- રાજ્યમાં અનુસૂચિત જાતિના કન્યા-કુમારો માટે ૧૨૯ છાત્રાલયો કાર્યરત
- છોટાઉદેપુર જિલ્લામાં ૭ આઈ.ટી.આઈ કાર્યરત : ૨,૯૬૩ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
ગુજરાત સમાચાર : ગુજરાત વિધાનસભા ખાતે નખત્રાણા તાલુકામાં અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયના પ્રશ્નના પૂરક પ્રશ્નમાં માહિતી આપતા સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્યમાં અનુસૂચિત જાતિના કન્યા-કુમારો માટે ૧૨૯ છાત્રાલયો કાર્યરત છે. તેમણે કહ્યું, કે નખત્રાણા ખાતે કન્યા છાત્રાલય શરૂ કરવા માટે જમીન ઉપલબ્ધ નથી તેમજ ભાડાના મકાનમાં છાત્રાલય શરૂ કરવા વખતો વખત પ્રયાસો કરવા છતાં મકાન મળેલ નથી. નખત્રાણા ખાતે કન્યા છાત્રાલય સત્વરે શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના યુવા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં ૦૭ આઈ.ટી.આઈ કાર્યરત છે જેમાં ૨,૯૬૩ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં નવીન આઈ.ટી.આઈ અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં તેમણે વિગતો આપી હતી. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટ, નસવાડી, પાવી-જેતપુર અને સંખેડા તાલુકામાં સરકારી આઈ.ટી.આઈ કાર્યરત છે જેમાં કોમ્પ્યુટર લક્ષી વિવિધ અભ્યાસક્રમો, ફિટર, વેલ્ડર, મીકેનીકલ જેવા અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવે છે.
શ્રમ કાયદાના ભંગ બદલની ફરિયાદોનો ૯૦ દિવસની સમય મર્યાદામાં નિકાલ : શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
જામનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ બદલ જે પણ ફરિયાદો મળે છે તેનો ફરિયાદ મળ્યાના ૯૦ દિવસની સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં ૧૩ ફરિયાદો મળી છે. જે ફરિયાદો સંદર્ભે કુલ ૫ ફરિયાદોમાં ૪૩૯ શ્રમયોગીઓને રૂ. ૫૦,૨૦,૯૨૭ નું સમજાવટથી ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ફરિયાદોમાં ૬ કોર્ટ કેસ લેબર કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સિવાય બાકીની ફરિયાદોનું નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.