- સોનિયા ગાંધી રાજ્યસભાની જયપુર બેઠક ઉપરથી દિગ્ગજ નેતાઓની હાજરીમાં આજે નામાંકન પત્ર ભરશે
National News :
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. સોનિયા આજે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ સાથે જયપુર આવ્યા છે. રાજસ્થાન ઉપરાંત અન્ય ઘણા રાજ્યોએ સોનિયાને રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. રાજસ્થાન ઉપરાંત આ તમામ રાજ્યોમાં એક નામ ટોચ પર હતું તેલંગાણા. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર હોવા છતાં સોનિયા ગાંધીએ રાજસ્થાન પસંદ કર્યું છે. જો કે સોનિયા ગાંધીએ લોકસભા છોડી રાજ્યસભાના સાંસદ બનવાનું પસંદ કરતા નિષ્ણાતો આ ઘટનાને હારવાના ડર સાથે પણ સરખાવી રહ્યા છે.
જો કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો, સોનિયા પાર્ટીને એક પ્રદેશ પર કેન્દ્રિત પાર્ટી તરીકે દર્શાવવા માંગતા ન હતા. વાસ્તવમાં, રાહુલ કેરળની વાયનાડ સીટથી લોકસભા સાંસદ છે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકથી છે. તેથી સોનિયાએ ઉત્તરીય રાજ્યમાં જ રહેવાનું નક્કી કર્યું. તેથી સોનિયા સહિત કોંગ્રેસ હાઈકમાન્ડે તેલંગાણાને બદલે રાજસ્થાનને પ્રાધાન્ય આપ્યું. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ પાંચ વખત લોકસભામાં ગયા છે.
સોનિયા ગાંધીના સ્વાગતની તૈયારીઓ માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગઈકાલે જયપુર બોલાવવામાં આવ્યા હતા. પૂર્વ સીએમ અશોક ગેહલોતના ઘરે તેમના સ્વાગત કાર્યક્રમ અને ચૂંટણી તૈયારીઓને લઈને કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. સાંજે શરૂ થયેલી આ બેઠકમાં અશોક ગેહલોત ઉપરાંત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડૉ.સી.પી.જોષી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરા અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. વિધાનસભામાં સંખ્યાત્મક બહુમતી મુજબ આમાંથી 2 બેઠકો ભાજપ અને એક બેઠક કોંગ્રેસને જવાનું નિશ્ચિત છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે. જેમાં 6 બેઠકો પર કોંગ્રેસના સાંસદો અને 4 બેઠકો પર ભાજપના સાંસદ છે. જો કે કોંગ્રેસની ટિકિટ પર બહારના લોકોને સાંસદ તરીકે નિયુક્ત કરવાનો મુદ્દો દર વખતે ઊભો થાય છે, પરંતુ સોનિયા ગાંધીના નામ સામે કોઈને વાંધો નથી.