- કમિશનરે સૂચવેલો કરબોજ નામંજૂર કરવામાં આવે તેવી સંભાવના: અનેક નવી યોજનાઓ જાહેર કરવામાં આવશે
Rajkot News
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે રજૂ કરેલા 2023-2024ના રિવાઇઝ્ડ બજેટ અને 2024-2025 ડ્રાફ્ટ બજેટને કાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવશે. લોકસભાની ચૂંટણીના આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમય બાકી રહ્યો હોય બજેટની રંગોળીમાં ચૂંટણીલક્ષી રંગ પૂરવામાં આવશે. કમિશનરે સૂચવેલો રૂ.17.17 કરોડનો કરબોજ પણ ફગાવી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ દેખાઇ રહી છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે રૂ.2817.81 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં પાણીવેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ, ખૂલ્લા પ્લોટ પર હાલ વસૂલાતા વેરા સહિત શહેરીજનો પર રૂ.17.17 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા છેલ્લા એક સપ્તાહથી બજેટ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આવતીકાલે સવારે 10:30 કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળશે. જેમાં બજેટને બહાલી આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત બીજા વર્ષે રાજકોટવાસીઓ પર કરબોજ લાદવામાં આવે તો તેની અસર લીડ પર પડે તેવી દહેશત પણ ભાજપના શાસકોને સતાવી રહી છે. જેને કારણે કમિશનરે સૂચવેલો કરબોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક ઝાટકે નામંજૂર કરી દેવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે. બીજી તરફ બજેટમાં ભાજપના શાસકો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓની પણ ઘોષણા કરવામાં આવે તેવું જણાઇ રહ્યું છે.
બજેટના અભ્યાસ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ જ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. જેમાં બાકી વેરો વસૂલવા માટે વ્યાજ માફી યોજના જાહેર કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરીજનો માટે સુવિધામાં વધારો કરતી કેટલીક યોજનાઓ પણ જાહેર થઇ શકે છે. કમિશનર દ્વારા વેરા બિલમાં નામ ટ્રાન્સફર માટે હાલ વસૂલાતી ફીમાં વધારો કરવાની જે દરખાસ્ત કરી છે તેને મંજૂર કરવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગી આપતી વેળાએ ડિપોઝીટ વસૂલવાની દરખાસ્તને પણ બહાલ કરવામાં આવશે. બજેટના કદમાં પણ સામાન્ય વધારો થઇ શકે છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠક યોજાશે. જેમાં બજેટને બહાલ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ બાદ સવારે 11:00 કલાકે પત્રકાર પરિષદમાં ચેરમેન જયમીન ઠાકર દ્વારા બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ અંગે વિધિવત જાહેરાત કરશે.