- દેવભૂમિની શાંતિ ડહોળનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં : મુખ્યમંત્રી આકરા પાણીએ
ઉત્તરાખંડના હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ગયા અઠવાડિયે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી મદરેસાને તોડી પાડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી છે કે વિવાદિત સ્થળ પર હવે એક નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, દેવભૂમિની શાંતિ સાથે ખેલ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.
પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, “હવે હલ્દવાનીના બાનભૂલપુરામાં જ્યાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું ત્યાં એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.” આ અમારી સરકારનો બદમાશો અને તોફાનીઓને સ્પષ્ટ સંદેશ છે કે દેવભૂમિની શાંતિ સાથે ખેલ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. ઉત્તરાખંડમાં આવા બદમાશો માટે કોઈ સ્થાન નથી. એક દાયકા સુધી અહીં શાસન કરનાર રાજકીય પક્ષે મહિલાઓ માટે કોઈ કામ કર્યું નથી. માત્ર વોટ બેંક અને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું.
નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંહે કહ્યું કે બાનભૂલપુરામાં 120 હથિયારના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. પોલીસ એ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે જેઓ 8 ફેબ્રુઆરીએ રમખાણોમાં સામેલ હતા અને પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનને આગ ચાંપવામાં આવી હતી. આ હિંસામાં પાંચ તોફાનીઓ સહિત છ લોકો માર્યા ગયા હતા, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, “હલ્દવાનીમાં શાંતિ જાળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે બાણભૂલપુરા સહિત હલ્દવાનીના તમામ વિસ્તારોમાં સ્થિતિ હવે સામાન્ય અને નિયંત્રણમાં છે. ડીએમએ કહ્યું, “હલ્દવાનીમાં બસ, ટ્રેન અને અન્ય આવશ્યક સેવાઓ શરૂ કરવામાં આવી છે. શાળાઓ અને બજારો ખુલી ગયા છે. પ્રતિબંધો માત્ર બનભૂલપુરા સુધી મર્યાદિત છે.” કુમાઉ મંડલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જનરલ મેનેજર એપી વાજપેયીએ જણાવ્યું હતું કે કિડવાઈ નગર, ઈન્દિરા નગર અને નાઈ બસ્તી જેવા અન્ય કર્ફ્યુ પ્રભાવિત વિસ્તારોમાં પણ ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓ વેચનારાઓને બાણભૂલપુરા આવવાની છૂટ છે.