- સુરતમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મસ્વરે શ્રી ઉવસગ્ગહરં સ્ત્રોતનો દિવ્યનાદ ગુંજી ઉઠ્યો: ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત
” હું કઈ રીતે સુખ પામીશ?” એવા વિચાર સાથે નહીં પરંતુ “આજે હું કોને સુખી કરું?” એવા વિચારથી દિવસનો પ્રારંભ કરવાના પારમાર્થિક બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે સુરતની ધરા પર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને પ્રતિબોધિત કરતાં સહુ કૃત્કૃતાર્થ બન્યાં હતાં.
ઘણાં લાંબા સમય બાદ સુરત શહેરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના મંગલ પદાર્પણ સાથે એમના સાંનિધ્યે આયોજિત આ અવસરે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરતના કોર્પોરેટર અને એડવોકેટ નેન્સીબેન સુમેરા, ઘાટકોપર મુંબઈના એમ.એલ.એ. પરાગભાઇ શાહ આદિ મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો શ્રદ્ધા -ભક્તિભાવે જોડાઈ ગયાં હતાં.
મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને સિદ્ધહસ્ત કરનારા પરમ ગુરુદેવના બ્રહ્મનાદે આ સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવતાં ઉપસ્થિત સહુએ અલૌકિક દિવ્યતાની અનુભૂતિ કરી હતી.
આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, સુખ પ્રાપ્તિની ઝંખના કરતો સમાજ કદી સુખી નથી બની શકતો. જ્યારે કે સત્ય પ્રાપ્તિની ઝંખના કરનારા, સુખી બન્યાં વિના નથી રહેતાં. પરમાત્મા કહે છે, બીજાને જે સુખી કરે છે એના જીવનમાંથી સુખ કદી ઘટતું નથી અને પોતાના સુખને ભોગવનારાનું સુખ કદી વધતું નથી. અન્યના દુ:ખની ચિંતા કરનારા, અન્યને સુખી કરનારા તે જ ભગવાનના અંશ અને વંશ બને છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને એક અદભુત એનર્જીના સ્તોત્ર સ્વરૂપે ઓળખાવીને આ અવસરે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, એક વચન માત્રથી આજની યંગ જનરેશનને ઉંધી દિશામાંથી સીધી દિશામાં દોરી જઈ રહેલાં પરમ ગુરુદેવ ન માત્ર ધર્મની પ્રભાવના કરી રહ્યાં છે પરંતુ સમાજ વિકાસ માટેના અદભુત કાર્યો કરીને અમારા જેવા યુવાનો માટે એક પ્રેરણા બની રહ્યાં છે. આ અવસરે પૂજ્ય વિનમ્રમુનિ મહારાજ સાહેબે સુંદર દ્રષ્ટાંત દ્વારા માનવતા અને સેવાના સત્કાર્યો કરવાની પ્રેરણા આપતા હર્ષ હર્ષ છવાયો હતો. એમ. એલ. એ પરાગભાઈ શાહ તેમજ કોર્પોરેટર નેન્સીબેન દ્વારા સુંદર ભાવો સાથે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ અવસરે અભિમંત્રિત મંગલ કળશની ઉછામણીનો લાભ મહેતા પરિવાર લઈને ધન્ય બન્યાં હતાં તેમજ હર્ષભાઈ સંઘવી, પરાગભાઇ શાહ તેમજ નેન્સીબેન સુમેરાના હસ્તે ’સ્પીડ બ્રેકર’ પુસ્તિકાનું લોકાર્પણ થતા હર્ષ હર્ષ છવાયો હતો. પ્રેરણાત્મક દૃષ્યાંકન “ખુશીયોં કા પાર્સલ”ની પ્રસ્તુતિ સાથે આ અવસર વિરામ પામ્યો હતો.