- ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે મૂરતિયા જાહેર કરાશે
- ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં સિટીંગ સાંસદોની ટિકિટ પર પુરેપુરૂં જોખમ
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત શનીવારે 195 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની ચાર સહિત ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આગામી બુધવારે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. ગુરૂવારે ભાજપ દ્વારા વધુ 200 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જેમાં સૌરાષ્ટ્રની ચાર બેઠકો સહિત ગુજરાતની બાકી રહેલી તમામ 11 બેઠકો માટે મૂરતીયાઓના નામ જાહેર કરી દેવામાં આવશે.
ભાજપ દ્વારા ગત શનિવારે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 10 બેઠકો પર સિટીંગ સાંસદોને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, પંચમહાલ અને અમદાવાદ પશ્ર્ચિમ બેઠકો પર સિટીંગ સાંસદોની ટિકિટ કાંપી નાંખવામાં આવી છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પરથી ડો.રેખાબેન ચૌધરી, પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક પરથી દિનેશભાઇ મકવાણા, રાજકોટ બેઠક પરથી પરસોત્તમભાઇ રૂપાલા, પોરબંદર બેઠક પરથી ડો.મનસુખભાઇ માંડવિયા, જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, આણંદ બેઠક પરથી મીતેશભાઇ પટેલ, ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ, દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોર, ભરૂચ બેઠક પરથી મનસુખભાઇ વસાવા અને બારડોલી બેઠક પરથી પ્રભુભાઇ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રની જે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. તેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી બેઠકનો સમાવેશ થાય છે. જેમાં અનુક્રમે ડો.ભારતીબેન શિયાળ, ડો.મહેન્દ્ર મુંજપરા, રાજેશભાઇ ચુડાસમા અને નારણભાઇ કાછડિયા સિટીંગ સાંસદ છે. તમામની ટિકિટ પર જોખમ રહેલું છે. સૌરાષ્ટ્રમાં ચાર પૈકી એકમાત્ર બેઠક પર મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હોય. ભાવનગર બેઠકના વર્તમાન મહિલા સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જૂનાગઢ બેઠક પરથી રાજેશભાઇ ચુડાસમા, અમરેલી બેઠક પરથી નારણભાઇ કાછડિયા અને સુરેન્દ્રનગર બેઠક પરથી ડો.મહેન્દ્ર મુંજપરાના સ્થાને નવા ચહેરાને લોકસભાની ટિકિટ આપવામાં આવશે. તેવું હાલ મનાય રહ્યું છે.
આગામી છ માર્ચના રોજ ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. 7 માર્ચના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવશે. જેમાં 200 બેઠકો માટે મૂરતિયા જાહેર કરવામાં આવશે. ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ગુરૂવારે ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવશે. 14 કે 15 માર્ચના રોજ ઉમેદવારોના નામની ત્રીજી અને અંતિમ યાદી જાહેર કરવામાં આવે તેવું હાલ દેખાય રહ્યું છે. ટૂંકમાં લોકસભાની ચૂંટણી માટેની તારીખોનું એલાન થાય તે પૂર્વ ભાજપ દ્વારા 543 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.
આ 11 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે
- સુરેન્દ્રનગર
- જૂનાગઢ
- અમરેલી
- ભાવનગર
- અમદાવાદ પૂર્વ
- મહેસાણા
- સાબરકાંઠા
- વડોદરા
- સુરત
- છોટા ઉદેપુર
- વલસાડ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કેસરિયા કરવાના મૂડમાં !!
રાજુલાના આહીર અગ્રણી ગમે ત્યારે ભાજપનો ખેસ ધારણ કરી લેશે
રાજુલા વિધાનસભા બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય અને આહીર સમાજના અગ્રણી અંબરીશભાઇ ડેર ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા તલપાપડ થઇ રહ્યા છે. આગામી દિવસોમાં તેઓ ગમે ત્યારે પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ પહેરી લેશે. લોકસભાની આગામી ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો પડી શકે છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે રાજુલાના વર્તમાન ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળના સ્થાને લડાવવા માંગે છે. તેઓ વિજેતા બનશે તો રાજુલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે. જેમાં અંબરીશ ડેરને ટિકિટ આપવામાં આવશે. આગામી દિવસોમાં ગમે ત્યારે અંબરીશભાઇ ડેર ભાજપમાં જોડાઇ જશે તેવી ચર્ચાઓ ચાલી છે. વિરોધ પક્ષને પ્રચાર-પ્રસાર માટે પણ આગેવાનો કે કાર્યકરો ન મળે તેવું વાતાવરણ ભાજપ દ્વારા હાલ ઉભું કરવામાં આવી રહ્યું છે.