- બટેટા હવે ખેડૂતોને મોંઘા પડશે
- ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનની બેઠકમાં લેવાયો નિર્ણય:લેબર તેમજ લાઈટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાયો
ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનની શુક્રવારે બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. લેબર તેમજ લાઈટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાયો હતો. ખેડૂતોને સ્ટોરેજ ભાડામાં કટ્ટા દીઠ 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનની શુક્રવારે સંગમ કોલ્ડ સ્ટોરેજમાં બેઠક બોલાવવામાં આવી હતી. એસોસિયેશનનાં ચેરમેન ફુલચંદભાઈ કચ્છવાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લાના 199 કોલ્ડ સ્ટોરેજનું સંચાલન કરતા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં 2024 ના વર્ષ માટે ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે ઓગસ્ટ 31 સુધી પ્રતિ કિલો રુ 2.00 હતા જેનો વધારો કરી પ્રતિ કિલો રુ. 2.20 કરવામાં આવ્યા હતા. એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ કિલો રુ 2.40 હતા. જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રુ. 2.60 કરવામાં આવ્યો હતો. આમ બન્ને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટાએ (50કિલો) રૂપિયા 10 નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટ્ટાએ રૂપિયા 12.50 ગ્રેડીગ ચાર્જ અલગથી વસુલનો નિર્ણય પણ લેવાયો છે.
આ સાથે ચેમ્બરના ભાડાના દરો પણ નક્કી કરાયા છે. જેમાં રૂપિયા 2.10 જૂન સુધી ફોંગીગ ગ્રેડીગ ચાર્જ અલગથી લેવામાં આવશે અને રૂપિયા 2.30 સપ્ટેમ્બર સુધી ફોંગીગ ગ્રેડીગ ચાર્જ અલગથી લેવામાં આવશે. તેમજ ઓક્ટોબર પછી જો બટાટા સ્ટોરેજમાં હશે તો પ્રતિકિલોએ 15 પૈસા ચાર્જ લેવાનું નક્કી કરાયું હતું. હાલ જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે અને 3.15 કરોડ કટ્ટાની કેપિસિટી ધરાવી રહ્યા છે. ત્યારે ભાડા વધારાના કારણે ખેડૂતોને આ વર્ષે રૂપિયા 31.50 કરોડ વધારાના ચૂકવવા પડશે.