- શંકાસ્પદ મૃત્યુ પામેલ ઘનશ્યામ મેરના માતાની અશ્રુભીની આંખો તંત્રને ઢંઢોળશે?
- 6 ડિસેમ્બરે ઘરેથી ચાલ્યા ગયાના ત્રણ દિવસ બાદ માલિયાસણ પાસેથી મૃતદેહ મળી આવ્યો : શરીરમાં અનેક જગ્યાએ ઇજાના નિશાન
રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામનો એક યુવાન ઘરેથી ચાલ્યા ગયાં બાદ ત્રણ દિવસે માલિયાસણ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલામાં કોઈકે કાવતરું ઘડીને યુવાનની હત્યા કરી લાશ રોડ પર ફેંકી દીધાનો આક્ષેપ પરીવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. અશ્રુભીની આંખે પરિવારે અશ્રુભીની આંખો સાથે નિષ્પક્ષ તપાસ કરી હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી ન્યાય અપાવવાની માંગણી પોલીસ કમિશ્નર સમક્ષ કરી છે. મૃતક યુવાનનો પરીવાર સમાજના આગેવાનો સાથે પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવ્યો હતો.
પરીવાર દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવેલી લેખિત રજુઆત મુજબ ગત તા. 06 ડિસેમ્બર 2023ના રોજ રંગીલા સોસાયટી, નવાગામ ખાતે રહેતા ઘનશ્યામભાઈ મેર નામનો યુવાન રાત્રીના બાર વાગ્યે કોઈને જાણ કર્યા વિના ઘરેથી એક થેલો લઇ તેમજ લાલ રંગનું બ્લેન્કેટ ઓઢીને નીકળી ગયો હતો. જે બાદ 07 ડિસેમ્બરના રોજ પરીવારજનોએ કુવાડવા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. જે બાદ પરિજનોએ અમદાવાદ હાઇવે પર આવેલા કનૈયા હોટેલ ખાતે યુવાનનો ફોટો બતાવી પૂછપરછ કરતા યુવાન અન્ય એક વ્યક્તિ સાથે ત્યાં આવ્યાનું હાજર કર્મચારીઓએ જણાવ્યું હતું.
પરિજનો દ્વારા યુવાનનું લોકેશન કઢાવવામાં આવતા તે રાજકોટ રેલવે સ્ટેશનથી મુંબઈના પનવેલ સ્ટેશને ગયાનું જાણવા મળ્યું હતું. જે બાદ 9 ડિસેમ્બરના રોજ ગુમ યુવાનના મોટાભાઈ હરેશ મેરને કુવાડવા પોલીસ મથકેથી જમાદાર અજયભાઇનો ફોન આવેલ હતો અને તેમણે પોલીસ સ્ટેશન ખાતે આવવા જણાવ્યું હતું. ત્યારે તેમના કૌટુંબિક ભાઈ મનસુખ સાકરીયા પોલીસ સ્ટેશન પહોંચતા જમાદાર તેમને માલીયાસણ ગમથી નવા રીંગ રોડ પર ખેરડી ચોકડી પાસે લઇ ગયાં હતા. જ્યાં રોડની બાજુમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારે જણાવ્યા અનુસાર મૃતદેહના માથાના ભાગે અને કપાળ પર મૂઢ માર, પીઠના ભાગે લાલ નિશાન, મોઢાના ભાગે દાત ન હોય તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરાંત મૃતક યુવાનના બે મોબાઈલ પૈકી એક મોબાઈલ મળી ન આવ્યો હતો.
પરીવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જ્યાંથી લાશ મળી આવી તેની બાજુના ખેતરમાં કામ કરતા મજુરને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, બે કલાક પૂર્વે અહીંયા કોઈ લાશ હતી નહિ તેમજ આસપાસના લોકોએ કોઈ જ અકસ્માત નહિ થયાનું જણાવ્યું હતું.
પોલીસે પ્રથમ અકસ્માતમાં મૃત્યુ પામ્યાનું અને ત્યારબાદ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. ત્યારે પરીવારજનોનો આક્ષેપ છે કે, તેમના પુત્રને કાવતરું ઘડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ત્યારે મામલામાં નિષ્પક્ષ તપાસ કરી આરોપીને પકડી ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી છે.
યુવાનનું મોત ઝેરી દવાથી થયું કે અકસ્માતમાં?
પરીવાર દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસે પ્રથમ અકસ્માતમાં મોત નીપજ્યાનું જણાવ્યું હતું. જે બાદ યુવાનના શરીરમાં ઝેરની અસર હોવાનું સામે આવતા પોલીસે આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. હવે એકતરફ મૃતદેહ પર ઇજાના નિશાન અને બીજી બાજુ શરીરમાં ઝેરી દવાની અસર મળી આવી છે ત્યારે સવાલ એવો ઉઠે છે કે, કદાચ અકસ્માતમાં ઇજા પહોંચી હોય તો શરીરમાં ઝેરી અસર કેવી રીતે આવી?
કુવાડવા રોડ પરની કનૈયા હોટેલ ખાતે મૃતક સાથે ચા પીવા ગયેલો અજાણ્યો શખ્સ કોણ?
મૃતક યુવાન ઘરેથી ચાલ્યા ગયાં બાદ કુવાડવા રોડ પરની કનૈયા હોટેલ ખાતે ગયો હતો. જ્યાં એક અજાણ્યો શખ્સ મૃતક સાથે ગયો હતો તેવું પરીવારજનોને જાણવા મળ્યું હતું. ત્યારે આ અજાણ્યા ઈસમની ઓળખ કરી પોલીસ તેની આગવી ઢબે પૂછપરછ કરે તો ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે.