- રાજકોટના બિલ્ડરો ઉપર આઇટીની તવાઈ
- કુલ 30થી વધુ સ્થળો પર વહેલી સવારથી જ તવાઈ : 15 થી વધુ લોકો પણ આઈટીના સકંજામાં, 200 થી વધુ અધિકારીઓ જોડાયા
- રાજકોટ ખાતે ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં એક સર્વેની કામગીરી પણ ચાલુ
- આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન ચારથી પાંચ દિવસ સુધી ચાલે તેવી શક્યતા
RajkotNews
ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઇ બોલાવી છે. રાજકોટમાં આવકવેરા વિભાગે બિલ્ડર લોબીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. બેનામી વ્યવહારો થતા હોવાની શંકામાં 30 થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. એટલુજ નહિ આ સર્ચ ઓપરેશનમાં એક સ્થળ પર સર્વે પણ યોજાઇ રહ્યો છે. હાલ બિલ્ડર ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાતા જ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે.
રાજકોટમાં બિલ્ડર લોબી પર ફરી આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. બિલ્ડર દિલીપ લાડાણી, ઓરબીટ ગ્રુપ સહિત 30 થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ શરુ કરી છે. વહેલી સવારથી આવકવેરા વિભાગની કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આવકવેરા વિભાગને બેનામી વ્યવહારો મોટા પ્રમાણ થયા હોવાની શંકા છે. જેના આધારે આ તપાસ શરુ કરવામાં આવી છે. તપાસ શરૂ કરતાની સાથે જ આવકવેરા વિભાગની ટીમે તમામ ડિજિટલ ડેટા હસ્તગત કરી સીઝ કરી દીધા છે. રાજકોટ આવકવેરા વિભાગની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપ, લાડાણી ગ્રુપ, વર્ધમાન ગ્રુપ, દેવિકા ફિનકોર્પ સહિત અનેક પેઢીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લોકસભા પૂર્વે આવકવેરા વિભાગ એક્શન મોડમાં
ચૂંટણીના પડગામ વાગી ગયા છે ત્યારે હવે આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે સમગ્ર ગુજરાતમાં ફરી એક રાઉન્ડ આવકવેરા વિભાગ દ્વારા લેવામાં આવે તો નવાઈ નહીં અને આ રાઉન્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં હવે ઝડપભેર સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાય તેવી પૂર્ણ શક્યતાઓ છે અને જેના માટે વીંગના અધિકારીઓને સજ પણ કરી દેવાયા છે.
અમદાવાદ, સુરત વિંગના અધિકારીઓનો કાફલો રાજકોટમાં
રાજકોટ ખાતે જે સર્ચ ઓપરેશન ઓર્બિટ ગ્રુપ , લાડાણી ગ્રુપ સહિતના સલગ્ન ગ્રુપ ઉપર હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ સહિતના અમદાવાદ તથા સુરત વીંગના અધિકારીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે ના અધિકારીઓનો કાફલો રાજકોટ ખાતે પણ આવી પહોંચ્યો છે. 200 થી વધુ અધિકારીઓ આ મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.
ખુબજ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા
આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી છે. જે અંતર્ગત હાલ પ્રાથમિક કાર્યવાહીમાં તમામ ડિજિટલ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને બેંક લોકરોની વિગતો એકત્રિત કરી તેને પણ સીઝ કરવામાં આવશે. આ ગ્રુપ દ્વારા બેનામી વ્યવહાર કરવામાં આવ્યા હોવાની બાતમીના આધારે જ હાઈ લેવલ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે
સર્ચમાં વીંગના ટોચના અધિકારીઓ પણ જોડાયા
અત્યાર સુધી આવકવેરા વિભાગ જે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવતું હતું તેમાં રિંગના સર્ચ ઇન્સ્પેક્ટર રેડ માં જોડાતા હતા અને કોઈ મોટા ઓપરેશનમાં જ ટોચના અધિકારીઓ આવતા પરંતુ રાજકોટ ખાતે હાલ ચાલી રહેલી સર્ચ ઓપરેશનની કામગીરીમાં રાજકોટ વિંગના ટોચના અધિકારીઓ જોડાયા છે જે સૌથી મોટી વાત છે અને સૂચવે છે કે આ સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ માટે સૌથી મહત્વનું છે.