં આવશે. પ્રારંભમાં પ માર્ચ સવારે 9 વાગ્યે સ્વામીનારાયણ ગુરુકુળની દર્શનીય શોભાયાત્રા નીકળશે.
ભલાભાઇ ચૌહાણના જણાવ્યા મુજબ આચાર્ય શાસ્ત્રી મનીષભાઇ રાવલ (મોન્ટુ મહારાજ) જુનાગઢ અને તેમના સાથે ભૂદેવો કરાવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભે પ્રથમ દિવસે તા.પ માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યે સ્વામીનારાયણ સંસ્કારધામ ગુરુકુલથી વાજતે ગાજતે દર્શનીય શોભાયાત્રા નીકળી મંદિરે પહોેંચશે. રામકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાની તૈયારી થઇ રહી છે. આકર્ષક ફલોટસ સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે. જે મૂર્તિઓ મંદિરમાં પધરાવાની છે તે પણ યાત્રામાં રાખવામા આવશે. પહેલા મૂર્તિઓ યજ્ઞ શાળામાં રાખવામાં આવશે. શાસ્ત્રોકત વિધિ બાદ મંદિરમાં પધરાવવામાં આવશે.
મંગળવારે પ્રથમ દિવસે સવારે 11 કલાકે યજ્ઞશાળાનું ઉદઘાટન થશે. દેહશુઘ્ધી તેમજ ગણપતિ સહિતના દેવની પૂજા બાદ યજ્ઞની જવાળા પ્રગટશે. તે દિવસે બપોરે 3 વાગ્યે જલયાત્રા નીકળશે. સાંજે 6.30 વાગ્યે આરતી થશે. બીજા દિવસે બુધવારે સવારે 9 કલાકે વાસ્તુયજ્ઞ અને 1ર વાગ્ય શિલારોપણ થશે. તા. 7 ગુરુવારે સવારે 9 કલાકે શિખર પર કળશ ચડાવવાની વિધિનો પ્રારંભ થશે. બપોરે 1ર કલાકે શ્રઘ્ધાપૂર્વક મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. 1 કલાકે મહાઆરતી બાદ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
મહોત્સવમાં વઢવાણ મંદિર દુધરેજના કનિરામદાસ બાપુ, પીપળીધામના વાસુદેવ મહારાજ, આપાગીગાનો ઓટલો, ચોટીલાના મહંત નરેન્દ્રબાપુ, જુનાગઢ ઉપલા દાતાર ટેકરીના ભીમબાપુ બટુકબાપુ, ધ્રાંગધ્રા દિગંબર સાધુ જગ્યાના રાજેન્દ્રગીરીબાપુ, રામમોલ જગ્યાના મહાવીરદાસજી મહારાજ, નારીચાણીયા હનુમાન મંદિરના મહંત રોહિતદાસ તુલસીદાસ, હળવદ નકલંકધામના દલસુખબાપુ, ધ્રાંગધ્રા સ્વામી નારાયણ સંસ્કાર ધામના રામકૃષ્ણદાસજી સ્વામી સહિત અનેક સંતો હાજર રહી દર્શન અને આશીર્વાદનો લાભ આપશે. સર્વેને જાહેર નિમંત્રણ છે. સ્થળ પર આવનારા લાખો ભાવિકો માટે બન્ને સમય મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ધ્રાંગધ્રામાં મૂર્તિ મહોત્સવ નિમિતે તા. પ અને 6 ના રોજ રાત્રે 9 કલાકે નામાંકિત કલાકારોની ભજન, સંઘ્યા (ડાયરો) રાખેલ છે. તા. પ મંગળવારે દેવરાજ ગઢવી, હરેશદાન સુરૂ, વાઘજી રબારી, ઘનશ્યામ મકવાણા, મીનાબા જાડેજા વગેરે કલાકારો તથા બીજા દિવસે તા. 6 બુધવારે રાત્રે માયાભાઇ આહીર, રશ્મીતાબેન રબારી, વાઘજી રબારી વગેરે કલાકારો ભાગ લેશે.
મહોત્સવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં યજમાનો ભલાભાઇ ચૌહાણ, જુનાગઢવાળા સંત લાલદાસબાપુ, પુ. કેતનભાઇ રાઠોડ, જામનગરના બાબુભાઇ ઝાલા, ધ્રાંગધ્રાના ચંપાબેન જાદવ, ગોવિંદભાઇ સોઢા વગેરે પરિવારો જોડાશે. ધર્મોત્સવ અંગે ભાવિકોમાં ભારે ઉત્સાહ છે. અશોકભાઇ ડી ડાંગર સમગ્ર મહોત્સવનું સંકલન કરી રહ્યા છે.