મોરબીમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢ કે જેઓ શેર બજારમાં શેર ખરીદ વેચાણમાં તથા કોઈ કંપનીના શેર ખરીદવા કે વેચવા માટેની કામગીરીમાં પ્રવીણ હોય. તેઓને નિર્મલ બેંક સિક્યુરિટીના શેરમાં રોકાણ કરો અને ત્રણ મહિનામાં એકના ડબલ રૂપિયાની લોભામણી લાલચ આપી રૂ.34 લાખથી વધુનો ચૂનો લગાવતા એક મહિલા સહીત પાંચ આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપરા શેરી નં 10માં રહેતા અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હીંમાશુભાઇ બળવંતભાઇ પંડ્યા ઉવ.50 એ આરોપી 1)રીયા શર્મા મો.નં. 7241171948તથા 7470604948, ર)આર.પી.સીંગ મો.નં.6261553804, 3)જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ મો.નં.9137046344 તથા 8819854245, 4)ઓમ કશ્યપ મો.નં.8450810835, 5) અમિતભાઇ અગ્રવાલ મો.નં. 7887414890 વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે વર્ષ 2021માં ફરિયાદી હિમાંશુભાઈને આરોપી રીયા શર્માનો મોબાઇલમાં કોલ આવ્યો હતો
અને પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર તરીકેની ઓળખ આપી શે2 બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેમ કહી ફરીયાદીને લોભામણી લાલચ આપતા ફરીયાદી વિશ્વાસમાં આવી ગયા હતા. ત્યારે આરોપી રીયા શર્માએ જણાવેલ એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલવા રૂપીયા 5 લાખ ડીપોજીટ પેટે જમા કરાવેલ બાદ આરોપી આર.પી.સીંગ સાથે સંપર્ક કરાવતા તેમણે ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં જણાવ્યા રૂપીયા જમા કરાવવા કહેતા હિમાંશુભાઈએ કટકે કટકે રૂ.5,27,499/-જમા કરાવેલ બાદ હિમાંશુભાઈને તેના ડીમેટ એકાઉન્ટ યુજર આઇ.ડી. પાસવર્ડ આપેલા હતા.
આમ ઉપરોક્ત પાંચેય આરોપીઓએ હિમાંશુભાઈને શેર બજારમાં યેનકેન પ્રકારે રૂપીયા ડબલ કરવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઇ ઓનલાઇન/ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા 34,40,179/- મેળવી આરોપીઓએ એકાબીજા સાથે મળીને હિમાંશુભાઈ સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 406,420,114 તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.