- માત્ર મોબાઈલ ફોન જ નહી સ્માર્ટ વૉચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે
શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 5 ગેરરીતિ બદલ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં સૌથી વધુ પોલીસ ફરિયાદના કેસ વિદ્યાર્થી સામે મોબાઈલ ફોન લઈને આવવાના કિસ્સામાં થતાં હોય છે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે મોબાઈલ ફોન ફોન કે અન્ય કોઈ ઈલેક્ટ્રીક ઉપકરણો લઈને ન આવે તે માટે બોર્ડ દ્વારા તાકીદ કરાઈ છે. મોબાઈલ ઉપરાંત ઉત્તરવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે તો પણ પોલીસ ફરિયાદ થાય છે. જ્યારે ડમી વિદ્યાર્થી બેસાડવાના કિસ્સામાં, પ્રશ્નપત્રની વિગતો બહાર મોકલવા સહિતના કિસ્સામાં પણ પોલીસ ફરિયાદ થાય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિ બદલ થનારી સજાનું કોષ્ટક પણ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે આચરાતી કુલ 33 ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરાઈ છે. જેમાં કુલ 5 ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદની જોગવાઈ કરાઈ છે. સૌથી મહત્વની બાબત છે કે, દર વર્ષે અંદાજે 15થી વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સાથે ઝડપાતાં નિયમ મુજબ પ્રથમ દૃષ્ટીએ જ તેમની સામે ગુનો દાખલ થાય છે. જેથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, ભૂલથી પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન સાથે લઈને આવતા નહીં. માત્ર મોબાઈલ ફોન જ નહી સ્માર્ટ વૉચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે.
વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરાઈ છે એમાં જવાબવહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે, ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત વિજાણું ઉપરકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયા, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યો હોય, પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો ઈલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલાઈ કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યું હોય તે સાબિત થાય તો પોલીસ ફરિયાદ નોંધવવામાં આવશે.