- લાઈફ બ્લડ સેન્ટરમાં અનોખો કિસ્સો
- બાળક અને માતાને જોડતી નાળમાં સિરીજ દ્વારા સફળ રીતે લોહી અપાયું
સામાન્ય રીતે અકસ્માત કે અન્ય ગંભીર બીમારીમાં દર્દીને લોહીની જરૂર પડતી હોય છે અને બ્લડબેન્કમાંથી બ્લડ લાવીને તેને ચડાવાતું હોય છે પણ તાજેતરમાં રાજકોટની લાઈફ બ્લડ સેન્ટરમાં એક અનોખો કિસ્સો આવ્યો હતો અને માતાના ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવાયું હતું.
પ્રોજેક્ટ ’લાઈફ’ દ્વારા સંચાલિત લાઇફ બ્લડ સેન્ટર દ્વારા જણાવાયાનુસાર, માતાના ગર્ભમાં રહેલા બાળકને અમુક કારણોસર લોહીની ટકાવારી ઓછી થઇ જતી હોય છે. તે બાળકના માથામાં રહેલી એક નસ માં લોહીની અવર-જવર ની ગતિ સોનોગ્રાફી વડે ખબર પડે છે. પછી વિવિધ પ્રકારના પરીક્ષણો પછી લોહી ચડાવવાનું ડોક્ટર નક્કી કરે છે. બાળક અને માતા ને જોડતી નાળમાં એક સ્પેશીયલ સિરીંજથી આ લોહી ચડાવવાનું હોય છે.
આવો જ એક કિસ્સો લાઈફ બ્લડ સેન્ટરમાં આવ્યો હતો જેમાં ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવવાનું હતું. તબીબી ભાષામાં તેને ઇન્ટ્રાયુટેરીન ટ્રાન્સફ્યુઝન કહેવાય છે. આ બાળકને ગર્ભમાં કમળો અને લોહીની ટકાવારી ઓછી હતી. માતાના લોહીના સેમ્પલમાં અનઅપેક્ષિત એન્ટીબોડીની તપાસ થયેલ છે જે કદાચિત એન્ટી-ડી હતી. લાઇફ બ્લડ સેન્ટર એકમાત્ર સૌરાષ્ટ્રમાં બ્લડ બેંક છે જે એકસ રે ઇરેડીએટેડ બ્લડની સુવિધા ધરાવે છે, જે આ કેસમાં ખુબજ જરૂરી હતું. બાળક અને માતાના લોહીના બધા જ પરીક્ષણો કર્યા પછી લાઇફ બ્લડ સેન્ટરના તબીબોએ તેને ઓ” નેગેટીવ આઈઆર-એલડી-આરસીસી આપેલ હતું. ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવવાની પ્રક્રિયા ખુબજ સારી રહી અને બાળકના લોહીની ટકાવારીમાં સુધારો જાણવા મળ્યો હતો.,