- બદલાતા સમયમાં રીડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરવું કેટલું જરૂરી ?
- કોઈ પણ પ્રોપર્ટીના વેચાણ ઉપર જમીન અને કન્સ્ટ્રકશન બન્ને ઉપર લાગે છે જીએસટી, જમીન ઉપર જીએસટી લેવું કેટલું યોગ્ય ? : રિડેવલપમેન્ટમાં 3 વર્ષમાં પ્રોજેકટ પૂરો ન થાય તો પ્રોપર્ટી હોલ્ડર ઉપર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનનું ભારણ, પ્રોજેકટમાં સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત સામે પણ અસંતોષ
શહેરોમાં છેલ્લા 20 વર્ષથી જમીનની સ્થિતિ સામાન્ય હતી. પણ હવે જમીનની અછત ઉભી થઇ છે. હાઉસિંગમાં વર્ટિકલ વિકાસ થઇ રહ્યો છે. મોટા શહેરોમાં રિડેવલપમેન્ટની તાતી જરૂર ઉભી થઇ છે. વાસ્તવિકતા એ છે કે આપણે હજુ પણ જમીનનું ડેવલપમેન્ટ થયું નથી. હાઉસિંગ પ્રોજેકટનું પણ સમય પ્રમાણે ડેવલપમેન્ટ આવ્યું નથી. આની પાછળ ઘણા કારણો છે. જેમાના બે કારણો જીએસટી અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન પણ છે. આના કારણે બિલ્ડરો અને પ્રોપર્ટી હોલ્ડરો રાહત ઈચ્છે છે.
એવા સમયે જ્યારે મોટી સંખ્યામાં રીડેવલેપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે ઘરના માલિકો અને ડેવલપર બંને માટે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનનો પ્રશ્ન જટિલ બની રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે સોસાયટીઓએ ખાતરી કરવી જોઈએ કે બિલ્ડર સાથેના કરારમાં એવી શરત છે કે પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થાય. ત્રણ વર્ષથી વધુની હોલ્ડિંગ પર આવકવેરા વિભાગ દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સની માંગણી કરી શકાય છે. બીજી બાજુ, અન્ય નિષ્ણાતો માને છે કે ડેવલપર તરફથી વિલંબના કિસ્સામાં કરદાતાઓને જવાબદાર ઠેરવી શકાય નહીં.હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઘણી સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે જઈ રહી છે, પરંતુ સભ્યો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનની અસર વિશે સ્પષ્ટ નથી. કેટલાક નિષ્ણાતો કહે છે કે પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થવો જોઈએ જેથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ ન થાય, જ્યારે અન્ય લોકો કહે છે કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન રિડેવલપમેન્ટ સોદા પર બિલકુલ લાગુ પડતું નથી. તેમજ રાજ્ય સરકારે રિડેવલપમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ આપવી જોઈએ તેવી અમારી માંગણી છે.
ટેક્સ નિષ્ણાત મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવકવેરા કાયદાની કલમ 54 મુજબ, જૂના મકાનના વેચાણના ત્રણ વર્ષની અંદર ઘરની મિલકત ખરીદવામાં આવે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી મુક્તિ મળે છે અને તે જ રિડેવલપમેન્ટ માટે પણ લાગુ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઇન્ડેક્સેશનના આધારે જૂના મકાનની કિંમત અને કરારની તારીખે નવા મકાનની કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે અને આવકવેરા વિભાગ દ્વારા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનની ટેક્સની માંગણી કરી શકાય છે. જો કે, ઘરના માલિક દાવો કરી શકે છે કે તેણે બિલ્ડર સાથે વિકાસ કરાર સાથે નવી ઘરની મિલકત બુક કરી છે અને તેથી, તે પૂર્ણ થવામાં વિલંબ માટે જવાબદાર નહીં હોય. જો કે, સલામતી માટે, સોસાયટીના સભ્યોએ કરારમાં 36 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જોગવાઈ કરવી જોઈએ.’
જીસીસીઆઈ ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન સીએ જાનિક વકીલે જણાવ્યું હતું કે, જો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ નહીં થાય, તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનનો મુદ્દો ઊભો થાય છે, પરંતુ સભ્યોએ તેની ચિંતા કરવી જોઈએ નહીં.આવા સોદાઓમાં કોઈ પરામર્શ નથી અને તે જ સમયે, વિવિધ કોર્ટના નિર્ણયો છે જે ઘરમાલિકોનું રક્ષણ કરે છે. રિડેવલપમેન્ટ સોદામાં સક્રિય બિલ્ડર જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, હાલના ઘરના માલિકો બિલ્ડરો પાસેથી ભાડું મેળવે છે, તેથી તે ઘરના માલિકની આવકમાં ગણાય છે. જો ભેટની રકમ આપવામાં આવે છે, તો તે કરપાત્ર રહેશે. જો કે, જો આ વળતર છે, તો તે મકાનમાલિકની આવક નથી.
તેલંગાણા હાઈકોર્ટે રીડેવલપમેન્ટ પર જીએસટી લાદવા અંગેનો કાનૂની પડકાર ફગાવી દેતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના ખર્ચની ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર સહિત સમગ્ર દેશના તમામ મુખ્ય પ્રોપર્ટી માર્કેટમાં આ નિર્ણયની અસર થશે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ મોટા ભાગના પ્રોપર્ટી માર્કેટની કાર્યક્ષમતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રિડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપર 18% જીએસટી વસૂલવાથી બિલ્ડરો અને પ્રોપર્ટી માલિકો સહિતના ઉપર ભારણ વધ્યું છે. આ મુદ્દા પરની અનેક રિટ અરજીઓ અનેક અદાલતોમાં પડતર હોવાથી, ઉદ્યોગે આ મુદ્દા પર ટેક્સ નિશ્ચિતતા મેળવવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે, અરજદારનું પ્રતિનિધિત્વ કરતા રસ્તોગી ચેમ્બર્સના સ્થાપક અભિષેક એ રસ્તોગીએ જણાવ્યું હતું. તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની સંભાવના વિશે પણ જણાવ્યું હતું.
પ્રોજેકટમાં જમીનના ભાવ બાદ કરીને જીએસટી લગાવવો જોઈએ : સીએ રાજીવ દોશી
સીએ રાજીવ દોશીએ આ મામલે જણાવ્યું કે વર્તમાન સમયમાં કોઈ નવી પ્રોપર્ટીનું વેચાણ થાય છે. તેમાં ફ્લેટ હોય કે ટેનામેન્ટ હોય, આ વેચાણમાં ટોટલ વેલ્યુ ઉપર 18 ટકા જીએસટી લગાવવામાં આવે છે. જમીન ઉપર પણ જીએસટી ગણી લેવામાં આવે છે. હકીકતમાં પ્રોજેકટમાં જમીનની વેલ્યુ બાદ કરીને જીએસટી લગાવવો જોઈએ. નહિ કે પ્રોજેકટની કુલ વેલ્યુ ઉપર. આ ફેરફારની અત્યારે ખાસ જરૂર છે. જો આ ફેરફાર થશે તો બિલ્ડરો અને પ્રોપર્ટી ખરીદનાર ઉપર ભારણ ઘટશે.
રીડેવલપમેન્ટના પ્રોજેકટમાં એફએસઆઈ વધે તે જરૂરી : બિલ્ડર દિલીપ લાડાણી
બિલ્ડર દિલીપ લાડાણીએ જણાવ્યું કે અત્યારે ઘણા શહેરોમાં રિડેવલપમેન્ટ તરફ વળવામાં બિલ્ડરો અને પ્રોપર્ટી હોલ્ડરો ખચકાય છે. જેની પાછળ એફએસઆઈ પણ એક મુદ્દો છે. જે જગ્યા રિડેવલપમેન્ટ થાય છે. ત્યાં એફએસઆઈ જો ન વધે તો પ્રોજેકટ ઉપર ખૂબ મોટું ભારણ આવી જાય છે. જો જૂની એફએસઆઈ જ લાગુ રહે તો પ્રોજેકટનો ખર્ચ પણ ઊંચો જાય છે. આમ એફએસઆઈ વધે તો બિલ્ડર અને પ્રોપર્ટી હોલ્ડર બન્નેને ફાયદો થાય અને રીડેવલપમેન્ટનું પ્રમાણ પણ વધે.