- ગેરકાયદે ખનનમાં ‘આંખ-મીંચોલી’ કોની?
- રાયધરા પાસેથી ટ્રક ઉપાડી ક્રેઈન-બાર્જને ભાદર નદીમાં જળસમાધિ આપી દેવાઈ : ટ્રકને કાંડી ચાંપી દેવાઈ
સૌરાષ્ટ્રમાં બેફામ ખનીજ ચોરીના અહેવાલો છાસવારે સામે આવતા જ હોય છે. ગેરકાયદે ખનન માટે ખનન માફિયાઓ ગમે તે હદે જઈ શકે તેવા અહેવાલો પણ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારનો વધુ એક બનવા સામે આવ્યો છે. જેમાં રેતી ખનન માટે મારામારી કરીને ટ્રક સળગાવીને નદીમાં નાખી દેવાયાના અહેવાલ સામે આવ્યા છે. ઉપરાંત ક્રેઈનને પણ નદીમાં પધરાવી દેવાઈ હોય તેવા સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 31મી જાન્યુઆરીના રોજ ધોરાજીના રાયધરાના પુલ પાસે રેતી ખનન માટે ડખ્ખો થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર ગત તા. 31મી જાન્યુઆરીના રોજ પાંચા બાબુભાઈ સોલંકી નામની વ્યક્તિ બપોરે અઢીથી ત્રણ વાગ્યાંના અરસામાં ધોરાજીના રાયધરાના પુલની આગળથી પસાર થઈને ભાદર નદીના કાંઠે રેતી ખનન માટે ટ્રકમાં ક્રેઈન અને બાર્જ લઈને જતો હતો ત્યારે ગોવિંદ દાસા કરમટા, દેસુર નથુ ભીંટ અને અન્ય બે અજાણ્યા ઈસમો સફેદ રંગની સ્વીફ્ટ (ટુકડો) ગાડી લઈને ધસી આવ્યા હતા અને ટ્રકની આગળ ગાડી ઉભી રાખીને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. ત્યારબાદ ‘તું કેમ પંકજભાઈના બ્લોકે જાય છે… રેતીનો ધંધો અમારા સિવાય કોઈએ કરવાનો નથી, તારા શેઠને કહી દેજે’ તેવું કહી ધારિયાના ઘા મારી પાંચા સોલંકીનો હાથ ભાંગી નાખ્યો હતો. ત્યારબાદ ધારિયાઓ વડે ટ્રક તથા ક્રેનના કાચ ફોડી નાખ્યા હતા. ખનન માફિયાઓએ ટ્રકની ચાવી ળાઈ ટ્રક ભાદર નદીના કાંઠે લઇ જઈને ક્રેન અને બાર્જ બહાર ઉતારી નદીમાં ડુબાડી દીધા હતા અને ત્યારબાદ ટ્રકને કાંડી ચાંપી તેને પણ ભાદર નદીમાં ફેંકી દીધા હતા.
હવે જાણકારોમાં ચર્ચાતી વિગતો મુજબ ધોરાજી પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન માટે અવાર નવાર માથાકૂટ થતી રહેતી હોય છે. તેવામાં પંકજભાઈ નામની વ્યક્તિના નામે રાયધરામાં એક લીઝ આવેલી છે. જે લીઝની બાજુમાં ભાદર નદીના કાંઠે રેતી ખનન માટે આ ડખ્ખો ખનન માફિયા દિનુભાઈ અને દેવુભાઇ ચાલી રહ્યો છે. આ બંને શખ્સો વચ્ચે રેતી ખનન માટેની જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી ચર્ચા છે.
જાણકારો કહી રહ્યા છે કે, આ વિસ્તારમાં ભાદર નદીના કાંઠે ગેરકાયદે રેતી ખનન માટે અવાર નવાર નાના મોટા બનાવો બનતા જ હોય છે.
મામલામાં ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. એચ. રાખોલીયાએ અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મામલામાં કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ચારેય ખનન માફિયાઓ હાલ પોલીસ પકડથી તદ્દન દૂર છે. પીએસઆઈ રાખોલીયાએ જણાવ્યું હતું કે, આ લોકો વચ્ચે રેતી ખનન બાબતે જૂની અદાવત ચાલી આવે છે. તેમણે સ્વીકાર્યું છે કે, ગેરકાયદે રેતી ખનન બાબતનો આ સમગ્ર ડખ્ખો છે અને તેમાં ટ્રક સળગાવી દેવામાં આવ્યો હતો તેમજ ટ્રક, બાર્જ અને ક્રેઈનને નદીમાં પધરાવી દેવામાં આવી હતી.
એસએમસીએ ગેરકાયદે ખનન પર રેઇડ માટે લોકલ ખનીજ વિભાગને સાથે રાખવું ફરજીયાત? : પેપર ફૂટી જાય તેવો ઘાટ?
પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ જેવી નિષ્પક્ષ તપાસ એજન્સીએ ગેરકાયદે ખનન પર ત્રાટકી અમુક ખુબ મોટી રેઇડ કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ભૂતકાળમાં કબ્જે કર્યો હતો. જે બાદ ક્યાંક રાજકીય ચંચુપાતને લીધે એક પરિપત્ર જાહેર કરીને એસએમસીએ રેતી ખનનની રેઇડ કરતી વેળાએ લોકલ ખનીજ વિભાગને સાથે રાખવું ફરજીયાત કરી દીધું છે. હવે જો લોકલ ખનીજ વિભાગને અગાઉથી રેઇડની જાણકારી આપી દેવામાં આવે તો અમુક ગણતરીના લાંચિયા કર્મીઓના લીધે પેપર ફૂટી જાય તેવો ઘાટ ઘડાઈ જાય અને સમગ્ર રેઇડ ફેઈલ જાય જેથી છેલ્લા થોડા સમયથી એસએમસીએ ગેરકાયદે ખનન પર ત્રાટકવાનું બંધ કરી દીધું હોય તેવું જાણકારો કહી રહ્યા છે.