• શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેને ‘આપ’ એ સમર્થન જાહેર કર્યું.
  • શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા ભગવત ગીતાના સમાવેશનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેને આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે: ઉમેશ મકવાણા
  • ગુજરાતમાં આજે 32,634 શિક્ષકોની ઘટ છે. 14000 શાળાઓ એવી છે જ્યાં એક જ વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે: ઉમેશ મકવાણા

Gujarat News : આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેને આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આ પ્રસ્તાવ અનુસાર ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવત ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે. અમારા દ્વારા આ પ્રસ્તાવમાં રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને ઘણા સૂચનો પણ આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે શ્રીમદ્ ભગવત ગીતાને ભણાવી શકે તેવા તજજ્ઞો કે શિક્ષકો છે? કારણ કે મોટાભાગની શાળાઓમાં આજે પણ સંસ્કૃતના શિક્ષકોની ખૂબ જ ઘટ છે.

ભગવત ગીતાના પાઠ શરૂ કરાવ્યા પહેલાં નવા ઓરડાની વ્યવસ્થા કરવામાં આવે: ઉમેશ મકવાણા

સાથે સાથે ગુજરાતની મોટાભાગની શાળાઓમાં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઓરડાની ખૂબ જ ઘટ છે, રમત ગમતના મેદાનોની ઘટ છે અને ગુરુ સમાન શિક્ષકો પણ આજે કોન્ટ્રાકટ આધારિત કામ કરી રહ્યા છે. હું પણ શિક્ષક રહી ચૂક્યો છું માટે હું જાણું છું કે કોઈપણ શિક્ષકને એ સવાલ થાય કે કોન્ટ્રાકટ આધારિત 20,000ના પગારમાં હું મારા પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરીશ? તો આ ચિંતા સાથે હવે કોઈપણ શિક્ષક ગીતાના પાઠ કઈ રીતે ભણાવી શકશે? ગુજરાતમાં આજે 32,634 શિક્ષકોની ઘટ છે. 14000 શાળાઓ એવી છે જ્યાં એક જ વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

અમે માંગણી કરી છે કે ધોરણ 11 અને 12 માં રામાયણના પાઠ ભણાવવામાં આવે: ઉમેશ મકવાણા

અમારું એ પણ સૂચન છે કે ભગવત ગીતાના પાઠ શરૂ કરાવ્યા પહેલાં ઓરડાની વ્યવસ્થા કરવામાં આવે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની એક મૂર્તિની સ્થાપના કરવામાં આવે. ત્યારબાદ તેમનું સમગ્ર જીવન રજૂ કરવામાં આવે અને ત્યારબાદ તજજ્ઞ શિક્ષકો દ્વારા બાળકોને ગીતાના પાઠ ભણાવવામાં આવે. શ્રીમદ્ ભગવત ગીતાની સાથે સાથે રામાયણનું પણ હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે માટે અમે એ પણ માંગણી કરી છે કે ધોરણ 11 અને 12 માં રામાયણના પાઠ ભણાવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.