- 25મીએ મુખ્યમંત્રી સહિત અડધું પ્રધાનમંડળ તેમજ અનેક વિભાગોના સચિવો પણ રાજકોટ પધારશે
- સોમવારે આરોગ્ય વિભાગના સચિવ રાજકોટ આવીને મ્યુનિસિપલ કમિશનર અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે કરશે બેઠક
વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટમાં 25મીએ વિવિધ વિકાસકામોના લોકાર્પણ થવાના છે. આ લોકાર્પણ થનાર કામોની કિંમત અંદાજે રૂ.3 હજાર કરોડે પહોંચવાના હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મીએ રાજકોટ આવી રહ્યા છે. તેઓના હસ્તે એઇમ્સ, ઝનાના હોસ્પિટલ અને અટલ સરોવર સહિતના મહત્વના પ્રોજેકટના લોકાર્પણ થવાના છે. હાલ સ્થાનિક કક્ષાએથી મળતી વિગતો અનુસાર આ લોકાર્પણ થનાર વિકાસ કામોનો ખર્ચ આશરે રૂ.3 હજાર કરોડે પહોંચવાનો છે.
બીજી તરફ હાલ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તમામ વિભાગો તૈયારીઓમાં લાગી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 25મીએ યોજાનાર કાર્યક્રમમાં અડધું પ્રધાન મંડળ ઉપસ્થિત રહેવાનું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેકવિધ વિભાગોના સચિવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
મળતી માહિતી અનુસાર આગામી સોમવારના રોજ આરોગ્ય વિભાગના સચિવ રાજકોટ આવી જશે. તેઓ મ્યુનિસિપલ કમિશનર અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે કરશે બેઠક કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે તેઓ સ્થાનિક અધિકારીઓને માર્ગદર્શન આપશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં આગામી 24 તારીખના રોજ દ્વારકા ખાતે સૌથી પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા બાદ કરોડોના ખર્ચે તૈયાર થયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.
જે બાદ રાજકોટ ખાતે આકાર પામી રહેલી એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન 24મીએ દ્વારકા, રાજકોટ અથવા તો ગાંધીનગર રાજ ભવન ખાતે ક્યાં રાત્રી રોકાણ કરશે તે હજુ નક્કી નથી.