- સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ?
- વિવિધ જિલ્લાઓમાંથી આશરે 63 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો અને આશરે રૂ. 99 લાખનો કુલ મુદામાલ કબ્જે
Gujarat News
દારૂબંદીવાળા ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. સંત સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળો પરથી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. જેમાં એકલા દ્વારકામાંથી જ 13,272 દારૂની બોટલ મળી આવી છે. જ્યાં બીજા બનાવમાં સાયલાના નડાળા ગામેઠરે 1944 બોટલનો જથ્થો મળી આવ્યો છે. બીજી બાજુ એસએમસીની અલગ અલગ ત્રણ રેઇડમાં 1137 વિદેશી દારૂની બોટલ જયારે 4 હજાર લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંદી છે. ગેરકાયદે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ ઝડપી પાડવા પોલીસ પણ સતત એલર્ટ મોડમાં હોય છે. અઢળક ચેક-પોસ્ટ પર સતત ચેકીંગ પણ કરવામાં આવતું હોય છે તેમ છતાં કદાચ ‘હુશિયાર’ બુટલેગરો યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં સફળ રહેતા હોય તેવા દ્રશ્યો અને અહેવાલો અવાર નવાર સામે આવતા જ હોય છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાંથી આશરે 63 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો અને આશરે રૂ. 99 લાખનો કુલ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મેસવડા ગામની સીમમાં વાડી-ખેતરમાં ઘાસના ઢગલામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડતા 612 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. જે દારૂની કિંમત રૂપિયા 2,29,000 આંકવામાં આવી છે. એરપોર્ટ પોલીસે કુલ રૂપિયા 2,34,500નો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે હાજર નહીં મળી આવેલા હરજી બેચર તલસાણીયાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બરડા ગામની સીમમાં એસએમસીએ દરોડો પાડતા ચાર હજાર લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂના જથ્થાની કિંમત રૂ. 8000 આંકવામાં આવી છે. એસએમસીએ રૂપિયા 52,600નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી અન્ય એક રેડમાંથી 375 વિદેશી દારૂની બોટલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નવસારી જિલ્લાના જલાલપુર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી 375 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીએ રૂ. 61380 મુદ્દામાલ કબજે કરી બેની ધરપકડ કરી છે.
એસએમસીએ વલસાડ જિલ્લામાં પણ દરોડો પાડયો હતો. જ્યાંથી રૂ. 76,200ની કિંમતનો 762 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. કુલ રૂ. 89,130 નો મુદ્દામાલ કબ્જે કરી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાંચ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
દ્વારકામાં કુરંગા ગામેથી 13,272 બોટલ લાખના દારૂના જથ્થા સાથે રૂ. 88 લાખનો મુદ્દામાલ કબ્જે
દારૂના વિવિધ બનાવોની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ ખાતે ગાત્રાળ હોટેલ પાસેથી એલ.સી.બી.એ ટ્રકમાંથી રૂ. 53 લાખની કિંમતનો 13,272 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. હવે આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારનો પતો લગાવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવમાં એલ.સી.બી.એ જીજે37ટી 5376 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવી રહ્યો છે તેવી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ઉપરોક્ત નંબરના ટ્રકને રોકીને તલાસી લેતા રૂ. 53 લાખની દારૂનો 13,272 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવમાં કુલ રૂ. 88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક કૈલાશ બિશ્નોઈની ધરપકડ કરી છે.
સાયલાના નડાળા ગામેથી રૂ. 6.27 લાખની કિંમતનો 1944 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડ પંથકમાં દારૂના દુષણને ડામી દેવા એસ.પી. ડો.ગિરીશ પંડ્યાએ આપેલી સૂચનાને પગલે ધજાળા પોલીસના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધરીને સાયલા તાલુકાના નડાળા ગામની સીમમાં કટીંગ માટે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન રૂ. 6.27 લાખની કિંમતનો 1944 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો સહિતના મુદ્દે સ્થાનિક પોલીસએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાયલા પંથકમાં એક માસ પૂર્વે એસએમસીએ વિદેશી દારૂનો દરોડો પાડયો હતો જે બાદ હવે સ્થાનિક પોલીસ હરકતમાં આવી બુટલેગરો પર ધોષ બોલાવી રહી છે.
સો મણનો સવાલ : ચેકપોસ્ટ પરથી દારૂનો મસમોટો જથ્થો કેવી રીતે ગરકાવી દેવામાં આવે છે?
જે રીતે છાસવારે દારૂનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે આ દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી આવતો હોય ત્યારે વિવિધ ચેકપોસ્ટ ખાતે જે ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યાંથી આ દારૂનો જથ્થો કેવી રીતે ગરકાવી દેવામાં આવે છે તે એક મોટો સવાલ છે. સાથોસાથ હવે જે રીતે સતત દારૂનું ચલણ વધતું જઈ રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની મહત્વપૂર્ણ એજન્સીઓએ આટા-ફેરા વધારવાની જરૂરિયાત ઊભી થઈ હોય તેવું ચિત્ર પણ ઉપસી આવ્યું છે.