-
અદાણી ગ્રૂપના શેરમાં વધારો થશે
શેર માર્કેટ ન્યૂઝ
ગૌતમ અદાણી અને તેમના ગ્રુપ માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. આ બાદ આજે બુધવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેર જોરદાર તેજી બતાવી શકે છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અદાણી ગ્રુપની 4 કંપનીઓના આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલમાં બદલી નાખ્યો છે. જે અદાણી ગ્રુપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.હિંડનબર્ગના રિપોર્ટ બાદ એજન્સીએ ગ્રૂપ કંપનીઓનો આઉટલૂક નેગેટિવ કરી દીધો હતો.
ગ્લોબલ રેટિંગ એજન્સીએ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રુપ (AGEL – RG-1), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ વન અને અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ માટેના આઉટલૂકને “નેગેટિવ” માંથી “સ્ટેબલ” કરી દીધો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મૂડીઝે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના આઉટલૂકને બદલીને “નેગેટિવ” કર્યો હતો.
અદાણી ગ્રુપે તેની લોન ચૂકવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં લીધાં હતા. તે જ સમયે, જૂથે GQG પાર્ટનર્સ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા મોટા રોકાણકારોનો વિશ્વાસ મેળવ્યો હતો. GQG પાર્ટનર્સે શરૂઆતમાં રૂપિયા 15 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જે બાદ કંપનીએ પોતાનું રોકાણ વધાર્યું છે. ત્યારપછી ગ્રુપ કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જે બાદ સેબીની તપાસને યોગ્ય ઠેરવીને સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપને મોટી રાહત આપી હતી. જેના કારણે કંપનીના શેરમાં નોંધપાત્ર વધારો થયો હતો.
આ સમાચાર બાદ આજે બુધવારે અદાણી ગ્રૂપના શેરમાં વધારો થઈ શકે છે. જોકે, મંગળવારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર નજીવા વધારા સાથે રૂ.3178.85 પર બંધ થયો હતો. અદાણી પોર્ટ અને સેઝના શેર 1.34 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. અંબુજા સિમેન્ટનો શેર 0.74 ટકાના વધારા સાથે રૂ. 568.35 પર બંધ રહ્યો હતો. જ્યારે NDTVના શેર લગભગ એક ટકાના વધારા સાથે બંધ થયા છે. 10માંથી 4 કંપનીઓના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. બાકીની 6 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો.