- સૌ પ્રથમ અમરેલી – બેટ દ્વારકા રૂટ શરૂ કરાયો
- સવારે 5 વાગ્યે અમરેલીથી આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા -ઓખા થઈ સુદર્શન બ્રિજ પર થી બેટ દ્વારકા પહોંચશે.
દ્વારકા ન્યૂઝ : સુદર્શન સેતુના નામેં દ્વારકાના દરિયાના પાણીમાં પંથ કંડારી ગુજરાતે દેશભરમાં ડંકો વગાડી દીધો છે. સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઉદ્ઘાટન કર્યા બાદ હવે બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવામાં આવ્યા છે. પરિણામે ઇતિહાસમાં પ્રથમ વખત બેટ દ્વારકામા એસટી બસની સુવિધાનો પ્રારંભ થયો છે. સાથે જ હવે આવાગમન સરળ બનતા બેટ દ્વારકામાં જરૂરી ચીજ વસ્તુઓ પણ સસ્તી બનશે અને મોંઘવારીમાંથી સ્થાનિકોને રાહત મળશે.
પ્રથમ વખત બેટ દ્વારકામા એસટી બસની સુવિધાનો પ્રારંભ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે બેટ દ્વારકાના રોડ રસ્તે પણ જમીન માર્ગે જોડી દેવામાં આવ્યો છે, ત્યારે એસટી તંત્ર દ્વારા બેટ દ્વારકા માટેના બસના બે રૂટનો પ્રારંભ કરી દેવાયો છે. આજથી બે નવા એસટી બસના રૂટનો બેટ દ્વારકા સુધીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે બસના ભાડા મામલે હજુ કોઈ સત્તાવાર રકમ સામે આવી નથી. ભાવ પત્રક બની રહ્યું છે જેને આવતીકાલ સુધીમાં મંજૂરી અપાઈ શકે છે. હાલ ઓખા, દ્વારકા સુધીની ટિકિટમાં બેટ દ્વારકા લઈ જવામાં આવે છે.
સવારે 5 વાગ્યે અમરેલીથી સુદર્શન બ્રિજ પર થી બેટ દ્વારકા પહોંચશે
આજે સૌ પ્રથમ અમરેલી – બેટ દ્વારકા રૂટ શરૂ કરાયો છે. જે સવારે 5 વાગ્યે અમરેલીથી આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા -ઓખા થઈ સુદર્શન બ્રિજ પર થી બેટ દ્વારકા પહોંચશે. ત્યારબાદ બેટ દ્વારકા -અમરેલી જવા માટે બપોરે 3:30 વાગ્યે વાયા ઓખા, દ્વારકા, ભાટીયા, ખંભાળિયા, રાજકોટ આટકોટ થઈ અમરેલી પહોંચશે. તેજ રીતે માણસાથી બેટ દ્વારકા સાંજે 5:30 કલાકે વાયા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ધ્રોલ, જામનગર, ખંભાળિયા, દ્વારકા થઈ સવારે 5:50 કલાકે બેટ દ્વારકા પહોંચશે. જ્યારે બેટ દ્વારકાથી માણસા જવા માટે બપોરે 2:50 કલાકે વાયા દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, ધ્રોલ, ગાંધીનગર, અમદાવાદ થઈ માણસા પહોંચશે.