આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર છે ત્યારે આજે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં બનેલા પ્રથમ મલ્ટીલેવલ બ્રિજને શ્રીરામ બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. અરર્જન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરી સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી.
22મીએ ભાગવત કથાકાર પૂ.રમેશભાઇ ઓઝાના હસ્તે નામકરણ અર્પણવિધી કરાશે
રાજકોટ શહેરના કે.કે.વી ચોક પર હયાત બ્રિજની ઉપર કાલાવડ રોડ પર કોટેચા ચોકથી આત્મીય યુનીવર્સીટી તરફ જતા શહેરના પ્રથમ મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજને “શ્રી રામ બ્રીજ” કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્ય જયમીનભાઈ ઠાકર દ્વારા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્ય પુષ્કરભાઇ પટેલના ટેકાથી આજે જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેને અનુમોદન આપી તમામ સભ્યોએ વધાવી લેતા “જય શ્રી રામ” નારા થી આજના જનરલ બોર્ડમાં બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવી હતી.
જ્યારે સમગ્ર ભારત વર્ષ શ્રી રામના નારા સાથે રામમય બની ચુક્યું છે અને જે ખાસ ઘડીની રાહ ભારતના પ્રત્યેક નાગરિક શ્રધ્ધાપૂર્વક જોઈ રહ્યા છે તેવા રામનવમીના પવિત્ર દિવસે તા.22ને સોમવારના રોજ સવારે 10:00 વાગ્યે ભાગવત કથાકાર પ.પુ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના વરદ હસ્તે નામકરણ અનાવરણ વિધિ યોજવામાં આવશે. આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય ભાનુબેન બાબરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા તથા ડો. દર્શીતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ ડો. માધવ દવે અને શહેર ભાજપ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહેશે.
અયોધ્યામાં શ્રી રામલલા મંદિરમાં થનાર ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાની આ શુભ ઘડીને વધાવવા માટે શહેરના તમામ શ્રધ્ધાળુ નાગરીકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું.