- વ્યાજ માફી યોજના જાહેર કરવાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનું સૂચન: ચૂંટણી વર્ષમાં નવો કરબોજ નામંજૂર અનેક યોજના મૂકવામાં આવે તેવી સંભાવના
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ-2024-2025નું રૂ.2817.81 કરોડનું ડ્રાફ્ટ બજેટ ગત 31 જાન્યુઆરીના રોજ મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેના પર સતત પાંચ દિવસ સુધી ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આજે બજેટનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હોવાની જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. હવે કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદ્ેદારો વચ્ચે સંકલન બેઠક યોજાશે. જેમાં બજેટને આખરી ઓપ આપી દેવામાં આવશે. શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવશે. દરમિયાન બજેટને આખરી મંજૂરી માટે 17મી ફેબ્રુઆરીના જનરલ બોર્ડની બેઠક મળશે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ.2817.81 કરોડના બજેટમાં પાણીવેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ અને ખૂલ્લા પ્લોટ પર હાલ વસૂલવામાં આવતા વેરામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેરા બિલમાં નામ ટ્રાન્સફર ફીમાં પણ તોતીંગ વધારો કરવાનું સૂચવવામાં આવ્યું છે. ટૂંકમાં રૂ.17.77 કરોડનો કરબોજ રાજકોટવાસીઓ પર લાદવાની ભલામણ કરવામાં આવી છે. ગત વર્ષે પણ પાણીવેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરવા સહિત કુલ 40 કરોડ કરબોજ રાજકોટવાસીઓ પર લાદવામાં આવ્યો હોય આગામી ત્રણ મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની હોય કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા મ્યુનિ.કમિશનરે સૂચવેલા કરબોજને બહાલી આપવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિંવત છે.
વેરાબિલમાં નામ ટ્રાન્સફર ફીમાં વધારો કરવાની દરખાસ્તે થોડા સુધારા સાથે મંજૂર કરવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આજે ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે આજે તમામ શાખાઓ સાથે ચર્ચા-વિચારણા કરી બજેટનો અભ્યાસ પૂરો કરી દેવામાં આવ્યો છે. હવે કોર્પોરેશનના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદ્ેદારો વચ્ચે સંકલન બેઠક મળશે. જેમાં બજેટને આખરી ઓપ આપી દેવામાં આવશે. આગામી શુક્રવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને મંજૂરીની મહોર મારી જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. બજેટ-બોર્ડ આગામી 17મી ફેબ્રુઆરીના રોજ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ બજેટ માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. લોકસભાની ચૂંટણી વર્ષમાં મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે વ્યાજ માફી યોજના જાહેર કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં કેટલીક નવી-નવી યોજનાઓનો ઉમેરો કરી ઘડી સમિતિ દ્વારા બજેટને બહાલી અપાશે.
રામવન સહિતના સ્થળોએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાની વિચારણા
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક અયોધ્યામાં યોજવાની ઘોષણા કરી હતી.
દરમિયાન કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પણ આગામી દિવસોમાં નવી પ્રણાલી શરૂ કરવા તરફ આગળ વધી રહ્યા છે.
હાલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક વર્ષોથી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવે છે. આ પરંપરામાં ફેરફાર કરી હવે અલગ-અલગ સ્થળે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. બજેટ મંજૂર કરવા માટે આગામી શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. ત્યારબાદની સ્ટેન્ડિંગ “રામવન” ખાતે યોજવામાં આવશે.
આ પરંપરા આગળ જતા પણ ચાલુ જ રાખવામાં આવશે. જેમાં કોર્પોરેશનની વેસ્ટ અને ઇસ્ટ ઝોન કચેરી, ગાંધી મ્યુઝીયમ, રેસકોર્ષ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ, અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ સહિતના સ્થળોએ સ્ટેન્ડિંગ બોલાવવામાં આવશે.