સ્લેબની ભરાઇ કામ કરતા શખ્સે સેન્ટ્રીંગમાં ભીડો મારવાના પ્રશ્ર્ને ઝઘડો કર્યા બાદ પુત્ર સહિત પાંચ શખ્સો સાથે આવી ત્રણેય ભાઇઓને છરી ઝીંકી દેતા એકનું રાજકોટ હોસ્પિટલમાં મોત
હળવદ તાલુકાના નવા ઇશનપુરના ત્રણ સગા ભાઇઓ પર હળવદના ગોરી દરવાજા પાસે નવા બંધાતા મકાનના સ્લેબની ભરાઇ કરવા આવેલા શખ્સને સેન્ટીગની મજુરી કામ કરતા યુવક સાથે ભીડો મારવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના કારણે પાંચ શખ્સોએ ત્રણ ભાઇઓ પર છરીથી કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નીપજ્તા બનાવ હત્યામાં પરિણમ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા ઇશનપુર ગામે રહેતા રવિભાઇ ખોડાભાઇ સોનગ્રા, જયદીપ ખોડાભાઇ સોનગ્રા અને હિરેન ખોડાભાઇ સોનગ્રા હળવદના ગોરી દરવાજા પાસે નવા બંધાતા મકાનનું સેન્ટીગ કામની મજુરીએ ગયા હતા ત્યારે સ્લેબની ભરાઇ કરવા આવેલા નટુ ઉર્ફે દાઢી નામના શખ્સ સાથે ભીડો કાઢવાના પ્રશ્ર્ને ઝઘડો થયો હતો.
ઉશ્કેરાયેલા નટુ ઉર્ફે દાઢીએ પોતાના પુત્ર અને અન્ય ત્રણ જેટલા શખ્સોને ઘટના સ્થળે બોલાવી રવિ, જયદીપ અને હિરેન પર છરીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા ત્રણેય ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વધુ સારવાર માટે રવિ સોનગ્રાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મૃતક રવિ સોનગ્રા ત્રણ ભાઇમાં મોટો હોવાનું અને તેને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળે છે. હળવદ પી.એસ.આઇ. કિશોરસિંહ જેઠવા સહિતના સ્ટાફે નટુ ઉર્ફે દાઢી સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.