કલા બાળકથી લઇ મોટેરાઓમાં નોંધપાત્ર અસર કરે: રંગો, ચિત્રો અને આકારો જોવાથી લોકોને તેમની લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ મળે છે: કલા યાદ શક્તિ, સ્થિતિ સ્થાપકતા અને તર્કને વધારવામાં સહાયભૂત થાય
કલા સાથે જોડાયેલા લોકોમાં આત્મવિશ્વાસ સાથે સિધ્ધિની ઉષ્માપૂર્ણ ભાવના દર્શાવે છે: કલા અન્ય લોકો માટે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર કરે છે
માનવીએ તેના જીવનમાં કોઇ એક કલાનો સહારો લઇને આનંદિત રહેવું જરૂરી છે. માનસિક તંદુરસ્તી જે આજના યુગમાં ખૂબ જ જરૂરી છે, તે માત્ર વિવિધ કલાના માધ્યમથી જ મળી શકે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે કલા અને તેના વિવિધ પ્રયાસો માનવ ઇતિહાસના મોટાભાગના સમયગાળા દરમિયાન તેની આસપાસ રહ્યા છે. ગુફાવાસી પણ તેની દિવાલો ઉપરએ જેને જોવે છે કે જોયું છે તેના ચિત્રો દોરવા પ્રેરાયો હતો. આદિ માનવ કે પૌરાણિક કાળથી માનવી કલા પ્રદર્શિત કરવા પ્રેરાયો કે માણવાની ઇચ્છા ધરાવતો આવ્યો છે. કલા એક અદ્ભૂત કૌશલ્ય છે, જે ગમે તે માનવી થોડી તાલિમ લઇને મેળવી શકે છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને આ તરફવાળીને એકાગ્રતા સાથે ઘણા ગુણોનું સિંચન કરી શકાય છે.
કલા બાળથી મોટેરાઓમાં નોંધપાત્ર અસર કરે છે. રંગો ચિત્રો અને આકારો જોવાથી તેમની લાગણી વ્યક્ત કરવામાં તેમને મદદ મળે છે. કલા યાદશક્તિ, સ્થિતિ સ્થાપકતા અને તર્ક વધારવામાં મદદ કરે છે. બાલમંદિરમાં ભણતું નાનકડું બાળક પણ ચિત્ર ઉપરથી ઘણું બોલતો થાય અને તેની મૌખિક અભિવ્યક્તિની ખીલવણી કરી શકે છે. ચિત્ર જોવાથી કે તેને દોરવાના પ્રયાસ માત્રથી તમારી કલ્પનાશક્તિ ખીલી ઉઠે છે. કલા અન્ય લોકો માટે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર કરે છે. બાળક ચિત્ર નિર્માણ કર્યા બાદ બીજાને બતાવે છે ત્યારે તેનું વર્ણન પણ કરે છે. શાળાઓમાં ઘરોમાં બાળકોના ક્રિએશનને અન્ય લોકો જોઇ શકે કે પ્રેરણા લે તે માટે સૌને દેખાય તે રીતે પીનઅપ કરે છે. શિક્ષણ પ્રક્રિયામાં કલા શિક્ષણ સૌથી મહત્વની બાબત ગણી શકાય છે.
આર્ટ તમારા હૃદ્યને પ્રેરણા આપે છે. નિજાનંદ માટે કે આર્થિક ઉપાર્જન માટે પણ કલા આજે શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે. ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં ડિઝીટલ ક્રિએટરની બોલબાલા છે. આર્ટ મ્યુઝિયમ કે ગેલેરીની મુલાકાત લો ત્યારે તમને પ્રેરણા મળે છે. એક વાત સૌએ યાદ રાખવા જેવી છે કે 1960 પહેલાની કોઇપણ વસ્તું એકદમ સલામત રીતે સાચવવી જરૂરી અને તમારી ભાવી પેઢીને પણ તેના જતન વિશે વાત કરવી જરૂરી છે. ટર્નર (પેઇન્ટિંગ) બીથોવન (સંગીત) કે શેક્સપિયર (ધ હોલ- ઓફ હ્યુમન લાઇફ)ની ધરોહરને જાળવવી અતી આવશ્યક છે. આજે દરેક વ્યક્તિની રૂચિ અલગ-અલગ જોવા મળે છે, ત્યારે તમને શેમાંથી પ્રેરણા મળે છે. તે ક્ષેત્રે આગળ વધવાથી તમારા જીવનમાં ઘણા બધા ગુણો વિકસે અને તમને નિજાનંદ પણ મળશે. આર્ટના ઘણા બધા ફાયદાઓ છે. કલા એક શોખ છે પણ તેનાથી માનસિકતામાં બદલાવ આવી શકે છે.
કલા તમને વિવિધ અનુભવ પણ કરાવે છે, તો સામે તમારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે. કોઇપણ કલામાં મગજ, હાથ સાથે તમારૂ હૃદ્ય પણ જોડાંતુ હોવાથી ‘આર્ટ બાય હાર્ટ’ જેવો સુંદર શબ્દ બોલાય છે. આ કલાથી તમો સમુદાયોને જોડી શકો છો, તેની લાગણીઓ બતાવે અને એકલતા સામે લડવામાં તમને મદદ પણ કરે છે. પોતાની કલાને કલાકાર સૌથી વધુ પ્રેમ કરતો હોય છે. મગજની શક્તિમાં વધારા સાથે કલા તમારા આત્મ સન્માનને બુસ્ટઅપ કરે છે. આનંદ માણવા માટે કલા એક અદ્ભૂત રીતે પ્રેરિત કરવાની રીત છે. બાળકો માટે આ એક મનોરંજક પ્રવૃત્તિ હોય શકે પણ તેનાથી તેના સંર્વાગી વિકાસ કરવામાં ઘણી મદદ મળે છે.
ફિંગર પેઇન્ટીંગ, ડ્રોઇંગ, ક્રેયોન્સ વડે કલરિંગ કરીને બાળકો આનંદ માણે છે. આજે તો સ્ટ્રિંગ આર્ટ કે પેપિયર માચે જેવા નવા કલા સ્વરૂપ પણ શીખી રહ્યા છે. પુખ્તવયના લોકો પેઇન્ટિંગ, ડ્રોઇંગ કે કાર્ટૂન બનાવવા કે કલા કૌશલ્યો નિર્માણ કરવા આજે વ્યક્તિગત કે ઓનલાઇન આર્ટ ક્લાસમાં જોડાય છે. વિશ્ર્વભરમાં કલાને પ્રોત્સાહન આપવા 15 એપ્રિલના રોજ વર્લ્ડ આર્ટ ડે ઉજવાય છે. કલાના વિકાસ, પ્રસાર અને આનંદને પ્રોત્સાહન આપવા આ સેલિબ્રેશન થાય છે. કલા વિશ્ર્વભરનાં તમામ લોકો માટે સર્જનાત્મકતા, નવિનતા અને સાંસ્કૃત્તિક વિવિધતાને પોષે છે અને જ્ઞાન વહેચવામાં અને જીજ્ઞાસા અને સંવાદને પ્રોત્સાહીત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કલાત્મક રચનાઓ અને સમાજ વચ્ચેની કડીઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. શાળાઓમાં કલા શિક્ષણ સંસ્કૃત્તિ સમાવેશી અને સમાવેશી શિક્ષણનો માર્ગ મોકળો કરે છે. આ પ્રયાસો માટે યુનેસ્કો વૈશ્ર્વિક સ્તરે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં કલાનું વિશેષ મહત્વ છે, નાનકડા ચિત્રમાં બે લાઇનની સુંદર પંક્તિ ઘણું બધું કહી જતું હોય છે. દરેકે કલા શીખવા, શેર કરવા અને પોતાના જીવનને આનંદમાં રાખવા કલાનો સહારો લેવો જ પડે છે. આર્ટની ઉજવણીએ લલિત કલાની પણ ઉજવણી છે. દરેક વ્યક્તિ તેમના અનુભવ અને લાગણીના આધારે કલાનો અર્થ કે તેની વ્યાખ્યા કરતો હોય છે. વિવિધ પ્રકારના કલાકારોનું કામ આપણાં રોજિંદા જીવનને ઘણી બધી રીતે સમૃધ્ધ બનાવે છે. આપણાં દેશની સંસ્કૃત્તિમાં કલાઓ આદિકાળથી જોડાયેલી છે. ચિત્ર, સંગીત, નૃત્ય જેવી ઘણી કલાઓ આપણાં ઉત્સવોમાં પણ જોડાયેલી છે. દિવાળીના પર્વે જમીન પર દોરાતી રંગોળી કલાનું આભૂષણ કહેવાય છે. રાજા-રજવાડાના યુગમાં કલાકારોને બહુ જ માન-સન્માન મળતું અને તેની કલાની કદર પણ કરાતી હતી. પૌરાણિક કાળમાં શિલ્પ કલા સોળે કળાએ ખીલી ઉઠી હતી. નાટ્ય કલા પણ આજે નવા રંગરૂપ સાથે યુવાવર્ગને આકર્ષિ રહી છે. કલા અને કુદરત એકબીજા સાથે જોડાયેલા હોવાથી આપણી આસપાસના શ્રેષ્ઠ વાતાવરણને તેની સુંદરતાને માણસ માણતો હોય તેવી જ રીતે તે કોઇપણ કલાને પ્રેમ કરતો જ હોય છે. 1948માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ આર્ટની સ્થાપના કરવામાં આવી હતી અને 1954 આજ સંસ્થા યુનેસ્કો સાથે જોડાઇ હતી. દરેક માનવીમાં કોઇ એક છૂપી કલા પડી જ હોય છે, જરૂર છે માત્ર તેને ઉજાગર કે પ્રોત્સાહન આપવાની.
કોઇપણ દેશના વિકાસમાં કલાનું યોગદાન વિશેષ
આપણાં દેશમાં સંગીત, નૃત્ય, નાટક કે રંગભુમી, લોક પરંપરા, શિલ્પકલા, ચિત્રકલા, ધાર્મિક સંસ્કારો અને અનુષ્ઠાન, ચિત્રકાર અને લેખન ક્ષેત્ર જેવા વિવિધ કલા માધ્યમોનું વિકાસમાં મોટું યોગદાન છે. આજે સંગ્રહાલયોમાં અમૂર્ત સાંસ્કૃત્તિક વિરાસતના રૂપમાં સચવાયેલ છે, તેનું જતન કરવું અતી આવશ્યક છે. ભારતીય સાંસ્કૃત્તિક વિરાસત વિશ્ર્વમાં ખૂબ જાણીતી છે. કલા મન પર અસર કરે છે. કલા એક કેળવવા લાયક લલિત કલા છે. આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં 64 કલાઓ વર્ણવામાં આવી છે. કલા અને કલાતત્વ માનવ નિર્મિત સુંદર રચના અને તેનું હૃદ્ય છે, માનવીનું શ્રેષ્ઠ ક્રિએશન તેની કલા છે.