- ઇ-મેમો, ગંદકીના દંડ વસૂલવા હવે નવી પધ્ધતિ: મ્યુનિ.કમિશનર આનંદ પટેલ
જાહેરમાં પાન-ફાકીની પીચકારી મારનાર કે ગંદકી કરતા આસામીઓને કોર્પોરેશન દ્વારા ઇ-મેમો મોકલવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો ઇ-મેમાની રકમ ભરતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. હવે જો કોર્પોરેશનનો દંડ નહિં ભરે તો બાકી રકમ વેરા બિલમાં ચડાવી દેવામાં આવશે. આ પધ્ધતિ માટે ટૂંક સમયમાં નવો સોફ્ટવેર બનાવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે હાલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી કરનાર, કચરો ફેંકનાર, પાણી ઢોળનાર, પાન કે ફાકીની પીચકારી મારનાર, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર, મંજૂરી વિના બોર્ડ-બેનરો લગાવી દેનારા આસામીઓને ઇ-મેમો મોકલે છે અથવા દંડ ફટકારે છે. આ દંડની રકમ ભરપાઇ કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. છતાં શહેરીજનો દંડ ભરતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવામાં હવે એક નવી જ પધ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. જેમાં જો કોઇ આસામી કોર્પોરેશને ફટકારેલા દંડની રકમને ભરપાઇ નહિં કરે તો આ દંડની રકમ વેરા બિલમાં ચડાવી દેવામાં આવશે અને તેના પર વ્યાજની પણ વસૂલાત કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં એક નવો સોફ્ટવેર બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇ-મેમો જેને ફટકારવામાં આવ્યો હોય તેના નામે જો કોઇ પ્રોપર્ટી જ ન હોય તો તેના નામનું વેરાબિલ પણ બન્યું હોતુ નથી. આવામાં તેનો પેન્ડિંગ વેરો કોને પાસેથી વસૂલવો તે પણ મોટો સવાલ છે. જો કે, નવી સિસ્ટમથી ગંદકી કરનારાઓમાં થોડો ડર ચોક્કસ ઉભો થશે.
આચાર સંહિતા પહેલા ફાઇનલ થયેલા કામો શરૂ કરી દેવાની તજવીજ
લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન એક પખવાડીયામાં ગમે ત્યારે થઇ જાય તેમ છે. આદર્શ આચાર સંહિતામાં વિકાસ કામો પર બ્રેક ન લાગે તે માટે કોન્ટ્રાક્ટ લેવલે પહોંચી ગયેલા કામો શરૂ થઇ જાય તેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે તમામ શાખા અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને એની તાકીદ કરી છે કે જે કામોના ટેન્ડર ફાઇનલ તબક્કે પહોંચી ગયા છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મોકલવાની થાય છે તેવા કામોનું લીસ્ટ તાત્કાલીક સોંપી દેવામાં આવે. જેથી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મોકલીને વિકાસ કામો ચૂંટણી આચાર સંહિતા પહેલા શરૂ કરાવી શકાય.
હોર્ક્સ ઝોનમાં સ્વચ્છતા સમિતિની રચના કરાશે
ગંદકી કરનારને હોર્ક્સ ઝોનમાં કાયમી ધોરણે બ્લેકલીસ્ટ કરવામાં આવશે
શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા 99 જેટલા હોર્ક્સ ઝોન બનાવવામાં આવ્યા છે. જેની આસપાસ સૌથી વધુ ગંદકી થતી હોય છે. સ્વચ્છતા ક્રમાંકમાં રાજકોટ પટકાયા બાદ હવે ફરી સ્વચ્છતામાં રેન્કિંગ હાંસલ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. શહેરના 99 હોર્ક્સ ઝોનમાં ગંદકી થતી અટકાવવા માટે સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવશે. જેમાં ચારથી પાંચ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. જેને હોર્ક્સ ઝોનમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટેની કામગીરી કરવાની રહેશે. આ માટે તંત્ર તેઓને તમામ પ્રકારની મદદ કરશે. ગંદકી ફેંલાવનાર હોર્ક્સ ઝોનના ધંધાર્થીઓને કાયમી ધોરણે બ્લેકલીસ્ટ કરવામાં આવશે અને ભવિષ્યમાં એકપણ જગ્યાએ ધંધો-રોજગાર માટે તેમને જગ્યાની ફાળવણી કરવામાં આવશે નહિં. ટૂંક સમયમાં હોર્ક્સ ઝોનના લાભાર્થીઓ સાથે આ સંદર્ભે બેઠક પણ યોજવામાં આવશે.