- રાજકોટમાં નિરીક્ષક મયંક નાયક, કાનાજી ઠાકોર અને માલતીબેન મહેશ્વરીએ હાથ ધરી સેન્સ પ્રક્રિયા
- હવે કાલે પ્રદેશ ચૂંટણી સમિતિ સાથે નિરીક્ષકો અને જીલ્લા-મહાનગરના અગ્રણીઓની ગાંધીનગર ખાતે બેઠક યોજાશે
વડાપ્રધાનની રાજકોટ મુલાકાત બાદ હવે ભાજપે લોકસભાની તૈયારીઓ તેજ બનાવી છે. પ્રદેશ ભાજપ દ્વારા આજથી સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગઇ મોડી રાત્રે પ્રદેશ ભાજપ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજી તમામ શહેર- જિલ્લાને આજે અને કાલે બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે રાજકોટમાં ત્રણ નિરીક્ષકો દ્વારા આજથી સેન્સ શરૂ થઈ છે.
ભાજપ દ્વારા તાબડતોબ લોકસભા બેઠક દિઠ ત્રણ-ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. નિરીક્ષકોએ કાલે સાંજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અહેવાલ રજૂ કરવાનો રહેશે. ચૂંટણી જાહેર થયા પૂર્વે અચાનક સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા ગુજરાત ભાજપના કેટલાક અથવા બધા ઉમેદવારો વહેલા જાહેર થઇ જાય તેવી ચર્ચા શરૂ થઇ છે. સેન્સની તારીખ અગાઉથી જાહેર કરવાથી દાવેદારો અને ટેકેદારો દ્વારા જુથવાદને પ્રોત્સાહન મળે તેવી સંભાવનાને ધ્યાને લઇને સેન્સ પ્રક્રિયા અચાનક જ જાહેર કરવાનો વ્યુહ હોય તેવુ અનુમાન થઇ રહ્યું છે.
રાજકોટમાં નિરીક્ષક તરીકે મયંક નાયક, કાનાજી ઠાકોર અને માલતીબેન મહેશ્વરી, જામનગરમાં હિરભાઇ પટેલ, રણછોડ રબારી, રીટાબેન પટેલ, ભાવનગરમાં ઋષિકેશ પટેલ, ઝવેરીભાઇ ઠકરાર, હેમાલીબેન સુરતવાળા, પોરબંદરમાં વસુબેન ત્રિવેદી, જુગલજી ઠાકોર, પંકજ દેસાઇની વરણી કરવામાં આવી છે.
ચૂંટણીની તૈયારી માટે લોકસભા સીટના સંભવિત ઉમેદવારોના નામો તેમજ લોકસભા બેઠકોની પરિસ્થિતિ જાણવા, વ્યુહરચના, વ્યવસ્થા અને ચૂંટણી જીતવાના સંદર્ભેમાં સામાજીક, રાજકીય અને વ્યકિત અભ્યાસ કરવાના હેતુથી પ્રદેશ તરફથી પક્ષના સિનીયર કાર્યકર્તાઓની ટીમને નિરીક્ષક તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. નિરીક્ષકોની ટીમ તા. 26-27 ફેબ્રુઆરી દરમ્યાન કોઇપણ એક દિવસ સાંભળવાની પ્રક્રિયા કરશે.રાજકોટમાં આજે આ પ્રક્રિયા હાથ ધરાય છે.
જીલ્લા-મહાનગરમાં સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરત જ કાલે પ્રદેશ ચૂંટણી સમિતિ સાથે જીલ્લા-મહાનગર નિરીક્ષકો અને જીલ્લા મહાનગરના અગ્રણીઓની ગાંધીનગર ખાતે બેઠક યોજાશે.
મળતી માહિતી અનુસાર પ્રદેશ પદાધિકારીઓ, મોરચાના રાષ્ટ્રીય પદાધિકારી, લોકસભા સીટના પ્રભારી અને સંયોજક, લોકસભા સીટમાં સમાવિષ્ટ જીલ્લા-મહાનગરના પ્રભારી તથા પ્રમુખ, લોકસભા મત વિસ્તારમાં રહેતા જીલ્લા-મહાનગરના પદાધિકારી, લોકસભા મત વિસ્તારમાં રહેતા જીલ્લા-મહાનગરના મોરચા પ્રમુખ-મહામંત્રી, લોકસભા વિસ્તારમાં રહેતા જીલ્લા તત્કાલીન (પૂર્વ પ્રમુખ) મહાનગરના, સાંસદો (લોકસભા, રાજયસભા), ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ, મેયર, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય, વિધાનસભા-ર0રર ની ચૂંટણીના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે.