- 56માંથી 41 બેઠકો બિનહરીફ જાહેર : ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક મળી 15 બેઠકો ઉપર હાલ મતદાન ચાલુ : મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થવાની શકયતા
રાજ્યસભાની 15 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની ચાર અને હિમાચલ પ્રદેશની એક બેઠકમાં હાલ મતદાન ચાલી રહ્યું છે. જે સાંજે 4 સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગનો ડર છે. હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. મોડી રાત સુધી ચૂંટણીના પરિણામો આવવાની શક્યતા છે.
ક્રોસ વોટિંગની આશંકાને લઇ ભાજપ અને સમાજવાદી પાર્ટી યુપીમાં કોઇ ભૂલ કરવા ઇચ્છતી નથી. ઉત્તર પ્રદેશમાં આઠમાં ઉમેદવાર સંજય શેઠને જીતાડવામાં કોઇ કમી ન રહે, તેને ધ્યાનમાં રાખતા ભાજપે ધારાસભ્યોના નામનો વ્હીપ જારી કર્યો છે. એનડીએના તમામ ધારાસભ્યો આજે સરકારના આઠ મંત્રીઓની ચેમ્બરમાં એકઠા થશે.મતદાન માટે પાંચ-પાંચના જૂથની રચના કરવામાં આવી છે. તેમની સાથે એક ઈન્ચાર્જની પણ ફરજ લાદવામાં આવી છે.
રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલા સોમવારે રાત્રે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા બોલાવવામાં આવેલી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં આઠ ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. આ ધારાસભ્યોની ગેરહાજરીને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.
કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસે તમામ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધા હતા. રાજ્યમાં પાંચ ઉમેદવારો છે – અજય માકન, સૈયદ નસીર હુસૈન અને જી.સી. ચંદ્રશેખર (તમામ કોંગ્રેસ), નારાયણ બંડગે (ભાજપ) અને કુપેન્દ્ર રેડ્ડી (જનતા દળ સેક્યુલર) મેદાનમાં છે. ‘ક્રોસ વોટિંગ’ની આશંકા વચ્ચે, તમામ પક્ષોએ આજે યોજાનાર મતદાન માટે તેમના ધારાસભ્યોને વ્હિપ જારી કર્યા છે.
15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 રાજ્યસભા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. યુપીમાં 10 સીટો માટે 11 અને કર્ણાટકમાં 4 સીટો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. હિમાચલમાં પણ એક સીટ પર બે ઉમેદવારો છે, પરંતુ અહીં કોંગ્રેસ પાસે સંખ્યાબળ છે. આવી સ્થિતિમાં અહીં હરિફ કટ્ટર બને તેવી શક્યતા નથી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી 8 ફેબ્રુઆરી, 2024ના રોજ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉમેદવારોને ઉમેદવારી સબમિટ કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. 16 ફેબ્રુઆરીના રોજ નોમિનેશન્સની ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી હતી. રાજ્યસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાતા નથી. તેઓ ધારાસભ્યો દ્વારા ચૂંટાયા છે.