• બામણબોર જીઆઈડીસી, હોસ્પિટલ ચોક અને યુનિવર્સિટી રોડ પર આગની ઘટના : સદનસીબે કોઈ જાનહાની નહિ

Rajkot News

રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં ત્રણ આગજનીના બનાવો સામે આવ્યા છે. બામણબોર જીઆઈડીસી સ્થિત પ્લાયવુડના ડેલામાં, હોસ્પિટલ ચોકમાં એમ્બયુલેન્સમાં જયારે યુનિવર્સીટી રોડ પરની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

શહેરમાં બનેલી આગની ઘટનાઓની જો વાત કરવામાં આવે તો પ્રથમ બનાવ બામણબોર જીઆઈડીસીમાં બન્યો હતો. જેમાં રાત્રીના આશરે સાડા ત્રણ વાગ્યા આસપાસ આર કે ઇન્ડસ્ટ્રીઝ સ્થિત ગજાનંદ પ્લાયવુડના ડેલામાં લાકડામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં બેડીપરા ફાયર સ્ટેશન, ઈઆરસી ફાયર સ્ટેશન અને કોઠારીયા ફાયર સ્ટેશનની કુલ 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય ફાયર ફાઇટરો દ્વારા સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી. આગના બનાવમાં આશરે રૂ. 30 હજારની નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થયાં છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

બીજા બનાવની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બંધ હાલતમાં રહેલી બોલબાલા ટ્રસ્ટની એમ્બયુલન્સમાં આગ લાગી હતી. જેની જાણ થતાં કનક રોડ ફાયર સ્ટેશનની ઘટના સ્થળે દોડી ગયો હતો અને અડધી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.

ત્રીજા બનાવમાં શહેરના યુનિવર્સીટી રોડ પર પંચાયત ચોકથી આગળ મયુર ભજીયાવાળી શેરીમાં શુભધારા કોમ્પ્લેક્સમાં આવેલી પ્રેસિડન્ટ હેર કેર નામની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. જેની જાણ થતાં કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ટીમ મીની ફાયર ફાઇટર સાથે દોડી ગઈ હતી પરંતુ ફાયર ફાઇટર પહોંચે તે પૂર્વે જ શુભધારા કોમ્પ્લેક્સમાં આવેલી ફાયર સર્વિસ નામની દુકાનમાંથી ફાયર એક્યુગેશનના બાટલાની મદદથી સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. દુકાનના માલિકના જણાવ્યા અનુસાર આગની ઘટનામાં આશરે દોઢ લાખ રૂપિયાની નુકસાની સર્જાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.