- આઈટી અધિકારીની ઓળખ આપી લૂંટ આચર્યાનું ફરિયાદીનું નિવેદન : પોલીસે ઉલટ તપાસ હાથ ધરી
Surat News : સુરત ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હત્યા, મારામારી અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે સુરતમાં જાણે કે સામાન્ય બની ગઇ છે. જો કે આજે 8 કરોડ રૂપિયાની લૂંટની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં હીરા વેપારીને ત્યાં આઈટી અધિકારી તરીકેને ઓળખ આપીને 8 કરોડ રૂપિયાની લૂંટ થઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે, મામલાના સીસીટીવી ફૂટેજ પ્રમાણે સમગ્ર બનાવ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે અજીબ લૂંટની ઘટના સામે આવી છે. કતારગામ સેઇફ વોલ્ટમાંથી રોકડા 8 કરોડ લઇ ઇકો કારમાં રોડ પરથી પસાર થઈ રહેલા ચાર હીરા વેપારીઓને એક યુવક રોક્યા હતા. તેણે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ઇકો કારમાં બેસી તમામનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ થોડે દૂર જઈ ગાડીમાં રહેલા આઠ કરોડ રૂપિયા બંદૂકની અણીએ લૂંટી ગયો હોવાની વાત ફરિયાદી પોલીસને કરી રહ્યા છે. બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચથી લઇ સ્થાનિક પોલીસ દોડતી થઈ અને તપાસ કરી રહી છે. જોકે, જે રીતે લૂંટની ઘટનાનો ઘટનાક્રમ બતાવાઈ રહ્યો છે, તેને લઈ પોલીસને પણ શંકાઓ ઉપજી રહી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે અનેક હીરા કારખાના, સેઇફ વોલ્ટ ઓફિસ અને આંગણીયાની ઓફિસો આવેલી છે. ત્યારે આજે બાલા આશ્રમ વિસ્તારમાંથી ખૂબ જ અજીબ લાગે તેવી લૂંટ થયા હોવાની ઘટના સામે આવી છે. એક યુવક 8 કરોડ રૂપિયાની લૂંટ કરી ગયો હોવાની પોલીસને ફરિયાદ કરી છે. જેને લઇ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સહિત સ્થાનિક પોલીસ ઉપરાંત એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી આવ્યો હતો.
ઘટના સ્થળે પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી હતી. દરમિયાન જે જગ્યાએ ઇન્કમટેક્સ અધિકારી બનીને યુવક પોતાની કારમાં બેસ્યો હોય તે જગ્યાએથી પોલીસને એક સીસીટીવી પણ મળી આવ્યા હતા. જેમાં એક યુવક શંકાસ્પદ રીતે કારને રોકીને અંદર બેસતો હોય તેવું કેદ થયું હતું.
કેવી રીતે બન્યો બનાવ?
બનાવ અંગે ફરિયાદી દ્વારા પોલીસને જણાવવામાં આવતી વિગત મુજબ પોલીસે જણાવ્યું હતું કે, કતારગામ સેઇફ વોલ્ટમાંથી એક ઇકો કારમાં ચાર જેટલા હીરા વેપારીઓ 8 કરોડ રોકડા રૂપિયા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન હાથમાં કાળા કલરનું બેગ લઈ રસ્તાની વચ્ચે એક યુવક આવ્યો હતો અને ઇકો કારને ઉભી રખાવી હતી. ત્યારબાદ યુવકે પોતાની ઓળખ ઈન્કમટેક્સ અધિકારી તરીકેની બતાવી હતી અને ઇકો કારમાં બેસી ગયો હતો અને ઇકો કારમાં બેસેલા ચારેય વેપારીઓને થોડે દૂર લઈ જઈ પોતાની પાસે રહેલી બંદૂક બતાવી હતી. બાદમાં ગાડીમાં રહેલા આઠ કરોડ રોકડા રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.
માથે ટોપી, હાથમા હથિયાર સાથે આવેલો વ્યક્તિ આઈટી અધિકારી હોઈ શકે? : પોલીસને અનેક બાબતે શંકા
જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત ફરિયાદી દ્વારા કરવામાં આવી રહી છે, તે સાંભળતા પોલીસને અનેક શંકાઓ ઉપજી રહી છે. એક યુવક ચાર જેટલા વ્યક્તિઓને અપહરણ કરીને 8 કરોડ રૂપિયા લૂંટી લેવી આ વાત પોલીસને ગળે ઉતરતી નથી. રસ્તા પર બેગ લઈને ઇન્કમટેક્સ અધિકારી તરીકેની વાત કરનાર વ્યક્તિની વાતમાં પણ ફરિયાદીઓ આવી જવું અને આઠ કરોડ રૂપિયા આપી દેવા એ વાતને પણ પોલીસ સમજી શક્તિ નથી. તે ઉપરાંત અનેક એવા નાના મોટા સવાલો પોલીસને સામે આવ્યા છે. જેને લઇ લૂંટ બની છે કે નહીં તેમાં શંકા જઈ રહી છે. ત્યારે પોલીસ દ્વારા હાલ આ મામલે ફરિયાદીનું નિવેદન લઇ તેને આધારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.