- ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના હર્ષ સંઘવીના આહવાનને પગલે પોલીસ એલર્ટ
- દરિયાઇ માર્ગથી ડિલેવરી થાય તે પહેલા પોલીસે કરી કાર્યવાહી : રૂ.300 કરોડની કિંમતના હેરોઈન સાથે 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત
Gujarat News :ગીર સોમનાથ-વેરાવળ દરિયાઇ પટ્ટી પર ગીર સોમનાથ પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરીને 50 કિલો જેટલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 300 કરોડ આંકવામાં આવી રહી છે.
ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા અને તેમની તેમની દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ હેરોઇનનો જથ્થો ઓમાન તરફથી લઈને આવવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે.
ગુજરાતને ડ્રગ્સમાંથી મુક્ત કરવાની નેમ સાથે ગૃહ રાજ્ય મંત્રીએ NDPSની સ્પેશિયલ સેલ બનાવવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે પોલીસ એલર્ટ થઇ ગઈ હોય તેવી રીતે ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ગીર સોમનાથ પોલીસે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ-વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી એક બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહયાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ઇન્ચાર્જ એસઓજી પીઆઈ એ બી જાડેજા અને એલસીબી પીઆઈ એમ એન રાણા સહીતની ટિમોએ વોચ ગોઠવી હતી. જે બાદ બાતમીમાં ઉલ્લેખ કરાયેલી ફિશિંગ બોટ ધ્યાને આવતા તાત્કાલિક બોટને અટકાવી તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ પોલીસે પકડેલી ફિશિંગ બોટમાંથી આશરે 50 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. હાલ આ ડ્રગ્સનો જથ્થો હેરોઇન છે કે ચરસ તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સની બજાર કિંમત આશરે 20 થી 25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ ફિશિંગ બોટમાંથી 9 જેટલાં શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી 50 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 1 સેટેલાઇટ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે. જેનો સીધો અર્થ છે કે, નશીલો પદાર્થ સરહદ પારથી મોકલવામાં આવ્યો હશે. પોલીસે સેટેલાઇટ ફોન સાથે 2 બોટ અને 1 વાહન પણ જપ્ત કરી લીઘું છે. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરવામાં આવે તે પૂર્વે જ પોલીસે દરોડો પાડીને નશીલો પદાર્થ પકડી પાડ્યો છે.
હેરોઇનનું જામનગર કનેક્શન બે શખ્સોની ધરપકડ
ગીર સોમનાથ પોલીસે વેરાવળ બંદર પાસેથી ઝડપેલા હેરોઇનના જથ્થાનું જામનગર કનેક્શન ખુલવા પામ્યું છે. હેરોઇનની ડિલિવરી લેવા માટે અરબાઝ અને આસિફ નામના બે જામનગરના શખ્સો આવ્યા હતા. જેની ધરપકડ ગીર સોમનાથ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. ઉપરાંત બોટ ચલાવનાર ધર્મેન્દ્ર કશ્યપની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
નશીલો પદાર્થ ક્યાંથી આવ્યો અને કોને ડિલેવરી આપવાની હતી? તપાસનો ધમધમાટ
ગીર સોમનાથ પોલીસે મેગા ઓપરેશન હાથ ધરીને વેરાવળ પાસેથી ફિશિંગ બોટમાંથી 50 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 9 આરોપીઓની ધરપકડ કરી છે. સાથોસાથ સેટેલાઇટ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, ગુજરાતના યુવાનોને નશાના કાળા અંધારા તરફ ધકેલવાનું કાવતરું કોણે ઘડ્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો અને ડિલિવરી કોને આપવાની હતી તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે.
પોલીસની તપાસમાં અનેક ઘટસ્ફોટ થવાના એંધાણ
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાની હેઠળ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ત્યારે હવે 9 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં અનેક કડાકા ભડાકા થાય તેવા એંધાણ છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે, આ નશીલો પદાર્થ કોણે મંગાવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો? ડિલિવરી લેવા કોણ આવવાનું હતું? સમગ્ર કાવતરા પાછળ સૌરાષ્ટ્રના ક્યાં ડ્રગ્સ પેડલરનો હાથ છે તે તમામ બાબતેથી પડદો ઊંચકાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.