- અંદાજે 50 ટકા જેટલા મોર આવ્યા, પાછોતરા વરસાદ બાદ વધુ ઠંડી ન પડતા મોરને બદલે નવા પાન જ આવ્યા
- હવે નવા મોર આવવાની શક્યતા નહિવત, કેરીની ઉપજ ઓછી આવવાની ભીતિ
ઉનાળામાં લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોવે છે તે કેરી આ વખતે ઓછી આવવાની છે. જેને પગલે તેના ભાવ પણ આસમાને રહે તેવી શકયતા સેવાઈ રહી છે. આની પાછળનું કારણ એ છે કે કેરીના મોર ઠંડીના અભાવે ખૂબ ઓછા આવ્યા છે.
ગુજરાતનો ગીર વિસ્તાર જે કેસર કેરીના ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પણ આ વખતે અહીં કેરી ઉગાડતા ખેડૂતો ચિંતામાં ગરક થયા છે. આ વખતે કેરીના મોર ખૂબ ઓછા આવ્યા છે. આ મામલે કૃષિ વૈજ્ઞાનિક ડો. જી.આર. ગોહિલ જણાવે છે કે આ વર્ષે વરસાદ પાછળથી પડ્યો હતો. જો કે તેની કોઈ વધુ અસર આંબાને પડી નથી. પણ મુખ્ય કારણ એ છે કે ઠંડી આ વર્ષે ખૂબ ઓછી રહી છે. દર વર્ષ જેટલી ઠંડી આ શિયાળામાં પડી નથી. આંબાને ઠંડીની ખૂબ જરૂર હોય છે. પણ ઠંડીના ભાવે મોર આવ્યા નથી.
વધુમાં તેઓ જણાવે છે કે જે નેચરલ કેરી પકાવે છે તે કેરી ખૂબ ઓછા પ્રમાણમાં આવશે. જેને કલતાર પાયો હશે તેને સારો મોર આવ્યો હશે. એટલે કેરી માટે આ વર્ષ સારું નહિ રહે તેવું હાલ લાગી રહ્યું છે. બીજું હજુ પણ વાતવરણ કેવું રહેશે તેની પણ કેરીના પાક ઉપર અસર થશે.
ગરમીના કારણે આંબામાં જીવાત અને રોગ આવવાની શક્યતા
કૃષિ વૈજ્ઞાનિક ડો. જી.આર. ગોહિલ જણાવે છે કે આ વખતે શિયાળાના એન્ડિંગમાં જ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. ગરમી વહેલી શરૂ થઈ ગઈ છે. જેના કારણે આંબામાં જીવાત અને રોગ આવવાની શક્યતા સેવાઈ રહી છે. ઉપરાંત હજુ જો વરસાદ કે કરા પડે તો પણ નુકસાની થવાની ભીતિ છે.
કલતારથી મોર વહેલા આવે, પણ આંબાની આયુષ્ય ઘટે
કૃષિ વૈજ્ઞાનિક ડો.જી.આર.ગોહિલે જણાવ્યું છે કે ઘણા બગીચાના માલિકો ઇજારો આપી દેતા હોય છે. તેવામાં ઇજારો લેનાર આંબાને કલતાર પીવડાવતા હોય છે. કલતારથી આંબામાં મોર વહેલા આવી જાય છે પણ આંબાની આયુષ્ય ઘટી જાય છે. આની અસર એક-બે વર્ષમાં દેખાય છે. આનાથી આંબાને નુકસાની થાયય છે.
મોર ફૂટવાનો સમય હતો ત્યારે માત્ર કોર જ ફૂટ્યા
તાલાલા નજીક આવેલ પ્રખ્યાત કુરેશી બાગના ગફારભાઈ કુરેશીએ જણાવ્યું જે ઠંડી જોઈએ તેટલી પડી નથી. મોર ફૂટવાનો સમય હતો ત્યારે ફૂટ્યા નહિ. ગરમીને કારણે માત્ર કોર એટલે કે પાન જ ફૂટ્યા હતા. 50 ટકા જેવા આંબમાં જ મોર ફૂટ્યા છે. હવે ગરમી શરૂ થઈ ગઈ છે એટલે મોર ફૂટે તેવી શકયતા લાગતી નથી.