- પરપ્રાંતીય યુવાનની સાળીના અપહરણનો પ્રયાસ
- ૨૫ દિવસ પૂર્વેના આ બનાવમાં ઘાયલ મહિલાને હોસ્પિટલ લઇ જતી વખતે દમ તોડતા આ બનાવ હત્યામાં પલટાયો
જામનગર ન્યૂઝ : જામનગર તાલુકાના લોઠીયા ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતીય યુવાનની સાળીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન યુવાન અને તેની પત્ની જાગી જતા બુકાનીધારી શખ્સોએ બેફામ માર માર્યો હતો. આથી યુવાનની પત્નીને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે લાંબી સારવાર કારગત ન નિવડતા પરિણીતાનુ મોત થયાનું સામે આવ્યું છે. જેને લઈને અરેરાટી મચી છે.. બીજી તરફ ગત તા.31/1 નો આ બનાવ હત્યામાં પલટાતા પોલીસે નોંધ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પંચકોશી બી ડીવીજન પોલીસે 4 હુમલાખોર સામે હત્યા સબંધિત ગુન્હો નોંધ્યો છે.
આ ચકચારી કિસ્સાની પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે જામનગર તાલુકાના લોઠીયા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ગત તા. ૩૧/૧/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે જગદીશભાઈ પીપળીયાની વાડીએ શ્રમિક પરિવાર સુતો હતો. ત્યારે બાજુમાં આવેલ ખોજા બેરાજા ગામે ખેત મજુરી કામ કરતા પિશુ ઉર્ફે રમેશભાઇ પ્રતાપભાઇ બામણીયા, દિનેશ નંગરશીભાઇ બામણીયા તથા સુંદર નંગરશીભાઇ બામણીયા રહે-ત્રણેય હાલ-ખોજા બેરાજા મનસુખભાઇ ભંડેરીની વાડીએ તથા ભાવસીંગ દિપસીંગ વાસ્કલે (રહે-હાલ ચંન્દ્રગઢ કૈલાશભાઇ સોરઠીયાની વાડી તા.જી.જામનગર) નામના 4 આરોપીઓ ત્યાં ઘુસી આવ્યા હતા.
લાકડાના ધોકા સહિતના હથિયારો સાથે વાડીમાં ઘુસેલા શખ્સોએ બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયા તેની પત્નિ લલીતા ઉર્ફે લલ્લીએ પડકારતા આરોપીઓએ તેમની પર હુમલો કરી દિધો હતો. ધુકા સહિતના હથિયારો વડે આરોપીઓ તૂટી પડતા બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયાની પત્નિને ગંભીર ઇજાઓ પહોચી હતી.
આ ઘટનામાં યુવાનની પત્નીને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક લાલપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતાં દાહોદ અને ત્યારબાદ વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે વડોદરા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાને રસ્તામાં કાળ આંબી જતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયાએ ચારેય આરોપીઓ સામે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ મોઢવાડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપીઓએ બહાદુર દૌલાભાઇ ગુમલાભાઇ ભુરીયાની સાળી અને મૃતકની બહેનને ભગાડવા માટે આવ્યા હોવાનું ફરીયાદમાં સામે આવ્યું છે.
સાગર સંઘાણી