- રાજકોટ જિલ્લાનો બોર્ડનો એક્શન પ્લાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરાયો
- ધોરણ 10માં 40 કેન્દ્રના 173 બિલ્ડિંગના 1,568 બ્લોક પરથી 45,642 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સાયન્સમાં 6 કેન્દ્રોના 42 બિલ્ડિંગમાં 439 બ્લોક પરથી 8,653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચે પૂર્ણ થશે. જેમાં રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોના 312 બિલ્ડિંગોના 2,851 બ્લોક પરથી 80,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજકોટ જિલ્લાનો બોર્ડનો એક્શન પ્લાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 40 કેન્દ્રના 173 બિલ્ડિંગના 1,568 બ્લોક પરથી 45,642 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જ્યારે ધોરણ 12 સાયન્સમાં 6 કેન્દ્રોના 42 બિલ્ડિંગમાં 439 બ્લોક પરથી 8,653 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રો છે અને 97 બિલ્ડિંગ છે. જેમાં 844 બ્લોક પરથી 26,215 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં 8 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 10માં રાજકોટ શહેરમાં બેડીપરા, સદર અને મવડી જ્યારે ગ્રામ્યમાં ધોરાજી અને જસદણ એમ કુલ 5 ઝોન રાખવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં રાજકોટ ધોરાજી અને જસદણ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ 1 અને 3 તથા ધોરાજી અને જસદણ એમ કુલ 4 ઝોન પરથી પરીક્ષા લેવામાં આવશે.
રાજકોટ જિલ્લાના તમામ ઝોન પરના તમામ બિલ્ડિંગના બ્લોક CCTV કેમેરાથી સજ્જ છે. એટલે કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે. તે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા છે. રાજકોટ જિલ્લામાં ખાસ તકેદારી રાખવાના પરીક્ષા કેન્દ્રો ઉપર જિલ્લા કલેકટર દ્વારા વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેઓ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ઇન્સ્પેક્શન માટે જશે. આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિજલન્સની ટીમ પણ કાર્યરત રહેશે.
જિલ્લાના 4 કેન્દ્રો અતિસંવેદનશીલ
રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અતિ સંવેદનશીલ કેન્દ્રોમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં ગોંડલ અને દેરડી કુંભાજી જ્યારે ધો. 12માં પડધરી અને ભાયાવદર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં ધો. 10માં પડધરી, ભાયાવદર અને વીરપુર જયારે ધો. 12માં ગોંડલ છે. એટલે કે 11 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા દરમિયાન 8 પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
એપ્રિલમાં ગૌણસેવા વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષા ચાલશે
ગુજરાતમાં ફરીથી નવી નોકરીઓની તક આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે સરકારી ભરતીની પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા સંદર્ભે સચિવ હસમુખ પટેલે માહિતી આપી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા સંદર્ભે સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આગામી એપ્રિલ માસમાં ગૌણસેવા વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 19 દિવસ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. 1 લી એપ્રિલથી 8મી મે સુધી પ્રિલીમીનરી પરીક્ષાનું કરાયું આયોજન કરવામાં આવ્યું છે. 1 એપ્રિલથી પરીક્ષા શરુ થશે, જે 20 દિવસ સુધી ચાલશે.