- અર્લીબર્ડ સ્કીમ અંતર્ગત એડવાન્સમાં કુલ રૂ. ૨૧૧.૦૦ કરોડ વેરો ભરાયો
- મહિલાકરદાતાને વિશેષ 5 % વળતર આપવાની દરખાસ્ત
રાજકોટ ન્યૂઝ
કર પ્રસ્તાવ વિષે વાત કરીએ તો રાજકોટ મહાનગર પાલિકા બજેટ 2024-25 માં વિવિધ આયમોને આવરી લેવામાં આવ્યા છે. તેમજ આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. ૩૦૦.૦૦ કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી. આ વર્ષે અત્યાર સુધીમાં ૩,૫૭,૦૪૬ કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઇ કર્યો છે. આ એક રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમા રેકોર્ડ છે. ચાલુ વર્ષે રૂ. ૩૭૫ કરોડની આવક થવાની આશા છે. આગામી વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે રૂ. ૪૩૦ કરોડનો અંદાજ રાખવામાં આવેલો છે.
ચાલુ વર્ષ દરમ્યાન અર્લી બર્ડ સ્કીમ હેઠળ એડવાન્સમાં વેરો. ૩,૦૯,૨૨૦ આસામીઓએ કુલ રૂ. ૨૧૧.૦૦ કરોડ ભરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે ટેક્ષ આકરણીમાં ૨૧,૨૩૦ નવા કરદાતાઓનો ઉમેરો થયો હતો તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૪૩૩૦ નિષ્ક્રિય કરદાતાઓ પાસેથી બાકી કર વસૂલાત કરીને સક્રિય કરવામાં આવેલ છે.
નિયમીત કરદાતાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અલી બર્ડ સ્કીમ સુચવવામાં આવેલ છે, અને મહિલા કરદાતાઓને વિશેષ ૫ % વળતર આપવાની દરખાસ્ત છે.
મકાન વેરા અંગે :
વર્ષ ૨૦૧૮- થી શરૂ કરવામાં કાર્પેટ એરીયા આધારીત પધ્ધત્તિના અમલ કરતી વખતે કન્ઝર્વન્સી ટેક્ષ, ફાયર ટેક્ષ, ડેનેજ ટેક્ષ અને દિવાબતી ટેક્ષ રદ કરવામાં આવેલ માત્ર સામાન્ય કર રહેણાંક માટે રૂ.૧૧ પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ. ૨૫ પ્રતિ ચો.મી રાખવામાં આવેલ. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે પણ મકાન વેરાના દર રૂ. ૧૧ પ્રતિ ચો.મી. અને બિનરહેણાંક માટે રૂ. ૨૫ પ્રતિ ચો.મી. યથાવત રાખવામાં આવેલ છે.
વાહન વેરાને RTOનો સહકાર
ચાલુ વર્ષમાં આપણે આજીવન વાહન વેરો એડવોલેરમ પધ્ધતિ મુજબ રૂ. ૯૯,૯૯૯/- સુધીની કિંમતના વાહનમાં ૧.૫% મુજબ તથા રૂ. ૧,૦૦,૦૦૦/- થી રૂ. ૭.૯૯,૯૯૯/- સુધીની કિંમતના વાહનમાં ૨.૫ % મુજબ તથા ૮,૦૦,૦૦૦/- થી વધુ કિંમતના વાહનમાં ૩% મુજબ અંદાજીત આવકનો લક્ષ્યાંક રૂ.૨૮.૦૦ કરોડ હતો. આજ સુધીમાં રૂ. ૨૩.૧૫ કરોડ જેટલી વસુલાત થઈ ગઇ છે અને આ વર્ષના અંતે રૂ. ૨૮.૦૦ કરોડ થવાનો અંદાજ છે. આ કામમા આપણને શહેરના ઓટો ડીલરો અને RTO ઓફિસનો સારો સહકાર મળેલ છે તેની પણ નોંધ લઇએ. આગામી વર્ષમાં વાહનવેરાની આવક રૂ. ૩૦.૦૦ કરોડ થવાની સંભાવના છે.
પાણી થયું મોંઘું
શહેરને પાણી પુરું પાડવા માટે અલગ અલગ સ્ત્રોતોથી તથા નર્મદા યોજનાનું પાણી જંગી ખર્ચથી મેળવવામાં આવે છે. ઘણી વખત અપૂરતા વરસાદના સંજોગોમાં નિયમિત પાણી વિતરણ કરવું પડકારરૂપ હોવા છતાં ગયા વર્ષે દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ કરેલ છે. આ માટે અલગ અલગ જળાશયોથી પાણી પમ્પીંગ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષ માં આ સંબંધે કુલ ખર્ચ રૂ. ૧૫૦.૦૦ કરોડ જેટલો થવાનો અંદાજ છે. આગામી વર્ષથી ૧/૨“ ના રહેણાક ઉપયોગના નળ કનેક્શનના વોટર ચાર્જના દરમાં માસિક રૂ. ૮.૩૩ તથા બિનરહેણાક ઉપયોગના નળ કનેક્શનના વોટર ચાર્જના દરમાં માસિક રૂ. ૧૬.૬૭ નો વધારો સૂચવવામાં આવ્યો છે. આ સૂચિત વધારાથી વર્ષે રૂ. ૩.૨૦ કરોડની વધારાની આવક થવી સંભવ છે.
ખુલ્લા પ્લોટ પરના ટેક્ષમાં કેટલો વધારો થયો?
રાજકોટ શહેરમાં ખુલ્લા પ્લોટમાં સામાન્ય રીતે ગંદકી થવાની ફરિયાદ વધુ રહેતી હોય છે. જેથી ખુલ્લા પ્લોટમાં ગંદકીની સફાઈમાં રાજકોટ મહાનગરપાલિકાને ઘણો ખર્ચ થાય છે, જેથી હાલમાં શહેરમાં વસૂલવામાં આવતો ખુલ્લા પ્લોટનો વેરો વધારવાની જરૂરીયાત જણાય છે. જેમાં હાલમાં વસૂલવામાં આવતા દર ૦ થી ૫૦૦ ચો.મી. સુધી ૧૪ રૂપિયા પ્રતિ ચો.મી. અને ૫૦૦ ચો.મી. થી વધુનાં ૨૮ રૂપિયા પ્રતિ ચો.મી. વસૂલવામાં આવે છે. જેમાં ૫૦૦ ચો.મી. થી વધુનાં પ્લોટમાં ૩૦ રૂપિયા પ્રતિ ચો.મી. સુચવવમાં આવેલ છે અને સ્માર્ટ સીટી વિસ્તારમાં ૬૦ રૂપિયા પ્રતિ ચો.મી. ફ્લેટ રેટ લેખે સુચવવમાં આવ્યો છે. આ સૂચિત વધારાથી વર્ષે રૂ. ૧.૫૦ કરોડની વધારાની આવક થવી સંભવ છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં થયો વધારો
ગાર્બેજ કલેક્શન ચાર્જના કારણે લોકો સફાઇ બાબતમાં વધુ જાગૃત બન્યા છે. સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ, રહેણાંક મિલકતો માટે રૂ. ૩૬૫/- તથા બિન રહેણાંક મિલકતો માટે વાર્ષિક રૂ. ૧૪૬૦/- વસૂલવામાં આવે છે. શહેરની સફાઈ વ્યવસ્થાને વધારે સુદ્રઢ બનાવવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં, તમામ પ્રકારની મિલકતોમાં પ્રતિ દિવસ રૂ ૧/- નો વધારો સૂચવવામાં આવ્યો છે. આ સૂચિત વધારાને કારણે મિલકત વેરાની આવકમાં વાર્ષિક રૂ. ૧૩.૦૭ કરોડનો વધારો થવા સંભવ છે.
ડીજીટલ પેમેન્ટ
સરકાર દ્વારા કેશલેસ / ઈલેક્ટ્રોનિક લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે. આ બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મિલકત ધારકોને ઇન્ટરનેટના માધ્યમથી કે કોઇપણ પ્રકારના ડીજીટલ ટ્રાન્જેકશનથી ભરનારને રકમના ૧% વળતર (ઓછમાં ઓછુ ૫૦ રૂપિયા વધુમાં વધુ ૨૫૦ રૂપિયા) આપવામાં આવે છે. આજ દિન સુધી ઓનલાઈન માધ્યમથી ૨,૨૨,૦૬૦ લોકોએ રૂ. ૧૪૫.૪૫ કરોડની રકમ ભરપાઈ કરેલ છે.
અર્લી બર્ડ ડીસ્કાઉન્ટ
ચાલુ વર્ષે આ સ્કીમ હેઠળ ૩,૦૯,૨૨૦ મિલ્કત ધારકોએ લાભ લીધેલ છે. આ સ્કીમનો દર વર્ષે નિયમિત લાભ લેતા રાજકોટ મહાનગરપાલિકાના વફાદાર કરદાતાઓને વિશેષ લાભ મળે તે માટે આ યોજનામાં વિશેષ ફેરફાર કરવામાં આવેલ છે. જે અન્વયે જેટલા કરદાતાઓએ સળંગ ત્રણ વર્ષ આ સ્કીમનો લાભ લીધેલ હોય તેમને ૧% ટકા વિશેષ વળતર આપવામાં આવેલ છે.
વ્યવસાય વેરા
રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં વ્યાજમાફીની સ્કીમ અમલી કરવામાં આવેલ હતી. જેમાં બહોળો પ્રતિસાદ મળેલ હતો જેને લીધે વ્યસાય વેરા અંતર્ગત નવા પી.ઈ.સીની સંખ્યા ૮૨૭૬ જ્યારે પી.આર.સી.ની સંખ્યા ૭૬૪ ની નોંધણી થયેલ છે. જેની સામે વસૂલાત આશરે રકમ રૂ. ૩૮.૦૦ કરોડ થયેલ છે.
ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માં તા. ૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં નવા નોંધાયેલ પી.ઇ.સી. ની સંખ્યા ૩૫૨૧ જ્યારે પી.આર.સી. ની સંખ્યા ૩૩૪ છે. જેની સામે વસુલાત આશરે રકમ રૂ. ૨૧.૦૦ કરોડ થયેલ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૩૫.૦૦ કરોડ થવાનો અંદાજ છે. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૨૮.૦૦ કરોડ આવકનો અંદાજ છે.
થિયેટર ટેક્સ
રાજકોટ શહેરમાં ચાલતા સિનેમાઘરો દ્વારા ચલાવવામાં આવતા શો અન્વયે રૂ. ૧૨૫/- પ્રતિ શો લેખે થિયેટર ટેક્સ પેટે વસૂલવામાં આવે છે. રાજકોટ શહેર ખાતે નોંધાયેલ તમામ સિનેમાઘરો તરફથી આ બાબતે ખુબ જ સારો સહકાર મળેલ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી આ વેરો સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવેલ છે. ગત નાણાંકીય વર્ષમાં વેરો રૂ. ૧૨.૦૩ લાખ વસૂલ કરેલ હતો. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૧૩.૦૦ લાખ આવકનો અંદાજ છે.
મિલકતોની માલિકીની તબદીલીના કિસ્સામાં નામ ટ્રાન્સફર ચાર્જ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતોની માલિકીની તબદીલીના કિસ્સામાં નિયત ડીપોઝીટ અને નામ ટ્રાન્સફર ફી વસૂલ કરીને મિલકતવેરા રજીસ્ટર ઉપર નામફેર કરી આપવામાં આવે છે. જે મુજબ હાલ પ્રતિ નામ ટ્રાન્સફર અરજી અન્વયે નામ ટ્રાન્સફર ફી રૂ. ૫/- અને ડીપોઝીટ રૂ. ૨૫૦/- વસુલ કરવામાં આવે છે. અન્ય મહાનગરપાલિકાની નામ ટ્રાન્સફર કરવાની પદ્ધતિનો અભ્યાસ કરતા, મિલકતના કાર્પેટ એરીયા પ્રમાણે ફી વસુલ કરવાનું યોગ્ય જણાતું હોય, નીચે પ્રમાણે સૂચિત નામ ટ્રાન્સફર ફી નિયત કરવાની તેમજ દસ્તાવેજ થયાના ૯૦ દિવસ બાદ જો નામ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવામાં આવે તો રૂ. ૨૦૦૦/- ની લેઇટ ફી દાખલ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.