- ગાંધીનગર, નવસારી, ભાવનગર સહિતની કેટલીક બેઠકો માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી દે તેવી ચર્ચા
- પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરિક્ષકોએ નામો મૂકયા: બેઠક વાઇઝ પેનલો સાથે સી.એમ. અને સી.આર. દિલ્હી ઉપડયા
લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થવાના આડે હવે માત્ર એકાદ પખવાડીયા જેટલો સમય બાકી રહ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપની કેન્દ્રીટ ચુંટણી સમિતિની આવતીકાલે બેઠક મળશે. જેમાં 100 થી 1ર0 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવામાં આવશે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતની ચારથી પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. મંગળવારે મોડી રાત સુધી મુખ્યમંત્રીના સરકારી નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં તમામ બેઠકો માટે પેનલો બનાવવામાં આવી છે.
દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ પેનલોના નામ લઇ દિલ્હી પહોંચી ગયા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો રવિવારે ગુજરાતનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ થયાના બીજા દિવસે જ ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની ર6 બેઠકો પર નીરીક્ષકો મોકલી સેન્સ પ્રક્રિયા હેલ્થ ધરવામાં આવી હતી. ર6 બેઠકો પૈકી રપ બેઠકો માટે એકથી વધારે આગેવાનોએ લોકસભાની ચુંટણી લડવા માટેની ઇચ્છા વ્યકત કરી હતી. અને નીરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજુ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બેઠક ગાંધીનગર સીટ પર કોઇ વ્યકિતએ દાવેદારી રજુ કરી નથી.
નીરીક્ષકોએ ગઇકાલે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સેન્સ પ્રક્રિયા દરમિયાન આવેલા નામો રજુ કરી દીધા હતા. ર6 બેઠકો પૈકી રપ બેઠકો માટે ત્રણ-ત્રણ – ચાર-ચાર નામોની પેનલ બનાવવામાં આવી છે. બાકીના તમામ નામોને લઇ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી પહોચી ગયા છે. આવતીકાલે બોર્ડની બેેઠક મળશે. જેમાં 100 થી 1ર0 બેઠકો માટે ઉમેદવારોના નામો ફાઇનલ કરવામાં આવશે. આવતીકાલે મોડી સાંજે અથવા શુક્રવારે સવારે ભાજપ દ્વારા ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે જેમાં ગુજરાતની ચારથી પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે તેવી શકયતા હાલ વર્તાય રહી છે. પ્રથમ યાદીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અને નવસારી બેઠક પરથી સી.આર. પાટીલનું નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ બેઠક માટે પણ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
રાજકોટ માટે કુંડારીયા, પુષ્કર પટેલ અને ડો. બોધરાની પેનલ બની
ડો. દિપીકાબેન સરડવા મેદાન મારી જશે?: 18 પૈકી 13નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવાયા
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના પ્રતિક કમળ પરથી ચુંટણી લડવા સેન્સ પ્રક્રિયા દરમિયાન 18 આગેવાનોએ ઇચ્છા વ્યકત કરી હતી. દરમિયાન શહેર ભાજપ સંકલન સમિતિ દ્વારા ઉંડી ચર્ચા વિચારણા બાદ 18 પૈકી વોર્ડ કક્ષાના કાર્યકરો ગણાતા.
પાંચ આગેવાનોના નામ પર કાતર ફેરવી દેવામાં આવી હતી. બાકીના 13 નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા હતા. જેમાં ત્રણ નામોને અગ્રતા ક્રમ આપવામાં આવી છે. પેનલ બનાવવામાં આવી નથી. પરંતુ જે નામોને અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે. તેને પેનલ પણ ગણી શકાય. પ્રોટોકોલ મુખ્ય પેનલમાં પ્રથમ ક્રમે વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયાનું નામ મુકવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા અને પછીના ક્રમે પુષ્કરભાઇ પટેલને આપવામાં આવ્યો છે. ચોથું નામ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અઘ્યક્ષ ડો. દીલીપાબેન સરડવાનું છે. અન્ય 9 દાવેદારોના બાયોડેટા પણ રજુ કરી દેવામાં આવ્યા છે.