- રાજકોટ : સ્ટેન્ડિંગ કમિટીએ ભલે મોટું મન રાખી મુદ્ત આપી પરંતુ
- જમીન-વેંચાણ બાદ બે આસામીઓ દ્વારા ભલે કોર્ટ કેસ કરાયો પરંતુ અદાલત દ્વારા સ્ટે આપવામાં આવ્યો નથી જમીન વેલ્યુએશન કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય વિતી ગયો હોય હવે નવેસરથી કિંમત નક્કી કરશે કોર્પોરેશન
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલો ટીપીનો વાણિજ્ય હેતુ માટેનો અનામત પ્લોટ કોર્પોરેશન દ્વારા આજથી ત્રણેક વર્ષ પૂર્વે ઇ-ઓક્શન દ્વારા ઓમ નાઇન સ્કેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઇ ચુડાસમાને વેંચવામાં આવ્યો હતો. રૂ.118.16 કરોડમાં પ્લોટની ખરીદી કર્યા બાદ માત્ર રૂ.18.09 કરોડ જમા કરાવ્યા બાદ તેઓએ એકપણ રૂપિયો જમા કરાવ્યો નથી. કોર્પોરેશનના ટીપીના આ પ્લોટ પર બે આસામીઓએ માલિકી હક્કનો દાવો રજૂ કર્યો હોવાના કારણે સમગ્ર પ્રકરણમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. દરમિયાન મ્યુનિ.કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જમીનની હરાજી રદ્ કરી ડિપોઝીટ જપ્ત કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. ભાજપના શાસકોએ મોટું મન રાખી જમીન ખરીદનારને વધુ એક મુદ્ત આપી છે. હવે તેઓ પૈસા ભરી દેશે તો પણ પ્લોટની હરાજી રદ્ જ થશે. તે ફાઇનલ જેવું થઇ ગયું છે. જમીનનું ફરી મૂલ્યાંકન કરવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા ટીપીના અનામત પ્લોટની જ્યારે જાહેર હરાજી કરવામાં આવે ત્યારે પાંચ સભ્યોની ડિસ્પોઝેબલ લેન્ડ કમિટી દ્વારા જમીનના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં કેટલીય વાતોને ધ્યાનમાં લેવાતી હોય છે. જેવી કે જે સ્થળે જમીનનું વેંચાણ કરવામાં આવનાર છે. તેના એક કિલોમીટરના વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા ટોપ-10 દસ્તાવેજને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. જેની સરેરાશ કાઢ્યા બાદ જમીનના ભાવ નક્કી કરાતા હોય છે. કમિટીમાં કલેક્ટર, રાજ્ય સરકારના ચીફ ટાઉન પ્લાનર, રૂડાના સીઇઓ, મ્યુનિ.કમિશનર અને કોર્પોરેશનના ટીપીઓ રહેતા હોય છે.
લેન્ડ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા નક્કી કરાયેલું જમીનનું મૂલ્યાંકનની અવધિ માત્ર એક વર્ષની રહેતી હોય છે. જો આ સમયગાળા દરમિયાન જમીનનું વેંચાણ કરવામાં ન આવે તો ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે. નાના મવા સર્કલ પાસેનો 9,438 ચોરસ મીટરના પ્લોટની કિંમત રૂ.1,25,000 ચોરસ મીટર નક્કી કરવામાં આવી હતી. ઇ-ઓક્શન પૂર્ણ થયા બાદ જ્યારે રકમ ભરવાની અવધિ આવી ત્યારે બે આસામીઓએ જમીનની માલિકી પર દાવો કર્યો હતો. જ્યારે ટીપી સ્કિમ બની ત્યારે આ આસામીઓ ક્યા હતા તેની સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે જ્યારે ટીપી સ્કિમ બને ત્યારે ઘણી લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે.
પ્રથમ ઇરાદો જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ ડ્રાફ્ટ ટીપી બનાવવામાં આવે છે. જેમાં વાંધા-સૂચનો મંગાવવામાં આવતા હોય છે. સરકારમાં ટીપી સ્કિમ રજૂ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેના માટે ટીપીઓની નિમણુંક કરવામાં આવતી હોય છે. જે ટીપીને ફાઇનલ કરતા પહેલા ફરી એકવાર વાંધા-સૂચનો મંગાવતા હોય છે. ટીપી સ્કિમ બનાવતી વેળાએ જમીનધારકની 40% જમીન જ કપાતમાં લેવામાં આવતી હોય છે ત્યારે સવાલએ થાય છે કે નાના મવા સર્કલ પાસેના કોર્પોરેશનના પ્લોટ પર માલિકી હક્કનો દાવો કરનાર બંને આસામીઓએ બાકીની 60% જમીન પર કર્યો નથી. તે પણ મોટો સવાલ છે. આટલું જ નહિં ટીપી સ્કિમ બની ગયા પછી વર્ષો બાદ જ્યારે કોર્પોરેશન દ્વારા જાહેર હરાજી હાથ ધરવામાં આવી અને જમીનનું વેંચાણ પણ કરી દેવાયું ત્યાં સુધી બંને આસામીઓએ કેમ જમીન પર દાવો ન કર્યો.
ત્રણ વર્ષથી કોર્ટ કેસ કરવામાં આવ્યો હોવા છતાં કોર્ટ દ્વારા કોઇ જ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો નથી. બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ કેવીએટ દાખલ કરવામાં આવી છે. હવે જો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હરાજીની પ્રક્રિયા રદ્ કરવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવે તો પણ ઇ-ઓક્શનથી જમીનની ખરીદી કરનારને જમીન જૂના ભાવે મળી શકશે નહિં. કારણ કે લેન્ડ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ માત્ર એક વર્ષ માટે જ હોય છે. જો આ સમયગાળામાં જમીનનું વેંચાણ ન થાય તો નવેસરથી ભાવ નક્કી કરવાના રહે છે. નાના મવા પ્લોટની હરાજી રદ્ કરવામાં આવશે અને જમીનનું વેંચાણ ફરીથી કરવા માટે નવા ભાવ નક્કી કરી જાહેર હરાજી હાથ ધરાશે.
કાલાવડ રોડ પહોળો કરવા જમીનધારકોને વિશેષ છૂટછાટના કિસ્સામાં સરકારમાં જવાબ રજૂ
શહેરના મોટામવા સ્મશાનથી કોર્પોરેશનની હદ સુધીના કાલાવડ રોડને પહોળો કરવા માટે જે 63 મિલકતધારકોની જમીન કપાતમાં જાય છે તેને વિશેષ છૂટછાટ આપવાના કેસમાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જવાબ રજૂ કરી દેવામાં આવ્યો છે. એલઓપી દાખલ કરાયા બાદ કપાતમાં જતી જમીનધારકોને બદલવામાં મળવાપાત્ર થતી જમીનનું જ્યારે વેંચાણ કરવામાં આવે ત્યારે 10 ટકા રકમ કોર્પોરેશનમાં જમા કરાવી અને એનઓસી લેવાની જોગવાઇમાંથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં મ્યુનિ.કમિશનર દ્વારા રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જેમાં સરકારે અલગ-અલગ મુદ્ાઓ અંગે જવાબ માંગ્યો હતો. જે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા રજૂ કરી દેવામાં આવ્યો છે. જો જમીન વેંચાણ વેળાએ 10 ટકા રકમ કોર્પોરેશનમાં જમા કરાવવાની જોગવાઇમાં છૂટછાટ આપવામાં આવે તો ભૂતકાળમાં જે જમીન કપાતમાં લેવામાં આવી છે તેઓ પણ કોર્ટ કેસ કરી શકે છે અને ભવિષ્યમાં જમીન કપાતમાં પણ વિશેષ જોગવાઇની માંગણી થઇ શકે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ જવાબ રજૂ કરાયો છે.