- હાઇકોર્ટ બેન્ચની વાત તો દુર રહી વકિલોના બેસવાના પણ ‘ઠેકાણા’ નથી!
- એક સમયે રાજકોટ બારની ગરિમા અને ગૌરવની નોંધ લેવાતી: અનુભવી અને સિનિયર વકિલોમાં એકતા અને એકજુટથી પ્રશ્ર્નોનો નિકાલ ઝડપથી થશે
રાજકોટ શહેરમાં જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ બન્યા બાદ ટેબલ રાખવાના પ્રશ્ર્ને ચાલતો વિવાદ દોઢ માસ થવા છતાં હજુ ઉકેલાયો નથી. ટેબલ રાખવાનો વિવાદ વધુ વકર્યો હોય તેમ વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો જે ઠરાવ પસાર કર્યો હતો તે મુજબ આજ સવારથી કોર્ટ કાર્યવાહીના બહિષ્કાર સાથે વકીલોએ કોર્ટના ઝાંપે ધામા નાખી વિરોધ નોંધાવ્યો હતો. અને જો સાંજ સુધીમાં નિરાકરણ નહિ આવે તો લોક અદાલતના બહિષ્કારની ચીમકી સાથે આવતી કાલે આગળની રણનીતિ ઘટવાનું વકીલોએ એલાન કર્યું છે.
નવી કોર્ટ બિલ્ડિંગમાં ટેબલની જગ્યા ફાળવણી, ઝેરોક્ષ મશીન કેન્ટીન્ટ, બોન્ડ રાઇટર સહિતના પ્રશ્નનો લોકાર્પણના દોઢ માસ બાદ પણ ઉકેલ નહિ આવતા પડતર પશ્નોના નિરાકરણ માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા જનરલ બોર્ડ બોલાવી કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં ટેબલ રાખવાના વિવાદને ઉકેલવા માટે ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટીમાંથી ચાર ધારાશાસ્ત્રીઓએ રાજીનામા આપી દીધા હતા અને નવી કોર્ટ બિલ્ડિંગમાં અગવડતા અને અસુવિધા દૂર કરવાની માંગણીને લઈ વકીલો મક્કમ છે.
આ માગણીને લઇ વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા તથા આગામી દિવસોમાં યોજાનાર લોક અદાલતનો બહિષ્કાર કરવા સહિતના ઠરાવો રાજકોટ બાર એસોસિએશનની મિટિંગમાં પસાર થયા હતા.આ કાર્યક્રમના પગલે આજરોજ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના હોય ગઈકાલે રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. પરંતુ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇએ આ માંગણી સ્વીકારી ન હતી આ સંબંધેના પત્રમાં પીઆઇએ લખ્યું હતું કે, હડતાળનો કોલ કાયદાના નિયમો અને ઉપરી અદાલતના ચુકાદાઓ સાથે સુસંગત ન હોવાથી પોલીસ રક્ષણ આપવા પાત્ર નથી. વધુમાં તેમને લખ્યું હતું કે, કોર્ટની ન્યાયિક કાર્યવાહીમાં અડચણ થાય તેવી કોઈ કાર્યવાહી ન કરવી. આ સંદર્ભે બારના હોદ્દેદારોએ ટેકનિકલ મુદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે, બાર દ્વારા હડતાળનું એલાન અપાયું જ નથી જે પત્ર પોલીસને અપાયો છે તેમાં પણ હડતાલનો ઉલ્લેખ નથી. વકીલો માત્ર કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહે તે પ્રકારનો જ નિર્ણય લેવાયો છે.
બીજી તરફ જ્યુડિશિયલ ઓફિસરે બંદોબસ્ત આપવા માટેનું કહ્યું હોય જેના કારણે તકેદારીના ભાગરૂપે આજરોજ સવારથી કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજરોજ સવારથી અગાઉ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વકીલોએ કોર્ટ કાર્યવાહીના બહિષ્કાર સાથે વકીલોએ કોર્ટના દરવાજા બહાર છાવણી નાખી વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના કાર્યક્રમમાં બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત સિનિયર અને જુનિયર વકીલો પણ જોડાયા હતા. બાર એસોસિએશન દ્વારા વકીલો માટે જમણવારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાંજ સુધીમાં નિરાકરણ નહિ આવે તો લોક અદાલતના બહિષ્કારની ચીમકી સાથે આવતી કાલે આગળની રણનીતિ ઘટવાનું વકીલોએ એલાન કર્યું છે.
લોકાર્પણમાં સક્રિયતા બતાવ્યા બાદ વકિલોના આ દાળા જોવાનો વારો આવ્યો!
ડીજેની કમિટીએ બારની કમિટીને કામગીરી સોંપવા કર્યો ઠરાવ
શહેરના નવા કોર્ટ બિલ્ડિંગમાં ટેબલ સ્પેસનો પ્રશ્નનો ઉકેલ લાવવા ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ત્રણ જ્યુડીસરી ઓફિસરો અને સાત સિનિયર વકીલોની કમિટી બનાવવામાં આવી હતી. જેમા ચાર સિનિયર વકીલો દ્વારા બાર ના હિતના નિર્ણય કમિટી માંથી રાજીનામાં આપી દેવામાં આવ્યા હતા. બાદ રાજકોટ બાર દ્વારા પણ પોતાની કમિટી બનાવેલી હોવાથી ત્રણ જજ તેમજ ત્રણ સિનિયર વકીલોએ ઠરાવ કરીને ડિસટીક જજને મોકલી આપેલા છે. બાર દ્વારા બનાવેલી કમિટીને કામગીરી કરવા માટે સોંપી આપવી તેવું ઠરાવેલું છે.
સૌરાષ્ટ્રના જુદા જુદા બાર એસો.નો ટેકો
રાજકોટમાં નવનિર્મિત કોર્ટમાં વકીલોના ટેબલની જગ્યા ફાળવણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી આજે દરવાજા બહાર છાવણી નાખી વિરોધ દર્શાવ્યો હતો જેમાં રાજકોટના વકીલોને અખિલ ભારતીય અધિવકતા પરિષદ, જસદણ બાર એસોસિયેશન, જેતપુર બાર એસોસિયેશન, પડધરી બાર એસોસિએશન, ગોંડલ બાર એસોસિએશન અને મોરબી બાર એસોસિએશન સહિતની સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે.
બાર અને બેન્ચ વચ્ચે બેઠક યોજાવાના સંકેત
નવી કોર્ટ બિલ્ડીંગમાં અસુવિધાને લઈને બાર અને બેન્ચ આમને સામને આવ્યા હોય તેમ વકીલોએ જજની કમિટીમાંથી રાજીનામાં ધરી દીધા હતા અને આજે વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને ટેબલની જગ્યા ફાળવણી સહિતના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે. સૂત્રોના જાણવા મુજબ સાંજ સુધીમાં બાર અને બેંચ વચ્ચે બેઠક યોજાઈ તેવા સંકેત જોવા મળી રહ્યા છે અને જો બાર અને બેન્ચ વચ્ચે બેઠક યોજાશે તો સમસ્યાનું નિરાકરણ આવશે તેવું જાણવા મળ્યું છે.
વકિલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી
રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગમાં ટેબલ વ્યસસ્થા સહિતની સુવિધાઓને લઇ ચાલતા વિવાદનું કોઇ નિરાકરણ ન આવતા આજરોજ વકીલો આગાઉથી નક્કી થયા મુજબ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતાં.વકીલોના આ કાર્યક્રમને લઇ સવારથી કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.દરમિયાન વકીલો અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આઇ.એન.રાઠોડ દ્વારા વકીલોને તમે લોકોને કોર્ટે આવતા રોકો છે તે બાબતને લઇ વાતચીત ચાલતી હતી જેમાં વકીલોએ એવું કહ્યું હતું કે, અમે કોઇને દબાણ કરતા નથી અમે અમારા વકીલ ભાઇઓને સમજાવી રહ્યા છીએ અને કોઇને અટકાવતા નથી.છતાં તમને લાગતું હોય તો અમારી સામે અટકાતી પગલાં લઇ શકો છો. આ વાતચિત દરમિયાન પીઆઇ રાઠોડે તમે વકીલોઅને ગર્ભિત ધમકી આપો છો તેમ કહેતા સિનિયર વકીલો વીફર્યા હતા અને કહ્યું હતું કે, તમે અમને ધમકી આપો છો.આ સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને એક તબક્કે મામલો તંગ બની ગયો હતો.
વિવાદ ઉકેલવા સી.જે.આઇ.ને પત્ર લખતા દિલીપ પટેલ
શહેરના નિર્માણ પામેલા ડીસ્ટ્રીકટ કોર્ટ બીલ્ડીંગના પ્લાનમા તત્કાલીન ડીસ્ટ્રીકટ જજ ગીતા ગોપી અને બાદ ઉત્કર્ષ દેસાઈ ના કાર્યકાળમાં કામગીરી કરવામાં આવી હતી. બંનેએ રાજકોટના વકીલોને બેસવા માટે જગ્યા ફાળવશે તેવું જણાવેલું હાલનાં ઉદઘાટન બાદ ડીસ્ટ્રીકટ જજ વચ્છાણી એ યુનીટ જજ શાસ્ત્રી ની હાજરીમાં બીલ્ડીંગમાં વકીલોને બેસવા જગ્યા ક્યાં ફાળવવી, બાર એસો.નો હોલ વિગેરે જગ્યા નક્કી થયેલું જે બાર એસો.નો જનરલ બોર્ડ બોલાવવા માટે હોલ પણ આપેલ નથી અને 3000 વકીલો ઉભા ઉભા લોબીમાં જનરલ બોર્ડ બોલાવ્યું છે.આ પરિસ્થિતિમાં હાઈકોર્ટમાં બાર એસો.નું પ્રતિનિધિ મંડળ ચીફ જસ્ટીસને મલ્યું હતું. ચીફ જસ્ટીસે ડીસ્ટ્રીકટ જજને વકીલોને બેસવાની જગ્યા માટે નીર્ણય લેવાનું કહેલું હતુ. છતા પણ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ધ્વારા દરેક વસ્તુમાં હાઈકોર્ટનું નામ લઈ અને કાર્યવાહી કરી રહેલ છે. બાર અને બેંચ વચ્ચે ડીસ્ટ્રીકટ જજ ની કાર્યપધ્ધતીના પરીણામે વિવાદ ઉભો થતો હોય વકીલોને યોગ્ય જગ્યા બેસવા માટે બાર એસોસીએશનને ફાળવી આપવા અમારી રજુઆત છે. બાર એસો. અને ડીસ્ટ્રીકટ જજ વચ્ચે મતભેદો દુર થાય તે માટે હાઈકોર્ટને યોગ્ય કાર્યવાહી કરવા માટે સુચના આપવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડ ને પત્ર લખી તાત્કાલિક પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરી છે.