રશિયન પ્રમુખ પુટિને હૈયાધારણા આપતા હવે ખેલાડીઓ રમવા માટે સજજ
સરકાર જ ખેલાડીઓને પ્રતિબંધિત ડ્રગ પૂરા પાડતી હોવાના સનસનાટી ભર્યા અહેવાલને પગલે છેલ્લા કેટલાક સમયથી રશિયાને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક સહિતની મોટાભાગની મેજર ઈવેન્ટોમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી નહતી.
વારંવારની ચીમકી છતા રશિયાને હજુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને વર્લ્ડ એન્ટી ડોપીંગ એજન્સીનાં માપદંડ અનુસારની કાર્યવાહી કરી નથી જેના કારણે તેને આવતા વર્ષે યોજાનાર શિયાળુ ઓલિમ્પિકમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વધુ એક કડક નિર્ણય લેતા ૨૦૧૮માં સાઉથ કોરિયાના ચાઉમિન પ્રાંગ ખાતે યોજાનારા શિયાળુ ઓલિમ્પિકમાં રશિયાના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કારણે વિન્ટર ઓલિમ્પિકમાં રશિયન રાષ્ટ્રધ્વજ જોવા નહી મળે અને તેનું રાષ્ટ્રગીત પણ નહી વાગે.
રશિયાના એથ્લેટ સ્વતંત્ર એથ્લેટ તરીકે ભાગ લઈ શકશે. આંતરરાષ્ટ્રીય સમિતિના આ નિર્ણયથી રશિયાને વધુ એક આંચકો લાગ્યો છે.
હવે રશિયાના પ્રમુખ બાદીમીર પુટિને પોતાના ખેલાડીઓને સાંત્વના અને હૈયાધારણા આપતા જણાવ્યું હતુ કે રશિયન એથ્લેટો વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેશે જ. તેઓ રાજકીય પ્રતિબંધ છતા સ્વતંત્ર ઉમેદવાર તરીકે નામાંકન ભરીને ભાગ લેશે.
ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે આખું વર્ષ તનતોડ મહેનત કરી હોય અને છેલ્લી ઘડીએ આવું થાય તો તેમનો મોરલ તૂટી જાય. પરંતુ પુટિને હવે હૈયાધારણા આપતા તેઓ રમવા સજજ છે.