- સરહદ ડેરીના આઇસ્ક્રીમ પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ
- આઈસ્ક્રીમની માંગ વધતા સરહદ ડેરીએ ૫૦ હજાર થી ૭૦ હજાર લીટર આઈસ્ક્રીમ ઉત્પાદન કરશે
ગાંધીધામ સમાચાર : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” નો કચ્છનો સૌ-પ્રથમ ૫૦ હજાર લિટર જે ૭૦ હજાર લિટર પ્રતિદિન સુધી વિસ્તૃત થઈ શકે તેવા આઈસ્ક્રીમ પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તેમજ માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ વાગ્યે નરેન્દ્રમોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યું.આ સાથે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ (50 વર્ષ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ, હાજર રહ્યા હતા.
કચ્છ જીલ્લામાં આઈસ્ક્રીમની માંગ વધતા સરહદ ડેરીએ ૫૦ હજાર થી ૭૦ હજાર લીટર આઈસ્ક્રીમ ઉત્પાદન કરશે. અમૂલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક માથી બને છે. ત્યારે હાલમાં આઈસ્ક્રીમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, ટબ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની એમ અલગ અલગ કુલ ૯૦ જેટલી આઇસ્ક્રીમ ની વેરાયટી બનાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે સરહદ ડેરી એ ગયા સપ્તાહે જ ચાંદરાણી સ્થિત આઈસક્રીમ પ્લાન્ટ માં આઇસ્ક્રીમ પ્લાન્ટ ની ટ્રાયલ લીધેલ હતી અને તેમાં સફળતા મેળવેલ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, સરહદ ડેરી દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટ શરૂ થવાથી અમૂલની આઈસ્ક્રીમ વિદેશમાં પણ મળી રહે તે હેતુસર કચ્છના કંડલા અને મુંદ્રા પોર્ટથી એક્સપોર્ટ થસે જેથી કચ્છ જિલ્લાના પશુપાલકો વિકાસમાં સહભાગી થસે. આ સાથે કચ્છ જિલ્લા માં પ્રથમ વખત સરહદ ડેરી દ્વારા ઊંટડીના દૂધ માથી આઈસ્ક્રીમ બનાવવા માં આવશે.
આમ, કચ્છમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ શરૂ થવાથી અમુલ ના સ્ટોકિસ્ટ, ડિસ્ટ્રિબ્યુટર, એજન્સી ઓને વિના વિલંબે આઇસ્ક્રીમ મળતી થશે. જેથી અમુલ આઈસક્રીમ ના ચાહકો ને સીધો લાભ મળશે.આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, નવસારી સાંસદશ્રી C R પાટીલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરી ના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, તમામ જીલ્લા દૂધ સંઘ ના ચેરમેનશ્રી, ડાયરેક્ટરશ્રી, MD , અધિકારી તેમજ કર્મચારીગણ તથા સમસ્ત ગુજરાત માથી સવા લાખ જેટલા પશુપાલકો હાજર રહ્યા હતા.