- સુરતથી રાજકોટ આવતી વેળાએ યુવતીએ ઠંડાપીણામાં ઘેની પદાર્થ પીવડાવી સોનાની વીંટી લઈ રફુચકર
લીંબડી હાઈ-વે પર કાર ચાલક રાજકોટના યુવકને અજાણી મહિલાએ ઠંડા પીણામાં કેફી દ્રવ્ય પીવડાવી બેભાન કરી નાખ્યો હતો. કેફી પીણાનાં નશામાં ભાન ભૂલેલા યુવાને પહેરેલી સોનાની વીંટી અને મોબાઈલ ફોન લઈને મહિલા છૂમંતર થઈ ગઈ હતી. ભોગ બનનાર યુવકને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.રાજકોટના રૈયા ચોકડી પાસે રહેતા ઈન્દ્રજીતભાઈ ઠક્કર કામ અર્થે સુરત ગયા હતા. કામ પૂર્ણ થયા બાદ તેઓ કાર લઈને સુરતથી રાજકોટ પરત ફરી રહ્યા હતા. ત્યારે કામરેજથી એક અજાણી મહિલાએ તેમની પાસે રાજકોટ આવવાં માટે લિફ્ટ માંગી હતી. મહિલાને કારમાં બેસાડી ઈન્દ્રજીતભાઈ રાજકોટ આવવા રવાના થયા હતા.
રસ્તામાં બન્ને વચ્ચે વાતોનું આદાન પ્રદાન થયું હતું. લીંબડી હાઈ-વે પરની એક હોટલમાં બન્ને ઠંડું પીણું પીવા માટે કાર ઉભી રાખી હતી. ઠંડું પીણું પીધા પછી ઈન્દ્રજીતભાઈ ઠક્કરની આંખો ઘેરાવા લાગી હતી. કારમાં જ તેઓ બેભાન થઈ ગયા હતા. મહિલા ઈન્દ્રજીતભાઈએ પહેરેલી સોનાની વીંટી અને મોબાઈલ ફોન ચોરીને છૂમંતર થઈ ગઈ હતી. ઈન્દ્રજીતભાઈ ભાનમાં આવ્યા ત્યારે તેમને ઘટના અંગે જાણ થઈ હતી. તબિયત યોગ્ય નહીં લાગતાં લોકોએ એમને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. ઈન્દ્રજીતભાઈ ઠક્કરે આપવીતી જણાવી હતી. જેના ઉપરથી અજાણ્યા લોકોને વાહનોમાં લિફ્ટ આપતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો.