• પિતા પાસે પૈસા લઈને ભાગ લેવા ગયાં બાદ બાળક લાપતા : પોલીસ તપાસનો ધમધમાટ

Rajkot News

શહેરની મોચી બજારમાંથી નેપાળી પરિવારના 8 વર્ષના બાળકનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. પિતા પાસેથી પૈસા લઈને ભાગ લેવા ગયાં બાદ બાળક લાપતા થતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ મૂળ નેપાળના અને હાલ શહેરના મોચી બજારમાં આવેલ ભાગ્યોદય બરફના કારખાના પાછળ રૂમમાં રહેતા સુનિલભાઈ દિવાનભાઈ થાપાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ નેપાળથી બે મહિના પહેલા પેટીયું રળવા પરિવાર સાથે રાજકોટ આવ્યા હતા. તેઓને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જેમાં સૌથી મોટો આઠ વર્ષનો પુત્ર ગઈકાલે સાંજના સમયે કારખાનાની બાજુમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન સાંજના સાત વાગ્યાની આસપાસ બાળકે પિતા પાસેથી ભાગ લેવા માટે પૈસા માંગ્યા હતા. પિતાએ દસ રૂપિયા આપ્યા બાદ બાળક મોચી બજારમાં ભાગ લેવા માટે ગયો હતો.

જે બાદ મોડી રાત સુધી બાળક ઘરે પરત નહીં ફરતા વાલીઓએ શોધખોળ હાથ ધરી હતી. સતત બે દિવસ તેમના આઠ વર્ષના પુત્રની શોધખોળ કર્યા બાદ પણ તે મળી ન આવતા ચિંતિત પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર અગાઉ પણ ત્રણ ચાર વખત બજારમાં ચાલ્યા ગયા બાદ છ સાત કલાક બાદ પરત ફરતો હતો. પરંતુ આ વખતે ચાર દિવસ થયા પણ તે પરત ન ફરતા પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી એચ પરમાર અને ટીમે સીસીટીવી ફૂટેજના આધારે બાળકની શોધ ખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.