ભાજપને ૧૧૧ અને કોંગ્રેસને ૬૮ બેઠકો મળશે તેવા સર્વેના આંકડા
મોદીની જાહેરસભાઓ પહેલા લેવાયેલો ઓપીનીયન પોલ
વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. લોકોને પરિણામો જાણવાની ભારે ઉત્સુકતા છે. વિવિધ સંસ્થાઓએ કોને કેટલી બેઠકો મળશે તેનો સર્વે કર્યો છે. જેમાંથી મોટાભાગના સર્વેમાં ભાજપનો જય જયકાર થયો છે. ઘણા સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળશે તેવા આંકડા મળ્યા છે. એકંદરે ભાજપની જીત નિશ્ર્ચિત મનાઈ છે. અલબત ભાજપ ૧૫૦ સીટના ટાર્ગેટ સુધી પહોંચી નહીં શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
ટાઈમ્સ નાવ-વીએમઆરે કરેલા ઓપીનીયન સર્વે અનુસાર ભાજપને ગુજરાત વિધાનસભા જીતવામાં સરળતા રહેશે પરંતુ ૧૫૦ બેઠકોના ટાર્ગેટને પહોંચી વળવું મુશ્કેલ બનશે. ૧૮૨ બેઠકોમાંથી ભાજપને ૧૧૧ બેઠકો મળશે તેવું સર્વેમાં ફલીત થયું છે. અલબત આ સર્વે તા.૨૩ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ સમયગાળામાં મોદીની સભાઓ ગુજરાત ગજવતી નહોતી માટે એવું માની શકાય કે, મોદીની સભાઓથી ભાજપ તરફી મતદાન વધશે અને સર્વેમાં દર્શાવ્યા કરતા વધુ બેઠકો ભાજપને મળશે.
સર્વેમાં મોદી મેજીકને બાકાત રાખવામાં આવ્યું છે. મોદી મેજીકથી ભાજપને અનેક મતદારો મળે છે. સર્વે અનુસાર કોંગ્રેસને હાર્દિકના ટેકાના પરિણામે ૬૮ બેઠકો મળશે. આ બેઠકો ગત વિધાનસભા કરતા વધુ છે. ભાજપનો વોટ શેર ૩ ટકા સુધી ઘટશે. જયારે કોંગ્રેસનો વોટ શેર ૧ ટકા સુધી વધશે તેવું સર્વેમાં જણાવાયું છે.
સર્વેના આંકડાનુસાર સેન્ટ્રલ અને સાઉથ ગુજરાતમાં ભાજપની જીત એકદમ સરળ બની રહેશે. જયારે નોર્થ ગુજરાતમાં ભાજપનો વોટ શેર ૫ ટકા સુધી ઘટશે. બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટકકર થશે.
સર્વે મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજયમાં લોકચાહના બરકરાર રાખી છે. આ ઉપરાંત મોદી મોડેલ પણ લોકો બહોળા પ્રમાણમાં સ્વીકારી રહ્યાં છે. સરદાર સરોવર ડેમ સહિતના મુદ્દે લોકો ભાજપ સરકારની તરફેણમાં છે.
સંસ્થા દ્વારા સર્વે તા.૨૩ નવેમ્બર બાદ કરવામાં આવેલો છે. આ સર્વે મોદીની સભાઓ પહેલા થયો હોવાથી સંપૂર્ણ સાબીતી રહેતી નથી. મોદી મેજીકના કારણે ભાજપને ઘણી બેઠકોમાં ફાયદો થઈ શકે તેવી શકયતા છે. માટે હાલના આંકડા કરતા ભાજપની જીતનો આંકડો ઘણો વધુ હોય શકે છે. એકંદરે ભાજપની જીત તો નિશ્ર્ચિત જ માનવામાં આવી રહી છે.
પ્રથમ તબકકાની ચૂંટણીનો પ્રચાર બંધ થઈ જશે. તે અગાઉ જાહેર થયેલા ત્રણ સરવેમાં ભાજપની સરકારનું અનુમાન લગાવાયું છે. વિવિધ માધ્યમો દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઓપીનીયન પોલ હાથ ધરાયા હતા. તેમાં અલગ અલગ આંકડા આવી રહ્યા છે. પરંતુ સરેરાશ જોવા જઈએ તો બધા સર્વે ભાજપની સરકાર બનશે. તેવું જણાવે છે. ભાજપને ૧૦૯થી ૧૧૬, કોંગ્રેસને ૭૩-૮૭ બેઠક મળવાની સંભાવના છે.