વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકોને વીજ કનેક્શન ન અપાતા આજે પણ અંધારે વાળું-પાણી કરવા પડે છે : કલેકટરને આવેદન
આંધળા વિકાસની વાતો વચ્ચે મોરબીના પાનેલી ગામના સતવારા સમાજના ખેડૂતોને આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ અંધારે બેસી વાળું પાણી કરવા પડતા હોય વીજ પ્રશ્ને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવતા ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાનેલી ગામમાં સતવારા સમાજની બહુ મોટી વસ્તી છે,ખેતી વ્યવસાય સાથે જોડાયેલ મોટાભાગના સતવારા સમાજના લોકો ગામ ને બદલે વળી વિસ્તારમાં જ વસવાટ કરે છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમય થી સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ વાડીના મકાનમાં ઘરવપરાશ માટે વીજ કનેક્શનની માંગણી કરવામાં આવી રહી છે.
પરંતુ પીજીવીસીએલ દ્વારા સતવારા સમાજના ખેડૂતોની વીજ કનેક્શનની માંગ પ્રત્યે ધ્યાન આપવામાં ન આવતા આજે પણ આ ખેડૂતોને દિવાના અજવાળે અંધારામાં બેસી વાળું પાણી કરવા પડે છે.બીજી તરફ મોરબી પંથકના અનેક ગામોમાં પીજીવીસીએલ દ્વારા વાડી વિસ્તારમાં ઘરવપરાશ માટેના વીજ કનેક્શન ફટાફટ આપવામાં આવતા હોય પાનેલી ગામના ૫૫ જેટલા કુટુંબોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ચૂંટણીના દિવસે મતદાન કરવાથી અળગા રહેવા નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.
આમ, ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પાનેલી ગામના સતવારા સમાજના લોકોએ વીજ પ્રશ્ને મતદાન ન કરવાની ચીમકી આપી વિજપ્રશ્ને સવાલો ઉઠાવતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયુ છે.