• મુંબઈની 207 રનની લીડ, શાર્દુલે 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 105 બોલમાં 109 રન ફટકાર્યા, મુશીર ખાનની પણ 55 રનની લડાયક ઇનિંગ

રણજી ટ્રોફી 2023/24ની બંને સેમિફાઈનલ મેચ શનિવારથી રમાઈ રહી છે. પ્રથમ સેમિફાઈનલ મધ્યપ્રદેશ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહી છે. તો બીજી સેમિફાઈનલ મુંબઈ અને તમિલનાડુ વચ્ચે ટક્કર જોવા મળી છે. રવિવારે મેચના બીજા દિવસે મુંબઈ માટે શાર્દૂલ ઠાકુરે સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાર્દૂલની આ પ્રથમ સદી છે. તે જ સમયે ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો.ભારતીય ટીમનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. તેણે શાનદાર સેન્ચુરી ફટકારી. મુંબઈ માટે પહેલી ઈનિંગમાં તેણે 105 બોલમાં 109 રન કર્યા.

આ દરમિયાન તેના બેટમાંથી 13 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. હાલ આ ખેલાડી ભારતીય ટીમમાંથી બહાર છે. સાઈ કિશોરની આગેવાનીવાળી ટીમે પહેલી ઈનિંગમાં 146 રન બનાવ્યા. તેના સિવાય સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન 55 રન બનાવીને આઉટ થયો હતો.

દિવસની રમતના અંતે મુંબઈની ટીમે નવ વિકેટના નુકસાન પર 353 રન બનાવી લીધા છે. તનુષ કોટિયન 74 રન અને તુષાર દેશપાંડે 17 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. શ્રેયસ અય્યર મુંબઈની પ્રથમ ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને તમિલનાડુના જમણા હાથના મધ્યમ ઝડપી બોલર સંદીપ વોરિયરે બોલ્ડ કર્યો હતો. તમિલનાડુ તરફથી કેપ્ટન સાંઈ કિશોરે અત્યાર સુધીમાં 6 વિકેટ લીધી છે. કુલદીપ સેને 2 વિકેટ લીધી હતી. જ્યારે સંદીપ વારિયરને 1 વિકેટ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.